ગુજરાત

વડોદરામાં શેરબજારના નામે મસમોટું સાયબર ફ્રોડ: 706% નફાની લાલચ આપી યુવક પાસેથી ₹13.63 લાખ પડાવ્યા!

Vadodara Cyber Fraud: વડોદરા શહેરમાં શેરબજારમાં રોકાણ કરીને દરરોજ 10 થી 20 ટકા અને ટૂંકા ગાળામાં 706 ટકા સુધીનું મસમોટું વળતર મેળવવાની લાલચ આપીને સાયબર ગઠિયાઓએ એક યુવક સાથે ₹13.63 લાખની ઓનલાઈન છેતરપિંડી આચરી હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. દેશની જાણીતી ‘SAMCO Securities Limited’ કંપનીના નામનો દુરુપયોગ કરીને ઠગોએ બોગસ વોટ્સએપ ગ્રુપ, બનાવટી એપ્લિકેશન અને ખોટા સર્ટિફિકેટ્સ તૈયાર કરીને આ આખું કૌભાંડ રચ્યું હતું. શરૂઆતમાં નાની રકમ વળતર રૂપે પરત આપીને યુવકનો વિશ્વાસ કેળવ્યા બાદ લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવાયા હતા. આ મામલે પીડિત યુવકે સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

સોશિયલ મીડિયા પર મેસેજ કરી બોગસ વોટ્સએપ ગ્રુપમાં ફસાવ્યો

પોલીસ ફરીયાદ અનુસાર, વડોદરાના ગુરુકુળ ચાર રસ્તા પાસે રહેતા અને ખાનગી કંપનીમાં ડિલિવરી એનાલિસ્ટ તરીકે નોકરી કરતા યુવક આ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. ગત 27 જુલાઈના રોજ તેમને ‘Threads’ એપ્લિકેશન પરથી એક મેસેજ આવ્યો હતો, ત્યારબાદ તેમને શેરબજારની ટિપ્સ આપતા ‘Prosper Together’ નામના વોટ્સએપ ગ્રુપમાં ઉમેરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં જાણીતી સિક્યોરિટીઝ કંપનીના ડાયરેક્ટર અને મેનેજર તરીકેની ખોટી ઓળખ આપતા શખસો માર્ગદર્શન આપવાનો ઢોંગ કરતા હતા.

‘Sam-pro’ નામની બનાવટી એપ્લિકેશનમાં ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવ્યું

ત્યારબાદ યુવકને ‘1 On 1 VIP Group 324’ નામના અન્ય એક ગ્રુપમાં જોડીને IPO અને શેરોમાં રોકાણ કરવાથી ભારે નફો મળશે તેવી લાલચ આપવામાં આવી હતી. ગત 21 ઓગસ્ટના રોજ ગઠિયાઓએ યુવક પાસે ‘Sam-pro’ નામની એક થર્ડ પાર્ટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેના પિતાના નામે ટ્રેડિંગ એકાઉન્ટ શરૂ કરાવ્યું હતું. શરૂઆતમાં ₹20 હજારનું રોકાણ કરાવ્યા બાદ ઠગોએ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટુકડે-ટુકડે કુલ ₹13,63,100 ટ્રાન્સફર કરાવી લીધા હતા. વિશ્વાસ કેળવવા માટે ઠગોએ શરૂઆતમાં નાની રકમ પરત પણ કરી હતી.

₹3.96 કરોડનો નફો બતાવી પરફોર્મન્સ ફીના નામે વધુ નાણાં માંગ્યા

દરમિયાન ગત 7 ઓક્ટોબરના રોજ આ બોગસ એપ્લિકેશનમાં યુવકને 706 ટકાનો જંગી નફો થયો હોવાનું દર્શાવીને કુલ ₹3.96 કરોડ જમા હોવાનું બતાવવામાં આવ્યું હતું. યુવકે જ્યારે આ નફાની રકમ પોતાના બેંક એકાઉન્ટમાં વિથડ્રો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે સાયબર ઠગોએ ‘પરફોર્મન્સ ફી’ ના નામે બે જ દિવસમાં વધુ ₹19,25,165 જમા કરાવવાની માગણી કરી હતી. આટલી મોટી રકમ વધારાની માંગવામાં આવતાં યુવકને છેતરપિંડી થઈ હોવાની આશંકા ગઈ હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઓરિજિનલ કંપનીનો વીડિયો જોતાં કૌભાંડ ખુલ્લું પડ્યું

આ શંકા વચ્ચે યુવકે મૂળ સિક્યોરિટીઝ કંપનીના ડાયરેક્ટરના સત્તાવાર ‘Instagram’ એકાઉન્ટ પર એક વીડિયો જોયો હતો, જેમાં તેમના નામનો દુરુપયોગ કરીને બોગસ વોટ્સએપ ગ્રુપ દ્વારા છેતરપિંડી થતી હોવા અંગે ચેતવણી આપવામાં આવી હતી. આ વીડિયો જોતાં જ યુવક સાથે થયેલા કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. આથી યુવકે ગત 15 ઓક્ટોબરના રોજ 1930 સાયબર હેલ્પલાઈન પર તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ બનાવટી એપ્લિકેશન, વોટ્સએપ ચેટ અને બેંક સ્ટેટમેન્ટ જેવા તમામ પુરાવાઓ સાથે સાયબર પોલીસ સ્ટેશનમાં E-FIR નોંધાવતાં પોલીસે આગળની કાયદેસરની તપાસ ચાલુ કરી છે.

આ પણ વાંચો: સુરતમાં ‘ગાંધીનગર પોલીસ’ બનીને ઉઘાડી લૂંટ: સરથાણાની વેબ ડેવલપમેન્ટ ઓફિસમાં ત્રાટકીને વેપારીઓનું અપહરણ!

Back to top button