અમદાવાદમાં પોલીસની મોટી કાર્યવાહી: એક્સપ્રેસ-વે ટોલનાકા પરથી ₹8 લાખથી વધુના ગાંજા સાથે મોરબીનો શખ્સ ઝડપાયો!

Ahmedabad Ramol Ganja Seizure: અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનની ટીમે ડ્રગ્સ વિરુદ્ધની લડાઈમાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. એક્સપ્રેસ-વે ટોલનાકા પાસેથી વાહન ચેકિંગ દરમિયાન પોલીસે બાતમી અને શંકાના આધારે મોરબીના એક શખ્સને ઝડપી પાડ્યો છે, જેની પાસેથી આશરે ₹8.06 લાખની કિંમતનો 16.130 કિલોગ્રામ શંકાસ્પદ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે ઓનલાઈન ગેમિંગની લતમાં ફસાઈને ભારે દેવું થઈ જવાથી આ શખ્સે ટૂંકા રસ્તે પૈસા કમાવવા માટે ગાંજાની ગેરકાયદેસર હેરાફેરીનો રસ્તો અપનાવ્યો હતો. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરીને સપ્લાયર અને મુખ્ય ખરીદનાર વિરુદ્ધ કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટોલનાકા પર ઝડપાયો મોરબીનો ભાવિક મોરડીયા
ઘટનાની વિગતો અનુસાર, રામોલ પોલીસ સ્ટેશનની ટીમ એક્સપ્રેસ-વે ટોલનાકા પાસે રૂટિન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન એક શખ્સ પોતાની સાથે મોટી ટ્રોલી બેગ લઈને શંકાસ્પદ હાલતમાં ચાલીને પસાર થઈ રહ્યો હતો. પોલીસને શંકા જતાં તાત્કાલિક તે શખ્સને રોકીને તેની સઘન તલાશી લેવામાં આવી હતી. બેગ ખોલતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે અંદરથી ₹8.06 લાખની બજાર કિંમતનો કુલ 16.130 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ધોરણે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી હતી. પૂછપરછમાં પકડાયેલા શખ્સે પોતાનું નામ ભાવિક ધનજીભાઈ કાનજીભાઈ મોરડીયા જણાવ્યું હતું અને તે મૂળ મોરબીનો રહેવાસી છે તથા હોટેલના વેપાર સાથે સંકળાયેલો હોવાનું ખુલ્યું હતું.
ઓડિશાના બાલાંગીરથી ખરીદ્યો હતો ગાંજાનો જથ્થો
પોલીસ કસ્ટડીમાં આરોપી ભાવિકની કડકાઈથી પૂછપરછ કરવામાં આવતા અનેક ચોંકાવનારા રહસ્યો બહાર આવ્યા હતા. તેણે કબૂલાત કરી હતી કે આ ગાંજાનો જથ્થો તેણે ઓડિશાના બાલાંગીર ખાતે રહેતા અશ્વિની નામના શખ્સ પાસેથી ₹80,000 ની કિંમતમાં મેળવ્યો હતો. આ જથ્થો ઓડિશાથી લાવીને મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા પંકજ ઉર્ફે ધવલ ગણેશભાઈ ફેફર નામના શખ્સને સુરક્ષિત રીતે પહોંચાડવાનો હતો. આ ગેરકાયદેસર કામગીરી બદલ તેને માત્ર એક જ ટ્રીપના ₹50,000 જેટલું આકર્ષક કમિશન મળવાનું નક્કી થયું હતું. ઓડિશા સ્થિત વિશાલ મેગા માર્ટમાંથી ખાસ આ હેતુ માટે જ ટ્રોલી બેગ ખરીદવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઓનલાઈન ગેમિંગના દેવાએ બનાવી દીધો તસ્કર
તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો કે ભાવિકને ઓનલાઈન ગેમિંગ રમવાની ઘાતક લત લાગી ગઈ હતી, જેના કારણે તેને લાખો રૂપિયાનું મોટું દેવું થઈ ગયું હતું. આ દેવું ચૂકવવા માટે તેણે પંકજ સાથે વાતચીત કરી હતી, જેણે તેનું બધું દેવું ઉતારી આપવાની લાલચ આપીને તેને ઓડિશાથી ગાંજો લાવવા માટે તૈયાર કર્યો હતો. બંને આરોપીઓ અગાઉ આસપાસ જ રહેતા હોવાથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આરોપી ઓડિશાથી ટ્રેન કે ખાનગી બસ મારફતે વડોદરા સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી એક્સપ્રેસ-વે પર વાહન બદલીને અમદાવાદ થઈને મોરબી તરફ જવાની ફિરાકમાં હતો, પરંતુ રામોલ પોલીસની સતર્કતાના કારણે તે ટોલનાકા પાસે જ ઝડપાઈ ગયો હતો. પોલીસે ગાંજો સપ્લાય કરનાર ઓડિશાના શખ્સ અને મંગાવનાર મોરબીના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની સઘન તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: અમરેલી જિલ્લા પોલીસની કાર્યવાહી : સાવરકુંડલામાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો












