સુરત: ડેટિંગ એપ અને ઈ-કોમર્સના નામે લાખોની ઠગાઈ કરનાર જીમ ટ્રેનર વારાણસીથી ઝડપાયો

Varanasi Gym Trainer Arrested For Online Fraud In Surat: સુરત શહેરના સાયબર ક્રાઈમ સેલે ડેટિંગ એપ્લિકેશન મારફતે સામાન્ય નાગરિકોનો સંપર્ક કરી, ઈ-કોમર્સ બિઝનેસમાં ઊંચા વળતરની લાલચ આપીને લાખો રૂપિયા પડાવતા આંતરરાજ્ય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ રેકેટના એક શાતિર સાગરીત અને વ્યવસાયે જીમ ટ્રેનર એવા અબ્દુલ્લા ઉર્ફે સોનુ માઝીદ (ઉં.વ. 32, રહે. જૈતપુરા, વારાણસી, ઉત્તરપ્રદેશ) ને વારાણસીથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. માત્ર ધોરણ 11 સુધી અભ્યાસ કરનાર આ આરોપી આંતરરાજ્ય છેતરપિંડીના મોટા નેટવર્કમાં સક્રિય હતો. આ ઠગ ટોળકીએ સુરતના એક ભોગ બનનાર નાગરિક સાથે કુલ 5,88,909 રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરી હતી.
ડેટિંગ એપ પર ફસાવી આચરવામાં આવતી ગઠિયાબાજી
આ ગુનાની મોડસ ઓપરેન્ડી અંગે ખુલાસો કરતા પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીઓ સૌપ્રથમ ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી ભોગ બનનારનો સંપર્ક સાધીને વિશ્વાસ કેળવતા હતા. ત્યારબાદ ઈ-કોમર્સ વેપારમાં ભારે નફો અપાવવાની લાલચ આપીને એક બનાવટી (ફેક) વેબસાઈટની લિંક મોકલવામાં આવતી હતી. આ ફેક સાઈટ પર ફરિયાદીનું યુઝર આઈડી બનાવડાવીને અલગ-અલગ બેંક ખાતાઓમાં ટુકડે-ટુકડે કુલ 5,88,909 રૂપિયા જમા કરાવી લેવામાં આવ્યા હતા. જોકે, બાદમાં વળતર કે મૂળ રોકાણની રકમ પરત ન મળતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું અને ભોગ બનનારે સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
રોકડ રકમ ઉપાડી USDT ક્રિપ્ટો કરન્સી દ્વારા દુબઈ હવાલા મારફતે ટ્રાન્સફર કરતો હતો આરોપી
પોલીસ તપાસમાં પકડાયેલા આરોપી અબ્દુલ્લા ઉર્ફે સોનુની ભૂમિકા અત્યંત ચોંકાવનારી રહી છે. આ ગુનામાં અગાઉ પકડાયેલા એક આરોપીના બેંક ખાતામાંથી ફરિયાદીના 1,77,590 રૂપિયા અબ્દુલ્લાએ કમિશન પર મેળવેલા પોતાના બેંક ખાતાઓમાં CDM મશીન મારફતે જમા કરાવ્યા હતા. ત્યારબાદ તે એટીએમ અને ચેક દ્વારા રોકડ રકમ ઉપાડીને પોતાનું ₹12,590 કમિશન કાપી લેતો હતો અને બાકીના ₹1,65,000 ના USDT (ક્રિપ્ટોકરન્સી) ખરીદીને દુબઈ સ્થિત ફરાર મુખ્ય સૂત્રધારને ટ્રાન્સફર કરી આપતો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
દુબઈના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા તપાસ તેજ
સુરત સાયબર ક્રાઈમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વારાણસીમાં દરોડો પાડીને આરોપી અબ્દુલ્લાને દબોચી લીધો હતો. આ પ્રકરણમાં અગાઉ મુંબઈના રહેવાસી ઈમરાન યુસુફ ખીલચી (ઉં.વ. 46) ની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેના એચડીએફસી બેંક ખાતામાં છેતરપિંડીના નાણાં જમા થયા હતા. હાલ સુરત સાયબર ક્રાઈમ પોલીસ આ સમગ્ર આંતરરાજ્ય નેટવર્કના દુબઈ સ્થિત વોન્ટેડ માસ્ટરમાઇન્ડ અને અન્ય નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.












