ગુજરાત

સુરતમાં ‘ગાંધીનગર પોલીસ’ બનીને ઉઘાડી લૂંટ: સરથાણાની વેબ ડેવલપમેન્ટ ઓફિસમાં ત્રાટકીને વેપારીઓનું અપહરણ!

Surat Extortion Case: સુરત શહેરના સરથાણા વિસ્તારમાં ગાંધીનગર પોલીસની ઓળખ આપીને વેપારીઓ અને યુવાનોને નિશાન બનાવીને તોડબાજી કરતી એક નાની-મોટી ગેંગ સક્રિય થઈ હોવાનો અત્યંત સનસનીખેજ મામલો પ્રકાશમાં આવ્યો છે. સરથાણાના મહાવીર ચોક ખાતે આવેલી એક વેબ ડેવલપમેન્ટ ઓફિસમાં અચાનક ઘૂસીને યુવક અને તેના ભાગીદારોનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ આજીવન જેલમાં ધકેલી દેવાની ગંભીર ધમકી આપીને કુલ ₹4 લાખની ખંડણી વસૂલ કરી હતી. આ ગંભીર ગુનામાં કુલ 6 શખ્સો સંડોવાયેલા હતા, જેમાંથી સરથાણા પોલીસની સક્રિયતાને કારણે ગણતરીના જ સમયમાં 3 મુખ્ય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે બાકીના ફરાર સાગરીતોની શોધખોળ માટે પોલીસની ચક્રોગતિમાન થઈ છે.

ઓફિસમાં ધસી આવીને મોબાઈલ આંચકી લીધા અને શરૂ કર્યું શૂટિંગ

મૂળ અમરેલીના પીઠવાજાળ ગામના વતની અને હાલ લસકાણા પાસોદરા રોડ પર રહેતા 22 વર્ષીય મિહિત પ્રકાશભાઈ દેસાઈ મહાવીર ચોક સ્થિત ‘ધ ગેલેરીયા-2’ નામની કોમ્પ્લેક્સની ઓફિસમાં ભાગીદારીમાં ઓનલાઇન વેબ-ડેવલપમેન્ટનું કામકાજ સંભાળે છે. ગત 24 ઓક્ટોબરના રોજ બપોરે આશરે 3 વાગ્યાના અરસામાં તેઓ પોતાના સ્ટાફ સાથે ઓફિસમાં હાજર હતા, ત્યારે અચાનક 3 અજાણ્યા ઇસમો ધસી આવ્યા હતા. તેમાંથી એક શખ્સે તરત જ પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો ઉતારવાનું શરૂ કરી દીધું હતું અને હાજર તમામ લોકોના ફોન ઝૂંટવી લીધા હતા. આટલું જ નહીં, આરોપીઓએ બહારથી ઓફિસનો દરવાજો બંધ કરી દીધો હતો, જેના કારણે ભયનો માહોલ સર્જાયો હતો.

‘તમે ગેરકાયદેસર ધંધો કરો છો, ગાંધીનગર લઈ જવા પડશે’

આરોપીઓએ પોલીસ હોવાનો રોફ જમાવીને પેઢીના જીએસટી (GST) તથા અન્ય દસ્તાવેજોની માંગણી કરી હતી. યુવકોએ તેમની પાસે જીએસટી નંબર ન હોવાનું અને માત્ર ભાડાકરાર હોવાનું જણાવતા જ આરોપીઓએ તરત જ પસ્તાળ પાડી હતી કે, “તમે ગેરકાયદેસર ધંધો ચલાવો છો, જેથી તમારે જીએસટી મામલે ગાંધીનગર ચાલવું પડશે.” આટલું કહીને તેમણે ઓફિસમાંથી એક લેપટોપ જપ્ત કરી લીધું હતું અને મિહિતભાઈ તથા તેમના ભાગીદાર પ્રણવને બળજબરીપૂર્વક નીચે ઊભેલી સફેદ રંગની ઇનોવા કારમાં બેસાડી દીધા હતા.

માંગી ₹50 લાખની તોતિંગ ખંડણી

ભોગ બનનાર યુવકના જણાવ્યા મુજબ, જે ઇનોવા કાર (GJ-02-ER-7887) માં તેમને બેસાડવામાં આવ્યા હતા તેના ડેશબોર્ડ પર લાલ રંગનું “GOV. OF GUJRAT” લખેલું બનાવટી બોર્ડ લગાવેલું હતું. આ સમગ્ર ષડયંત્રમાં કુલ 6 ઇસમો સામેલ હતા, જેમાંથી 4 જણા કારમાં બેઠા હતા અને 2 ઇસમો ઓફિસ પર હાજર રહ્યા હતા. આરોપીઓ બંને યુવકોને શ્યામધામ મંદિર નજીક લઈ ગયા હતા અને ડરાવતા કહ્યું કે તેઓ ગાંધીનગર પોલીસમાંથી છે અને જો આ કેસમાંથી છૂટવું હોય તો ₹50 લાખ આપવા પડશે, નહીંતર મોટો કેસ કરીને આજીવન જેલમાં સડાવી દઈશું.

છેવટે ₹4 લાખ રોકડા પડાવી ફરાર થઈ ગયા

યુવકોએ આટલી મોટી રકમ આપવાની અસમર્થતા દર્શાવતા આરોપીઓ ગાડી પરત ઓફિસે લાવ્યા હતા અને અન્ય ભાગીદાર મિલનને પણ ગાડીમાં બેસાડી દીધો હતો. ત્રણેયને કારમાં ફેરવીને અગાઉ ₹10 લાખની માંગણી કરનાર આરોપીઓએ અંતે આંકડો ₹8 લાખ નક્કી કર્યો હતો. મિલને પોતાના મોટા ભાઈ અમિતને ફોન કરીને નાણાંની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. આરોપીઓએ ઓફિસ પર મૂકેલા પોતાના 2 સાગરીતોને કામરેજ બોલાવી લીધા હતા અને અમિત પાસેથી રોકડા ₹4,00,000 પડાવી લીધા હતા. રૂપિયા મળી જતાં આરોપીઓએ ત્રણેય યુવકોને રાજ હોટલ પાસે ઉતારી દીધા હતા અને ગાડી લઈને નાસી છૂટ્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પોલીસે 3 આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી લીધા

આ ભયાનક ઘટના બાદ મિહિતભાઈએ મિત્રની સલાહ લઈને સીધા સરથાણા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે BNS ની કલમ 308(6), 189(2), 190, 204, 137(2), 61(2)(a) અને 351(2) હેઠળ ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ તોડબાજ ગેંગના 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે બાકીના 3 ફરાર આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસની ખાસ ટીમો બનાવીને સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં પોલીસની મોટી કાર્યવાહી: એક્સપ્રેસ-વે ટોલનાકા પરથી ₹8 લાખથી વધુના ગાંજા સાથે મોરબીનો શખ્સ ઝડપાયો!

Back to top button