અમદાવાદગુજરાતટ્રાવેલટ્રેન્ડિંગ

દિવાળી વેકેશનમાં ગુજરાતીઓની પસંદગી બદલાઈ, સિક્કિમ-દાર્જિલિંગ હોટફેવરિટ, વિદેશમાં વિયેતનામનો ક્રેઝ વધ્યો

Diwali Tour Trends   : દિવાળી વેકેશનમાં ફરવા જવાની તૈયારી કરી રહેલા ગુજરાતીઓએ આ વર્ષે પ્રવાસના બજેટમાં વધારો કરવો પડશે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ (Middle East Conflict) અને ફ્યુઅલ સરચાર્જ (Fuel Surcharge) વધવાને કારણે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટૂર પેકેજના ભાવમાં 35થી 50 ટકા સુધીનો વધારો નોંધાયો છે. મોંઘા પ્રવાસને કારણે ઘણા પ્રવાસીઓ લાંબી વિદેશ યાત્રા કરતાં ચારથી છ દિવસમાં પૂરી થઈ શકે તેવી ટૂંકા ગાળાની ડોમેસ્ટિક ટ્રીપ (Domestic Trip) પસંદ કરી રહ્યા છે.

ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીના અંદાજ મુજબ, બે વ્યક્તિના ડોમેસ્ટિક ટૂર પેકેજનો ખર્ચ રૂ. 25 હજારથી રૂ. 90 હજાર સુધી પહોંચ્યો છે. જ્યારે વિદેશ પ્રવાસ (International Tour) માટે કપલને અંદાજે રૂ. 80 હજારથી રૂ. 2.50 લાખ સુધી ખર્ચ કરવો પડી શકે છે.

આ વર્ષે વિદેશ પ્રવાસ માટે વિયેતનામ, બાલી, થાઈલેન્ડ, શ્રીલંકા, સિંગાપોર અને દુબઈ જેવા સ્થળો ગુજરાતીઓની પસંદગીમાં છે. બીજી તરફ દેશમાં સિક્કિમ, દાર્જિલિંગ અને મેઘાલય જેવા સ્થળો નવા ટ્રેન્ડ તરીકે ઉભરી રહ્યાં છે. નૈનીતાલ, કેરળ, હિમાચલ પ્રદેશ, ગોવા, જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાન પણ પ્રવાસીઓની યાદીમાં સામેલ છે.

દુબઈ કરતાં વિયેતનામ તરફ વધુ ઝુકાવ

અમદાવાદના ટ્રાવેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ વખતે વિયેતનામ માટે પૂછપરછ (Travel Enquiry) વધી છે, જ્યારે દુબઈ માટે અગાઉની સરખામણીએ કન્ફર્મ બુકિંગ (Confirmed Booking) ઓછું જોવા મળી રહ્યું છે. મધ્ય પૂર્વની સ્થિતિ અને વધતા પ્રવાસ ખર્ચને કારણે પ્રવાસીઓ અન્ય વિદેશી સ્થળો તરફ વળી રહ્યા છે.

ચારથી છ દિવસના પ્રવાસને પ્રાથમિકતા

ડોમેસ્ટિક પ્રવાસમાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનાં સ્થળો માટે પૂછપરછ થઈ રહી છે. જોકે, સામાન્ય રીતે દિવાળી દરમિયાન પ્રવાસીઓથી ભરચક રહેતાં કેરળ અને કર્ણાટકમાં આ વર્ષે અપેક્ષા કરતાં ઓછો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર માટે પણ ગત વર્ષની સરખામણીએ બુકિંગમાં ઘટાડો નોંધાયો હોવાનું ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીનાં સૂત્રો જણાવી રહ્યાં છે.

પ્રવાસીઓ હવે એવા સ્થળો પસંદ કરી રહ્યા છે જ્યાં ચારથી છ દિવસમાં પ્રવાસ પૂરો થઈ શકે. ટૂંકી રજા અને મર્યાદિત બજેટને ધ્યાનમાં રાખીને આવા પેકેજની માંગ વધી રહી છે.

એરફેરમાં 50 ટકા સુધીનો વધારો

અમદાવાદની અલગારી ટ્રાવેલ એજન્સીના માલિક પ્રિયેશ ડોબરિયાના જણાવ્યા અનુસાર, કેટલાક રૂટ પર ગત વર્ષની સરખામણીએ હવાઈ ભાડાં (Airfare)માં 30થી 40 ટકા, જ્યારે કેટલાક રૂટ પર 50 ટકા સુધીનો વધારો થયો છે. મધ્ય પૂર્વની સ્થિતિ અને ફ્યુઅલ સરચાર્જમાં વધારાની અસર ટિકિટના ભાવ પર પડી છે.

તેમણે જણાવ્યું કે, અમદાવાદથી આંદામાનની રિટર્ન ટિકિટ (Return Ticket)નો ભાવ સામાન્ય રીતે દિવાળી દરમિયાન રૂ. 25થી 30 હજાર રહેતો હતો. આ વર્ષે તે વધીને રૂ. 55થી 60 હજાર સુધી પહોંચ્યો છે. આંદામાન માટે મર્યાદિત ફ્લાઇટ્સ (Limited Flights) પણ ઊંચા ભાડાનું એક કારણ હોઈ શકે છે.

લખનઉ જેવા ડોમેસ્ટિક રૂટ પર પણ વન-વે ટિકિટ (One-way Ticket)નો ભાવ રૂ. 15થી 17 હજાર સુધી પહોંચી રહ્યો છે, જ્યારે અગાઉ આ ભાડું રૂ. 4થી 6 હજારની આસપાસ રહેતું હતું. કેટલાક પ્રવાસીઓ ગોવા જતી વખતે મહાબળેશ્વર, ગોકર્ણ અને વર્કલા જેવા સ્થળોનો પણ પ્રવાસમાં સમાવેશ કરી રહ્યા છે. પ્રિયેશ ડોબરિયાના જણાવ્યા અનુસાર, તેમની એજન્સીમાં આ દિવાળી દરમિયાન અંદાજે રૂ. 2થી 2.5 કરોડનું બુકિંગ થયું છે.

દિવાળીના મુખ્ય દિવસોમાં બુકિંગમાં ઘટાડો

અમદાવાદની ચીકી ટ્રાવેલ એજન્સીના માલિક અંકિત બજાજના જણાવ્યા અનુસાર, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દિવાળીના પ્રવાસ માટે બુકિંગમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. દિવાળી પહેલાં અને તહેવાર બાદના સમયગાળા માટે પૂછપરછ અને બુકિંગ સારાં છે, પરંતુ દિવાળીના મુખ્ય દિવસો દરમિયાન એડવાન્સ બુકિંગ (Advance Booking) અંદાજે 30થી 35 ટકા જેટલું છે.

તેમના મતે, હવાઈ ભાડાંમાં થયેલો વધારો બુકિંગ ઘટવાનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત સોના-ચાંદીના ભાવ અને ખરીદી અંગેની ચર્ચાને કારણે પણ કેટલાક લોકો પ્રવાસ પાછળ ખર્ચ કરવાને બદલે કિંમતી ધાતુઓની ખરીદી તરફ વળી શકે છે.

થાઈલેન્ડ, સિંગાપોર અને વિયેતનામની માંગ

રાજકોટની મીથિકલ માઈલ્સ પ્રાઇવેટ લિમિટેડનાં ડિરેક્ટર મોના જગોતના જણાવ્યા અનુસાર, ગુજરાતીઓમાં પ્રવાસનો શોખ યથાવત્ છે. ઇન્ટરનેશનલ પ્રવાસમાં થાઈલેન્ડ, સિંગાપોર, મલેશિયા અને વિયેતનામની માંગ વધુ છે. દુબઈ અને બાલી માટે પણ પ્રવાસીઓમાં રસ જોવા મળી રહ્યો છે. વિયેતનામના ફૂકોક આઇલેન્ડ (Phu Quoc Island) માટે ખાસ પ્રવાસીઓ જઈ રહ્યા છે. અહીં આવેલો કિસિંગ બ્રિજ (Kissing Bridge) અને વર્લ્ડ ફેમસ એમ્યુઝમેન્ટ પાર્ક (Amusement Park) પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

ડોમેસ્ટિક પ્રવાસમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, આંદામાન-નિકોબાર, મહારાષ્ટ્ર, ગોવા અને કેરળ ગુજરાતીઓની પસંદગીમાં છે. મોના જગોતના જણાવ્યા અનુસાર, આ તમામ સ્થળોમાં કેરળ ખાસ હોટ ફેવરિટ (Hot Favourite) છે. ડોમેસ્ટિક ટૂર પેકેજ માટે એક કપલનો ખર્ચ રૂ. 25 હજારથી રૂ. 90 હજાર સુધીનો થઈ શકે છે.

Back to top button