દિવાળી પૂર્વે રાજકોટમાં ફૂડ વિભાગના દરોડા: મીઠાઈ-ફરસાણની 46 પેઢીઓની તપાસમાં અખાદ્ય જથ્થો નાશ પામ્યો

Rajkot Food Department Raid: દિવાળીના પાવન તહેવારોની મોસમ નજીક આવતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ એકશન મોડમાં આવી ગયો છે. તહેવારોના આ દિવસોમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય અને શુદ્ધ ખાદ્ય સામગ્રી મળી રહે તે હેતુસર શહેરભરમાં વ્યાપક અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તહેવારોને ધ્યાનમાં રાખીને ખાસ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના અંતર્ગત રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી મીઠાઈ, ફરસાણ, ડેરી પ્રોડક્ટ્સ અને મુખવાસનું વેચાણ કરતી કુલ 46 પેઢીઓની સઘન તપાસ કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન ગ્રાહકોના આરોગ્ય માટે જોખમી સાબિત થતો આશરે 22 કિલોગ્રામ જેટલો અખાદ્ય, વાસી, પડતર અને એક્સપાયર્ડ જથ્થો સ્થળ પર જ જપ્ત કરીને તેનો નાશ કરવામાં આવ્યો હતો.
12 ખાદ્ય નમૂનાઓ લેબોરેટરીમાં મોકલાયા
આ સઘન ફૂડ સેફ્ટી ચેકિંગ અભિયાન અંતર્ગત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 12 ખાદ્ય નમૂનાઓ (સેમ્પલ) એકત્રિત કરીને ગુણવત્તા તથા ભેળસેળ ચકાસવા માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જોકે, આ સેમ્પલના રિપોર્ટ્સ આવવામાં સમય લાગતો હોવાથી ત્યાં સુધીમાં બજારમાંથી અનેક વસ્તુઓનું સેવન થઈ ચૂકતું હોય છે. આ તપાસ દરમિયાન જે દુકાનો કે પેઢીઓમાં ગંદકી અથવા નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું, તે પૈકી કુલ 5 પેઢીઓને સ્ટોરેજની અયૈાગ્ય પદ્ધતિ, લાયસન્સના અભાવ અને હાઈજેનિક કન્ડિશન ન જાળવવા બદલ કડક નોટિસો ફટકારવામાં આવી હતી. આ સાથે જ નિયમભંગ બદલ કુલ ₹3,500 નો વહીવટી ચાર્જ પણ દંડ સ્વરૂપે વસૂલ કરવામાં આવ્યો હતો.
વિવિધ પ્રખ્યાત ખાણી-પીણીની પેઢીઓ પર તંત્રની લાલ આંખ
રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાં કરવામાં આવેલી આ અચાનક ચકાસણી દરમિયાન અનેક જાણીતી દુકાનો અને ખાણી-પીણીના વેપારીઓની અનિયમિતતાઓ બહાર આવી છે. કાળાવડ રોડ પર આવેલા હરિયોગી લાઈવ પફને લાયસન્સ ન બતાવવા બદલ નોટિસ આપવામાં આવી હતી અને 12 લિટર લેબલ વગરના પડતર ઠંડા પીણાંનો નાશ કરી ₹1,000 વહીવટી ચાર્જ વસૂલાયો હતો. પરાબજારમાં આવેલી માં વૈષ્ણવી કેળાં વેફર પરથી 10 કિલોગ્રામ દાજિયું તેલ જપ્ત કરી નાશ કરાયો હતો અને ₹500 દંડ લેવાયો હતો. આ ઉપરાંત લાખના બંગલા પાસેના જય દ્વારકાધીશ ચાઈનીઝ પંજાબી અને અક્ષરનગરના શ્રી બાલાજી ફરસાણ માર્ટને પણ હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસો અપાઈ હતી અને નમૂનાઓ લેવાયા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મુખવાસ અને ડેરી પ્રોડક્ટ્સના ધંધાર્થીઓ સામે પણ ફૂડ વિભાગની બાજ નજર
શહેરમાં માત્ર ફરસાણ કે ફાસ્ટ ફૂડ જ નહીં, પરંતુ મુખવાસ અને ડેરી પેઢીઓ પર પણ ફૂડ વિભાગે બાજ નજર રાખી છે. કંસારા બજારના નંદા બ્રધર્સ, કોઠારીયા રોડના રામેશ્વર ડેરીફાર્મ, પરાબજારના અમૃત મુખવાસ, નવા નાકા રોડના પ્રકાશ સ્ટોર્સ અને યુનિવર્સિટી રોડ પર આવેલા પટેલ સ્વીટ્સ એન્ડ ડેરી ફાર્મ જેવી પ્રતિષ્ઠિત પેઢીઓમાંથી ચોકો બોલ, મિક્સ મુખવાસ, ભાખરવડી, કાજુ કતરી, આમળા કેન્ડી અને કાજુ કેરેમલ લાડુ જેવા વિવિધ ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમૂનાઓ પૃથ્થકરણ અર્થે લેવામાં આવ્યા છે. કાળાવડ રોડની આશાપુરા હોટલને પણ લાયસન્સ પ્રદર્શિત ન કરવા બાબતે નોટિસ ફટકારવામાં આવી છે. તંત્રની આ લાલ આંખથી વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: સુરતમાં ‘ગાંધીનગર પોલીસ’ બનીને ઉઘાડી લૂંટ: સરથાણાની વેબ ડેવલપમેન્ટ ઓફિસમાં ત્રાટકીને વેપારીઓનું અપહરણ!












