કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગીર સોમનાથમાં માવઠાનો માર! મગફળી-ચણાના પાક પર નુકસાનનું સંકટ

Rain News : ગીર સોમનાથ જિલ્લાના તાલાલા અને કોડિનાર તાલુકામાં અચાનક વાતાવરણ પલટાતાં વરસેલા માવઠાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાતાં તાલાલા અને કોડિનાર ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ખેતરોમાં લણણી માટે તૈયાર ઊભેલો મગફળીનો પાક અને વાવેતર કરાયેલો ચણાનો પાક પાણીમાં ગરકાવ થઈ જતાં ધરતીપુત્રોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અણધાર્યા કમોસમી વરસાદને પગલે જગતના તાતનો મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

તાલાલા-કોડિનારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

તાલાલા પંથકના વડાળા, જાવંત્રી, ગીર તેમજ વિઠ્ઠલપુર સહિતના ગામડાંઓમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં વરસ્યા હતા. બીજી તરફ કોડિનાર પંથકના વલાદર, સાંઢણીધાર, કંટાળા, ઘાટવડ, પાવટી અને જગતિયા સહિતના ગામોમાં મુશળધાર વરસાદ પડતાં માર્ગો પરથી પાણી વહેવા લાગ્યા હતા. ગામડાઓમાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાતાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયાં હતાં અને ખેડૂતોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

જગતિયા ગામે ખેડૂતોની લાચારી: પાથરા પાણીમાં તરતા થયા

ખાસ કરીને કોડિનારના જગતિયા ગામેથી ખેડૂતોની લાચારી અને બરબાદીના હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે. ખેતરોમાં મગફળીનો પાક ઉપાડીને લણણી માટે તૈયાર રાખવામાં આવ્યો હતો, પરંતુ ઓચિંતા ત્રાટકેલા અનરાધાર વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઈ જતાં મગફળીના પાથરા પાણીમાં તરતા થઈ ગયા હતા. તૈયાર પાક સડી જવાની અને કાળો પડી જવાની ભીતિ વચ્ચે ખેડૂતોની મહિનાઓની આકરી મહેનત અને મૂડી ક્ષણભરમાં ધોવાઈ ગઈ છે.

આ પણ વાંચો: ‘અમેરિકાની રમત ખતમ થઈ જશે!’ 2028ની ચૂંટણી પહેલાં એલન મસ્કની મોટી ચેતવણી

ખેડૂતો પર કુદરતનો બેવડો માર 

ધરતીપુત્રો પર આ વર્ષે કુદરતનો બેવડો માર પડ્યો છે. અગાઉ અનિયમિત અને અપૂરતા વરસાદને લીધે ઉત્પાદન પર અસર પડી હતી, અને હવે જ્યારે ખેતરોમાં મગફળી અને ચણાનો પાક બજારમાં લાવવા લાયક થયો ત્યારે માવઠું ત્રાટક્યું છે. રવી સિઝનના પ્રારંભે જ ચણાના પાકને પણ મોટો ફટકો પડ્યો છે. ખેડૂતો પાસે હવે નુકસાની સિવાય કશું બચ્યું ન હોવાથી રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે સ્પેશિયલ સર્વે કરાવી યોગ્ય આર્થિક સહાય અને પાક નુકસાનીનું વળતર જાહેર કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

આ પણ વાંચો:  ખાંભાના ઘરમાં સિંહની એન્ટ્રી! કલાકો સુધી ઓરડામાં જમાવ્યો અડિંગો
Back to top button