અમદાવાદ રિવરફ્રન્ટ પર ડિસેમ્બરમાં ખીલશે ફૂલોની દુનિયા, 14 કરોડનો ખર્ચ થશે

Riverfront Flower Show : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) પર દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો (International Flower Show) યોજવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ડિસેમ્બર મહિનામાં યોજાનારા આ લોકપ્રિય મહોત્સવ માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ફૂલોની વિવિધ પ્રજાતિઓ, આકર્ષક કલાકૃતિઓ અને થીમ આધારિત સ્થાપત્યો આ શોની ખાસિયત રહેશે. સમગ્ર આયોજન પાછળ મનપા અંદાજે રૂ. 14 કરોડનો ખર્ચ કરશે.
ગત વર્ષ કરતાં ત્રણ કરોડનો ઓછો ખર્ચ
ગત વર્ષે ફ્લાવર શોના આયોજન પાછળ અંદાજે રૂ. 17 કરોડનો ખર્ચ થયો હતો. આ વર્ષે મનપાએ ખર્ચ ઘટાડીને રૂ. 14 કરોડની આસપાસ રાખવાનું આયોજન કર્યું છે. શોના એક્ઝિબિશન (Exhibition), લાઇટિંગ (Lighting), થીમ આધારિત સ્કલ્પચર્સ (Theme-based Sculptures), સુરક્ષા અને લેન્ડસ્કેપિંગ (Landscaping) સહિતની કામગીરી માટે એજન્સીઓની પસંદગી કરવામાં આવશે.
આ માટે મનપાના ગાર્ડન વિભાગે ટેન્ડર પ્રક્રિયા (Tender Process) શરૂ કરી દીધી છે. આગામી દિવસોમાં કામગીરીની જવાબદારી સોંપાયા બાદ સ્થળ પર તૈયારીઓ વધુ વેગ પકડશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
છોડના વાવેતરમાં નદીના કુદરતી કાંપનો ઉપયોગ
આ વખતના ફ્લાવર શોમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને એક ખાસ પ્રયોગ કરવામાં આવશે. સાબરમતી નદીના તળિયે જમા થતા કુદરતી કાંપ (Silt)નો ઉપયોગ છોડના વાવેતર અને પ્લાન્ટેશન (Plantation) માટે કરવાનું આયોજન છે. આ કાંપમાં રહેલા પોષક તત્ત્વો છોડના વિકાસમાં મદદરૂપ થઈ શકે છે. સાથે જ બહારથી ખાતર ખરીદવાનો ખર્ચ પણ ઘટાડી શકાશે.
ફૂલો સાથે જોવા મળશે વિરાસત અને વાઇલ્ડલાઇફની ઝાંખી
ડિસેમ્બરના અંતિમ સપ્તાહથી જાન્યુઆરી સુધી યોજાનારા આ મહોત્સવમાં દેશ-વિદેશની વિવિધ ફૂલછોડની પ્રજાતિઓ (Flower Species) રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત વાઇલ્ડલાઇફ (Wildlife) અને ઐતિહાસિક વિરાસત (Historical Heritage)ને દર્શાવતી આકર્ષક પ્રતિકૃતિઓ પણ તૈયાર કરવામાં આવશે.
દર વર્ષે મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાંથી પણ લોકો ફ્લાવર શોની મુલાકાતે આવે છે. આ વર્ષે પણ ફૂલોની સજાવટ, થીમ આધારિત કલાકૃતિઓ અને પર્યાવરણલક્ષી પ્રયોગો સાથે રિવરફ્રન્ટ પર શિયાળાના આકર્ષણમાં વધારો થવાની અપેક્ષા છે.
આ પણ વાંચો : PM મોદી ગુજરાતને આપશે વિકાસકાર્યોની ભેટ, અનેક પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ












