ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

PM મોદી ગુજરાતને આપશે વિકાસકાર્યોની ભેટ, અનેક પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ

Sardar Patel Jayanti : દેશના પ્રથમ ગૃહમંત્રી અને લોખંડી પુરુષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે શનિવારે સમગ્ર દેશમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day) તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓએ સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણમાં રહેલા યોગદાનને યાદ કર્યું હતું. વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ પ્રસંગે તેઓ વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.

PM મોદીએ સરદાર પટેલને યાદ કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું કે, ભારતના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ. તેમણે મજબૂત, સમૃદ્ધ અને સક્ષમ ભારતના નિર્માણ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. મોદીએ વધુમાં જણાવ્યું કે, દેશની સેવા માટે સરદાર પટેલે આપેલું બલિદાન અને તેમનું સમર્પણ વિકસિત ભારત (Developed India) તથા આત્મનિર્ભર ભારત (Self-Reliant India)ના નિર્માણ માટે હંમેશાં પ્રેરણારૂપ રહેશે.

અમિત શાહે સરદાર પટેલને ગણાવ્યા આધુનિક ભારતના શિલ્પી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સરદાર પટેલને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે સરદાર પટેલને આધુનિક ભારતના શિલ્પી અને રાષ્ટ્રીય એકતા-અખંડિતતાના પ્રતીક ગણાવ્યા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે, સરદાર પટેલે પોતાની અદમ્ય હિંમત અને દૂરંદેશીથી દેશનાં રજવાડાંઓનું એકીકરણ કરીને મજબૂત ભારતનો પાયો નાખ્યો હતો. સાથે જ અખિલ ભારતીય સેવાઓ (All India Services)ની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવીને દેશની વહીવટી વ્યવસ્થાને મજબૂત બનાવી હતી.

તેમણે ખેડા અને બારડોલી સત્યાગ્રહમાં ખેડૂતોના અધિકારો માટે સરદાર પટેલે કરેલા સંઘર્ષને યાદ કર્યો હતો. શાહે કહ્યું કે, સરદાર પટેલનું બલિદાન, સમર્પણ અને દેશભક્તિ આવનારી પેઢીઓને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના નિર્માણ માટે પ્રેરણા આપતાં રહેશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ પણ આપી શ્રદ્ધાંજલિ

સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સરદાર પટેલે દેશનાં રજવાડાંઓને એક કરીને અખંડ ભારતના નિર્માણમાં જે ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી, તેને યાદ કરી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો મેસેજ આપવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : પાકિસ્તાનના કરાચી બંદરે 7 મહિનાથી ફસાયું ભારતીય જહાજ! 6 ભારતીય નાવિકોની હાલત દયનીય

Back to top button