ગુજરાતટોપ ન્યૂઝ

જામનગર : જિલ્લામાં દુષ્કાળના લીધે ખેડૂતનો આપઘાત, ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Gujarat News : જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ નહીંવત થવાને કારણે ખેડૂતોના પાક પર માઠી અસર થઈ છે. દુષ્કાળ જેવી સ્થિતિમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતીમાં પાક નિષ્ફળ જતાં અને આર્થિક સંકડામણ વધતાં વાવડી ગામના એક ખેડૂતે પોતાની વાડીના મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. બે સંતાનોના ભવિષ્યની ચિંતા અને પોતાના પશુધનનું ભરણપોષણ પણ ન કરી શકવાની લાચારી વચ્ચે ખેડૂતનું જીવન ટુંકાવ્યું છે.

ખેતી કરીને ચલાવતા ગુજરાન

સમગ્ર મામલા અનુસાર, જોડિયા તાલુકાના વાવડી ગામના ખેડૂત હેંમતભાઈ હરિભાઈ મકવાણા (ઉ.વ.47) ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ વર્ષે વરસાદની અછત અને પાણીની તંગીના કારણે ખેતીમાં પાક નિષ્ફળ ગયો હતો. જેના કારણે તેમની આર્થિક સ્થિતિ કથળી હતી. એક તરફ ખેતીમાં આવક થવાની કોઈ આશા રહી નહોતી તો બીજી તરફ પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તેની ચિંતા તેમને સતાવી રહી હતી.

ખેતીમાં ઉપજ ન થતાં મૂંઝવાતા હતા

હેંમતભાઈને એક પુત્ર અને એક પુત્રી એમ બે સંતાનો છે. ખેતીમાં ઉપજ ન થતાં બંને સંતાનોને કેવી રીતે ભણાવશે, તેમનું ભરણપોષણ કેવી રીતે કરશે અને પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવશે તેવા સવાલો તેમને સતત મૂંઝવતા હતા. તેમજ  ખેતીકામમાં ઉપયોગી પોતાના બે બળદોનો નિભાવ કરવો પણ મુશ્કેલ બની ગયો હતો. પાણીના અભાવ અને બળદોને ખવડાવવા માટે ઘાસચારા સહિતની વ્યવસ્થા ન કરી શકવાની લાચારીના કારણે તેમણે આખરે પોતાના બંને બળદોને રાજકોટના વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાની ફરજ પડી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ખેતીમાં નિષ્ફળતા અને આર્થિક સંકટ વચ્ચે ભર્યું આ પગલું

ખેતીમાં નિષ્ફળતા, આર્થિક સંકટ, સંતાનોના ભવિષ્યની ચિંતા અને પશુધનને પણ સાચવી ન શકવાની વેદના વચ્ચે હેંમતભાઈ ભારે ચિંતામાં રહેતા હતા. દરમિયાન ગત તા.30ના રોજ વાવડી ગામથી લીંબુડા તરફ જતા રસ્તા પાસે આવેલી પોતાની વાડીના મકાનમાં તેમણે છતના હુકમાં દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો

બનાવની જાણ તેમના ભાઈ રમેશભાઈ હરિભાઈ મકવાણાએ જોડીયા પોલીસને કરતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. ખેતીમાં પાક નિષ્ફળ જતાં પરિવારનું ભરણપોષણ મુશ્કેલ બન્યું, પશુધનને પણ સાચવી ન શકવાની સ્થિતિ સર્જાઈ અને અંતે બે સંતાનો પિતાની છત્રછાયા ગુમાવી બેઠાં. દુષ્કાળની કપરી પરિસ્થિતિ વચ્ચે બનેલી આ ઘટનાએ ફરી એક વખત ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની આર્થિક અને સામાજિક મુશ્કેલીઓ તરફ ધ્યાન દોર્યું છે.

આ પણ વાંચો : અમદાવાદ રિવરફ્રન્ટ પર ડિસેમ્બરમાં ખીલશે ફૂલોની દુનિયા, 14 કરોડનો ખર્ચ થશે

Back to top button