ચાર સ્વજનો ગુમાવ્યા, આર્થિક સંકટમાં ઘેરાયો પરિવાર; વડોદરાની સામુહિક આત્મહત્યાનો મામલો

Family Death : વડોદરાના માંડવી વિસ્તારની દલા પટેલની પોળમાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતની ઘટના ચર્ચામાં છે. ઘરમાંથી માતા આરતી સોની, પુત્રી અને પુત્રના મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં પરિવાર લાંબા સમયથી આર્થિક મુશ્કેલીઓ અને આઘાતનો સામનો કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાસ્થળેથી પોલીસને ત્રણ પાનની સુસાઈડ નોટ (Suicide Note) પણ મળી આવી છે, જેમાં પરિવારની પરિસ્થિતિ અને અંતિમ નિર્ણય પાછળનાં કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ચાર સ્વજનોના વિયોગથી માનસિક રીતે ભાંગી પડ્યાં હતાં
સુસાઈડ નોટના પ્રથમ પાનામાં આરતી સોનીએ પરિવારના ચાર નજીકના સભ્યો માતા, પિતા, ભાઈ અને પતિના નિધનનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સ્વજનોને ગુમાવ્યા બાદ પરિવાર પર માનસિક અસર પડી હતી અને તેઓ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા.
નોટમાં મકાન વેચાણ અંગેની વિગતો પણ લખવામાં આવી છે. તેમણે મકાન શૈલેષ પટેલને વેચ્યું હોવાનું અને તેના બદલામાં રૂ. 33 લાખ લેવાના બાકી હોવાનું જણાવ્યું છે. આ મકાન પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની લોન હોવાનો પણ ઉલ્લેખ છે. સાથે જ શૈલેષ પટેલ આ મામલે નિર્દોષ ગણાવી તેમને હેરાન ન કરવાની વિનંતી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ઘરકામ કરતી મહિલાનો પણ ઉલ્લેખ
સુસાઈડ નોટના બીજા પાનામાં તેમણે વર્ષોથી તેમના ઘરે કામ કરવા આવતાં ઉષાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે ઉષાબેનને સારી અને પ્રમાણિક વ્યક્તિ ગણાવી આ ઘટનામાં તેમની કોઈ ભૂમિકા ન હોવાનું લખ્યું છે. પરિવારના સભ્યોના મોત બાદ પોલીસ કે અન્ય કોઈ દ્વારા તેમને બિનજરૂરી રીતે હેરાન ન કરવામાં આવે તેવી વિનંતી પણ કરવામાં આવી છે.
અંતિમ સંસ્કાર અંગે પણ લખી હતી વિનંતી
નોટના ત્રીજા પાનામાં પરિવારના ત્રણેય સભ્યોએ પોતાની મરજીથી આ પગલું ભર્યું હોવાનું લખવામાં આવ્યું હોવાનો દાવો છે. તેમાં કોઈ અન્ય વ્યક્તિને જવાબદાર ન ગણવાની વાત સાથે મૃતદેહોના પોસ્ટમોર્ટમ (Postmortem) અને અંતિમ સંસ્કાર અંગેની ઇચ્છા પણ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આવી વિનંતીઓ હોવા છતાં કાયદાકીય પ્રક્રિયા મુજબ આગળની કાર્યવાહી કરવી પોલીસ અને સંબંધિત તંત્રની જવાબદારી છે.
મેનિફેસ્ટિંગમાં રાખતા હતા વિશ્વાસ
પોલીસ તપાસ દરમિયાન પરિવારની મેનિફેસ્ટિંગ (Manifestation) પ્રત્યેની માન્યતા અંગે પણ માહિતી સામે આવી છે. પરિવાર આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા, ધંધામાં પ્રગતિ મેળવવા અને પોતાની ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે લખાણો તૈયાર કરતો હતો અને તેની પૂજા કરતો હોવાનું જાણવા મળ્યું છે.
મેનિફેસ્ટિંગ એટલે હકારાત્મક વિચારો અને કલ્પનાશક્તિના આધારે પોતાનાં લક્ષ્યો પ્રાપ્ત કરવાની માન્યતા. પરિવારના ઘરમાંથી આ પ્રકારનાં લખાણો અને કેટલીક ચિઠ્ઠીઓ મળી આવી હોવાનું કહેવાય છે. જોકે, આ માન્યતા અને પરિવારના મોત વચ્ચે સીધો સંબંધ હોવાનું તપાસમાં સાબિત થયું નથી.
પોલીસે સુસાઈડ નોટ સહિત ઘરમાંથી મળેલી સામગ્રી કબજે કરી છે. પરિવારની આર્થિક સ્થિતિ, મકાનના વેચાણનો વ્યવહાર અને અન્ય સંજોગોની તપાસ કરવામાં આવી રહી છે. ત્રણ સભ્યોનાં મોત પાછળનાં તમામ પાસાં જાણવા પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચો : Census 2027: દેશભરમાં વસ્તી ગણતરીની તારીખો જાહેર! 25 જાન્યુઆરીથી શરૂ થશે મહાઅભિયાન, જોઈ લો આખું શિડ્યૂલ












