ગુજરાત

સુરત: અડાજણમાં 76 વર્ષીય કાપડ વેપારી સાથે ₹3.75 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: ગોરખપુરથી માસ્ટરમાઈન્ડ ઝડપાયો

Adajan Trader Robbery Case: સુરત શહેરના અડાજણ વિસ્તારમાં એક વૃદ્ધ કાપડ વેપારીને નિશાન બનાવી લાખો રૂપિયાની રોકડ રકમની લૂંટ ચલાવવાની સનસનાટીભરી ઘટનાનો સુરત પોલીસે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. અડાજણ સ્થિત મંગલદીપ સોસાયટીમાં રહેતા 76 વર્ષીય કાપડના વેપારી વિષ્ણુભાઈ રાત્રિના અરસામાં પોતાની ટેક્સટાઇલની દુકાન વધાવીને રોકડ સાથે ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સોસાયટીના પ્રથમ માળે પહોંચતા જ અગાઉથી ઘાત લગાવીને બેઠેલા લૂંટારુઓએ તેમને આંતરી લીધા હતા અને તેમની પાસેથી ₹3.75 લાખની રોકડ રકમ લૂંટીને નાસી છૂટ્યા હતા. વૃદ્ધ સાથે બનેલી આ ગંભીર ઘટના અંગે અડાજણ પોલીસ મથકમાં ગુનો નોંધાતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા.

ગોલુ અને સનીએ દિવસો સુધી કરી હતી રેકી

પોલીસની ઝીણવટભરી તપાસમાં સામે આવ્યું છે કે લૂંટારુઓની ટોળકીએ આ ગુનાને અંજામ આપવા માટે દિવસો સુધી પૂર્વ આયોજન કર્યું હતું. ટોળકીના સભ્યો ગોલુ અને સની દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી વૃદ્ધ વેપારી વિષ્ણુભાઈની સતત રેકી કરવામાં આવતી હતી. વેપારી કયા સમયે દુકાન બંધ કરે છે અને રોકડ રકમ કઈ રીતે ઘરે લઈ જાય છે, તે સમગ્ર રુટ અને સમયપત્રક પર નજર રાખવામાં આવતી હતી. રેકી કર્યા બાદ આ બંને આરોપીઓએ તમામ ચોક્કસ માહિતી પોતાના મુખ્ય સાગરીત કરણ ભારતી સાથે શેર કરી હતી, જેના આધારે લૂંટનું આખું ષડયંત્ર ઘડીને તેને અંજામ આપવામાં આવ્યો હતો.

યુપીના ગોરખપુર ખાતેથી મુખ્ય આરોપી પકડાયો

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી અડાજણ પોલીસ સ્ટેશનના પી.આઈ.ની અધ્યક્ષતામાં અલગ-અલગ તપાસ ટીમો કામે લગાડવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ તથા આસપાસના તમામ માર્ગો પરના 300 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા. હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ લૂંટમાં કુલ 4 આરોપીઓ સામેલ હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સુરતમાંથી 3 આરોપીઓને દબોચી લીધા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર કરણ ભારતી ઉત્તર પ્રદેશ ભાગી ગયો હોવાની ચોક્કસ બાતમી મળતાં એક વિશેષ ટીમે ગોરખપુર ખાતે ધામા નાખીને તેને ઝડપી પાડ્યો હતો.

₹3.67 લાખની રોકડ રિકવર

પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલી ₹3,75,000 ની રકમમાંથી ₹3,67,000 ની રોકડ રકમ સફળતાપૂર્વક કબજે કરી લીધી છે. તપાસમાં એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે મુખ્ય આરોપી કરણ ભારતી રીઢો ગુનેગાર છે. કરણ વિરુદ્ધ અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ખાસ કરીને ઘરફોડ ચોરી જેવા ગંભીર પ્રકારના કુલ 7 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસ હાલ અન્ય આરોપીઓની પણ સઘન પૂછપરછ કરી રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

“ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સથી મળી સફળતા”

આ સમગ્ર સફળ કામગીરી અંગે વિગતો આપતાં DCP લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, “અડાજણ મંગલદીપ સોસાયટીમાં 76 વર્ષીય વૃદ્ધ વેપારી સાથે બનેલી લૂંટની ઘટનામાં પોલીસે 300 થી વધારે CCTV કેમેરા ચકાસી તેમજ ટેક્નિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે 3 આરોપીઓને સુરતથી તથા મુખ્ય આરોપી કરણ ભારતીને યુપીના ગોરખપુર ખાતેથી પકડી પાડ્યો છે. લૂંટમાં ગયેલા ₹3,75,000 માંથી ₹3,67,000 રિકવર કરવામાં આવ્યા છે.”

આ પણ વાંચો: ધોળા દિવસે અમદાવાદમાં મોટી લૂંટ: ₹34 લાખની રોકડ ભરેલી બેગ ઝૂંટવી અપહરણકર્તાઓ ફરાર!

Back to top button