PM મોદીની આજે ગુજરાતના મંત્રીઓ સાથે રાજભવનમાં ખાસ ડિનર બેઠક
Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત આગમનને પગલે રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા વર્ષ 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી જ માઇક્રો પ્લાનિંગ અને રણનીતિ ઘડવાની કવાયત તેજ કરી દેવામાં આવી છે. આ મિશનના ભાગરૂપે પીએમ મોદી આજે રાત્રે ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે રાજ્ય મંત્રીમંડળના સભ્યો સાથે એક અત્યંત મહત્વપૂર્ણ અને ખાનગી ‘ડિનર બેઠક’ યોજવા જઈ રહ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સાંજે 7 વાગ્યે મંત્રીઓને હાજર રહેવા તેડું
મળતી વિગતો અનુસાર, વડાપ્રધાન મોદી રાત્રે 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરીને સીધા ગાંધીનગર રાજભવન પહોંચશે. જોકે, રાજ્યના તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને સાંજે 7:00 વાગ્યે જ રાજભવન ખાતે ઉપસ્થિત રહેવા કડક સૂચના આપી દેવાઈ છે. આ બેઠકની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ‘વન-ટુ-વન’ સંવાદ જળવાઈ રહે તે હેતુથી માત્ર મંત્રીઓને જ પ્રવેશ અપાશે; મંત્રીઓના અંગત સચિવ (PS), પીએ (PA) તેમજ અંગત સુરક્ષા કમાન્ડોને બેઠક સ્થળથી દૂર રાખવામાં આવશે.
એરપોર્ટ પર ભવ્ય સ્વાગત: પ્રદેશ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યોની હાજરી
અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનને આવકારવા માટે ખાસ રાજકીય પ્રોટોકોલ ગોઠવાયો છે. એરપોર્ટ ખાતે ગોરધન ઝડફિયા, પ્રદિપસિંહ જાડેજા, પ્રદીપ પરમાર અને આર.એમ. પટેલ સહિતના શહેરના વરિષ્ઠ આગેવાનો અને પૂર્વ ધારાસભ્યો હાજર રહેશે. આ ઉપરાંત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ પ્રદેશના ચારેય મહામંત્રીઓ પણ સ્વાગત અને સંકલન માટે વિશેષ ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો:ભારતીય બેટ્સમેનોના છક્કા છોડાવનાર બોલરને વિરાટની અનોખી ભેટ
કામગીરીનું રિપોર્ટ કાર્ડ અને 2027ની બ્લૂપ્રિન્ટ પર મંથન
ભોજન સાથે યોજાનારી આ અનૌપચારિક છતાં અત્યંત મહત્વની બેઠકમાં વડાપ્રધાન દરેક મંત્રીના વિભાગની કામગીરી, પ્રજાલક્ષી યોજનાઓના અમલીકરણ અને સરકારની છબી અંગે સીધો ફીડબેક મેળવશે. સાથે જ આગામી 2027ની ચૂંટણીના સમીકરણો પર વિસ્તૃત મંથન થવાની પ્રબળ શક્યતા છે. બીજી તરફ, પીએમ મોદીનો અંબાજી માતાજીના દર્શનનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. રાત્રિ રોકાણ બાદ આવતીકાલે સવારે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થશે.












