અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ બનશે ડિજિટલ સ્માર્ટ સિટી! 2,000 કિમી ઓપ્ટિકલ ફાઈબર પથરાશે, 2 લાખ સ્ટ્રીટલાઈટ પોલ બનશે સ્માર્ટ

Ahmedabad Smart City: અમદાવાદને આધુનિક ડિજિટલ કનેક્ટિવિટીથી સજ્જ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ શહેરમાં 2,000 કિલોમીટરથી વધુ લંબાઈનું ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક પાથરવામાં આવશે અને અંદાજે બે લાખ સ્ટ્રીટલાઈટ પોલને સ્માર્ટ પોલમાં રૂપાંતરિત કરાશે. આ પ્રોજેક્ટથી શહેરમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ, પબ્લિક વાઈ-ફાઈ, 4G-5G કનેક્ટિવિટી અને સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ જેવી સુવિધાઓ માટેનું માળખું તૈયાર થશે.

શહેરની સરકારી કચેરીઓ હાઈસ્પીડ નેટવર્કથી જોડાશે

પ્રોજેક્ટ અંતર્ગત AMCની મુખ્ય કચેરીઓ, ઝોનલ અને વોર્ડ કચેરીઓ, હોસ્પિટલો તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને હાઈસ્પીડ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કથી જોડવામાં આવશે. આ નેટવર્કના કારણે વિવિધ સરકારી વિભાગો વચ્ચે ડિજિટલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને ટેકનોલોજી આધારિત સેવાઓનું સંચાલન સરળ બની શકશે.

બે લાખ સ્ટ્રીટલાઈટ પોલ બનશે સ્માર્ટ

શહેરના અંદાજે બે લાખ સ્ટ્રીટલાઈટ પોલને ટેલિકોમ ગ્રેડ સ્માર્ટ પોલમાં ફેરવવામાં આવશે. આ પોલ પર સ્માર્ટ લાઈટ કંટ્રોલર, સેન્સર અને રિમોટ મોનિટરિંગ સિસ્ટમ લગાવવામાં આવશે. સાથે જ 4G/5G સ્મોલ સેલ, પબ્લિક વાઈ-ફાઈ, IoT ગેટવે અને સર્વેલન્સ કેમેરા સ્થાપિત કરવા માટેની સુવિધા ઊભી કરાશે. આ વ્યવસ્થાથી સ્ટ્રીટલાઈટનું રિમોટ મોનિટરિંગ, વીજળીના વપરાશ પર નિયંત્રણ અને લાઈટમાં ખામી સર્જાય તો તેની જાણકારી મેળવવી સરળ બનશે. આ ઉપરાંત ટ્રાફિક મેનેજમેન્ટ, જાહેર સુરક્ષા અને ટેલિકોમ નેટવર્કના વિસ્તરણમાં પણ સ્માર્ટ પોલ ઉપયોગી બનશે.

PPP મોડલ પર અમલ, AMC 25 ટકા ખર્ચ આપશે

આ સમગ્ર પ્રોજેક્ટ પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ અમલી બનશે. તેમાં કુલ મંજૂર પ્રોજેક્ટ ખર્ચના 25 ટકા AMC દ્વારા ચૂકવવામાં આવશે, જ્યારે બાકીના 75 ટકા રકમ પસંદગી પામેલા કન્સેસનેર દ્વારા રોકવામાં આવશે. AMCનો ફાળો પણ તબક્કાવાર ચૂકવવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સપ્લાય સમયે 10 ટકા, સમગ્ર નેટવર્કનું કામ પૂર્ણ થયા બાદ ટેસ્ટિંગ અને કમિશનિંગ સમયે 5 ટકા ચૂકવાશે. બાકીના 10 ટકા રકમ 10 વર્ષના કન્સેસન સમયગાળા દરમિયાન વાર્ષિક સમાન હપ્તામાં આપવામાં આવશે.

10 વર્ષમાં AMCને મળશે રૂ. 250 કરોડ

પ્રોજેક્ટની આર્થિક વ્યવસ્થામાં AMC માટે આવકની પણ જોગવાઈ કરવામાં આવી છે. પસંદગી પામેલા કન્સેસનેરે 10 વર્ષ દરમિયાન AMCને કુલ રૂ. 250 કરોડ મિનિમમ ગેરંટીડ પેમેન્ટ (MGP) તરીકે ચૂકવવાના રહેશે. આ રકમ 10 સમાન વાર્ષિક હપ્તામાં આપવામાં આવશે. આ ઉપરાંત પ્રોજેક્ટના કોમર્શિયલ ઉપયોગથી થતી કુલ આવકમાંથી ઓછામાં ઓછા 3 ટકા અથવા ટેન્ડરમાં ક્વોટ કરવામાં આવેલો ઊંચો દર AMCને રેવન્યૂ શેર તરીકે ચૂકવવાનો રહેશે. આ રીતે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની સાથે કોર્પોરેશન માટે લાંબા ગાળાની આવકનું માળખું પણ તૈયાર થશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સ્માર્ટ પોલથી કઈ સુવિધાઓ મળશે?
  • 4G અને 5G નેટવર્ક માટે સ્મોલ સેલ કનેક્ટિવિટી.
  • જાહેર સ્થળોએ પબ્લિક વાઈ-ફાઈની સુવિધા.
  • સર્વેલન્સ કેમેરા દ્વારા જાહેર સ્થળોનું મોનિટરિંગ.
  • IoT ગેટવે મારફતે સ્માર્ટ ડિવાઇસનું સંકલન.
  • સ્ટ્રીટલાઈટનું રિમોટ મોનિટરિંગ અને નિયંત્રણ.
  • વીજળીના વપરાશનું મોનિટરિંગ.
  • ટ્રાફિક મેનેજમેન્ટ અને જાહેર સુરક્ષા વ્યવસ્થાને ટેકનોલોજીથી જોડવાની સુવિધા.

આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદમાં ડિજિટલ કનેક્ટિવિટીનું વ્યાપક નેટવર્ક ઊભું થવાની અપેક્ષા છે. જોકે, આ માળખાનો વાસ્તવિક લાભ નાગરિકોને કેટલો અને કેટલી ઝડપથી મળે છે તે તેના અમલીકરણ, જાળવણી અને સેવાઓના અસરકારક ઉપયોગ પર નિર્ભર રહેશે.

આ પણ વાંચોઃ આતંકવાદ પર ભારત-ઇન્ડોનેશિયા બેઠક : આતંકવાદી ભંડોળ રોકવા પર ભાર
Back to top button