ઈડરના ડુંગરી ગામે દલિત-પટેલ સમાજ વચ્ચે ઘર્ષણ, પોલીસકર્મી પણ ઘાયલ
Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ડુંગરી ગામે મરણ પ્રસંગે ઉપયોગમાં લેવાતા નાવણિયા (મહિલાઓના સ્નાન માટેની જગ્યા) ના વપરાશ બાબતે બે સમાજ વચ્ચે ચાલતો જૂનો વિવાદ વકરતાં ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું. બંને જૂથના લોકો આમને-સામને આવી જતાં સામસામે પથ્થરમારો થયો હતો, જેના કારણે ગામમાં ભારે અફરાતફરી અને તંગદિલી ફેલાઈ ગઈ હતી. આ હિંસક બનાવમાં બે સ્થાનિક વ્યક્તિઓ તેમજ પરિસ્થિતિ થાળે પાડવા ગયેલા એક પોલીસ કર્મચારીને ઈજાઓ પહોંચી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
નાવણિયાના તાળાં તોડવાના આક્ષેપ બાદ મામલો બિચક્યો
મળતી વિગતો અનુસાર, ડુંગરી ગામમાં મરણ પ્રસંગ બાદ મહિલાઓના સ્નાન માટેના નાવણિયાના ઉપયોગને લઈને દલિત અને પટેલ સમાજ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી આંતરિક મતભેદ ચાલી રહ્યો હતો. ગામમાં સમાજ દીઠ અલગ-અલગ વ્યવસ્થા હોવા છતાં વપરાશના મુદ્દે વિવાદ વકર્યો હતો. આ દરમિયાન નાવણિયાના તાળાં તોડવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે બંને પક્ષના યુવાનો, મહિલાઓ અને વડીલો એકઠા થઈ જતાં સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં પથ્થરમારો શરૂ થઈ ગયો હતો.
આ પણ વાંચો: માઇક્રોસોફ્ટ આઉટેજથી IndiGo પર અસર, Air Indiaએ ઉડાવ્યો મજાક
ઈજાગ્રસ્તોને ઈડર સિવિલ ખસેડાયા, ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ડુંગરી ગામે દોડી ગયો હતો અને ટોળાંને વિખેરી પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પથ્થરમારામાં દલિત સમાજના બે વ્યક્તિઓ અને ફરજ પરના એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.












