ધોળા દિવસે અમદાવાદમાં મોટી લૂંટ: ₹34 લાખની રોકડ ભરેલી બેગ ઝૂંટવી અપહરણકર્તાઓ ફરાર!

Ahmedabad Businessman Kidnapped And Robbed: અમદાવાદ શહેરના નારોલ-નરોડા હાઈવે પર આવેલ ઓઢવ રાજેન્દ્ર પાર્ક બ્રિજ નજીકથી એક સનસનાટીભરી લૂંટ અને અપહરણની ઘટના સામે આવી છે. બેંકમાંથી પોતાની પેઢી માટે ₹34 લાખની માતબર રોકડ રકમ લઈને પરત ફરી રહેલા એક યુવકનું કારમાં આવેલા શખ્સોએ રસ્તામાં આંતરીને અપહરણ કર્યું હતું. અપહરણકારો યુવકને ગાંધીનગર તરફ લઈ ગયા હતા અને નાણાં ભરેલી બેગ આંચકીને ફરાર થઈ ગયા હતા. આ મામલે ઓઢવ પોલીસ મથકે સત્તાવાર ગુનો નોંધાતાં પોલીસે હાઈવે પરના CCTV ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
₹34 લાખની બેગ સાથે બળજબરીથી કારમાં બેસાડ્યો
બનાવની મળતી વિગતો અનુસાર, કેતન પરીખ નામના વ્યક્તિ પોતાની પેઢીના કામકાજ અર્થે બેંકમાંથી ₹34 લાખની રોકડ રકમ ઉપાડીને મોડી સાંજે પોતાના મોપેડ પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ઓઢવ રાજેન્દ્ર પાર્ક બ્રિજ પર પહોંચતા જ એક કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમને આંતરીને મોપેડ રોકાવ્યું હતું. કારમાંથી ઉતરેલા બદમાશોએ કેતન પરીખને નાણાં ભરેલી બેગ સાથે બળજબરીપૂર્વક પોતાની કારમાં બેસાડી દીધા હતા અને ગાંધીનગરના ધોળાકુવા તરફ ગાડી હંકારી મૂકી હતી.
ગાંધીનગર પાસે રોડ પર ઉતારી અપહરણકર્તાઓ ફરાર
ગાંધીનગર નજીક પહોંચ્યા બાદ અપહરણકર્તાઓએ કેતન પરીખ પાસેથી ₹34 લાખ રોકડા ભરેલી બેગ ઝૂંટવી લીધી હતી અને તેમને અવાવરૂ રસ્તા પર ઉતારીને કાર સાથે નાસી છૂટ્યા હતા. ઘટના બાદ ભોગ બનનાર યુવકે તાત્કાલિક પોતાની પેઢીના માલિક અને પોલીસને સમગ્ર આપવીતી જણાવી હતી. ઓઢવ પોલીસે ઘટના સ્થળે પહોંચી લૂંટ અને અપહરણનો સત્તાવાર ગુનો દાખલ કર્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આરોપીઓની ધરપકડ કરવા પોલીસની દોડધામ
ઓઢવ પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમો દ્વારા નારોલ-નરોડા હાઈવે તેમજ ગાંધીનગર તરફ જતાં માર્ગો પરના CCTV ફૂટેજ અને શંકાસ્પદ વાહનોના નંબરના આધારે તપાસ લંબાવવામાં આવી છે. ધોળા દિવસે શહેરના વ્યસ્ત હાઈવે પરથી ₹34 લાખની લૂંટ અને અપહરણની ઘટના બનતાં વેપારી આલમમાં અસુરક્ષા અને ભયનો માહોલ ફેલાયો છે.
આ પણ વાંચો: મહેસાણાના મિની પાવાગઢ પર દુર્ઘટના, પહાડ પરથી મોપેડ સાથે પટકાતા દંપતીનું મોત












