સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ-સાણંદની જોડીએ દેશભરમાં મેળવ્યો પ્રથમ ક્રમ, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો એવોર્ડ

Swachh Survekshan 2025-26: ગુજરાતના સ્વચ્છતા અભિયાનને રાષ્ટ્રીય સ્તરે મોટી ઓળખ મળી છે. સ્વચ્છ સર્વેક્ષણ 2025-26માં અમદાવાદ અને સાણંદની જોડીએ સ્વચ્છ શહેર જોડી કેટેગરીમાં દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ કેટેગરીમાં અમદાવાદે મેન્ટર સિટી તરીકે, જ્યારે સાણંદે મેન્ટી સિટી તરીકે સ્થાન મેળવ્યું છે. નવી દિલ્હીમાં યોજાયેલા રાષ્ટ્રીય એવોર્ડ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે અમદાવાદના મેયર હિતેશ બારોટે એવોર્ડ સ્વીકાર્યો હતો.
અમદાવાદના માર્ગદર્શનથી સાણંદે સ્વચ્છતામાં કરી પ્રગતિ
આ સિદ્ધિ પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાણંદ નગરપાલિકાને આપવામાં આવેલું ટેકનિકલ માર્ગદર્શન અને સહયોગ મહત્ત્વપૂર્ણ રહ્યો છે. અમદાવાદે ઘન કચરા વ્યવસ્થાપનના પોતાના અનુભવના આધારે સાણંદને કચરાનું વર્ગીકરણ, ડોર-ટુ-ડોર કલેક્શન, કચરાનું પ્રોસેસિંગ, જૂના કચરાના ઢગલાનો નિકાલ, ગંદા પાણીનું શુદ્ધીકરણ અને સફાઈ કર્મચારીઓની સુરક્ષા જેવા ક્ષેત્રોમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સાણંદમાં આ 6 ક્ષેત્રોમાં થયું કામ
- ડોર-ટુ-ડોર કચરા કલેક્શન: સૂકા, ભીના અને જોખમી કચરાનું અલગ સંગ્રહ, વાહનોના રૂટ મેપિંગ અને નાગરિકોમાં જાગૃતિ લાવવા માર્ગદર્શન અપાયું.
- MRF પ્લાન્ટ અને ખાતર: પ્લાસ્ટિક, કાગળ અને ધાતુ જેવા રિસાઇકલ થઈ શકે તેવા કચરાને અલગ પાડવા મટિરિયલ રિકવરી ફેસિલિટી (MRF) તથા ભીના કચરામાંથી ખાતર બનાવવાની કામગીરી અંગે તાલીમ અપાઈ.
- જૂના કચરાનું બાયોમાઇનિંગ: અમદાવાદની પીરાણા ડમ્પિંગ સાઇટના અનુભવના આધારે સાણંદમાં વર્ષોથી જમા થયેલા જૂના કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માર્ગદર્શન અપાયું.
- ગંદા પાણીનું શુદ્ધીકરણ: ગંદા પાણીના નિકાલ માટે STP અને ગ્રે-વોટર મેનેજમેન્ટ, પાણીનું ટેસ્ટિંગ તથા શુદ્ધ કરેલા પાણીના પુનઃઉપયોગ અંગે માર્ગદર્શન અપાયું.
- સફાઈ કર્મચારીઓની સુરક્ષા: ગટર અને મેનહોલની સફાઈમાં માનવ પ્રવેશ ટાળીને મશીનોનો ઉપયોગ, PPE કિટ્સ અને કર્મચારીઓના કલ્યાણ પર ભાર મૂકાયો.
- GPS ટ્રેકિંગ અને ડિજિટલ ફરિયાદ નિવારણ: કચરાની ગાડીઓનું રિયલ-ટાઇમ મોનિટરિંગ અને નાગરિકોની ફરિયાદોનો ઝડપી નિકાલ કરવા ડિજિટલ વ્યવસ્થાની કાર્યપદ્ધતિ સમજાવવામાં આવી.
-
View this post on Instagram
શું છે સ્વચ્છ શહેર જોડી કેટેગરી?
સ્વચ્છ સર્વેક્ષણમાં શહેરો વચ્ચે સહયોગ અને સ્વચ્છતાની શ્રેષ્ઠ પદ્ધતિઓના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા ‘સ્વચ્છ શહેર જોડી’ કેટેગરી શરૂ કરવામાં આવી છે. આ મોડલમાં એક શહેર મેન્ટર તરીકે પોતાના અનુભવ અને ટેકનિકલ જ્ઞાનથી બીજા શહેરને માર્ગદર્શન આપે છે, જ્યારે મેન્ટી શહેર તે પદ્ધતિઓનો અમલ કરે છે. બંને શહેરોની સંયુક્ત કામગીરી અને સ્વચ્છતા ક્ષેત્રે થયેલી પ્રગતિના આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
સફાઈ કર્મચારીઓનું પણ કરાયું સન્માન
રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા બાદ AMC દ્વારા સ્ટેન્ડિંગ કમિટી કોન્ફરન્સ રૂમમાં સફાઈ કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. પદાધિકારીઓ અને અધિકારીઓએ કર્મચારીઓને પુષ્પો અર્પણ કરી મીઠાઈ ખવડાવી હતી. મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે આ સન્માન સફાઈ કર્મચારીઓની મહેનત, અધિકારીઓના માર્ગદર્શન અને નાગરિકોના સહયોગનું પરિણામ છે. આમ અમદાવાદના અનુભવ અને સાણંદની ભાગીદારીથી બનેલી આ જોડીએ રાષ્ટ્રીય સ્તરે પ્રથમ સ્થાન મેળવી ગુજરાતની સ્વચ્છતા વ્યવસ્થાને નવી ઓળખ અપાવી છે.












