ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભક્તોને અગવડ ન પડે તે માટે PM મોદીની અંબાજી મુલાકાત મોકૂફ, ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર

PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરવામાં આવ્યો છે. લાભ પાંચમના પવિત્ર દિવસે અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને PM મોદીની અંબાજી મંદિરની મુલાકાત હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. સામાન્ય ભક્તોને દર્શન કરવામાં કોઈ અગવડ ન પડે અને મંદિરની વ્યવસ્થા ખોરવાય નહીં તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આજે સાંજે અમદાવાદ પહોંચશે PM મોદી

નક્કી કાર્યક્રમ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 7:35 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. અહીં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ સાંજે 8 વાગ્યે તેઓ ગાંધીનગર રાજભવન પહોંચશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે. આજે રાત્રે વડાપ્રધાન રાજ્યના મંત્રીઓ સાથે ભોજન પણ કરશે. આ બેઠકમાં ગુજરાત ભાજપના અગ્રણી નેતાઓ પણ જોડાશે.

લાભ પાંચમના દિવસે ભક્તોની ભીડની શક્યતા

અગાઉના કાર્યક્રમ પ્રમાણે PM મોદી આવતી કાલે સવારે યાત્રાધામ અંબાજી પહોંચીને માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરવાના હતા. જોકે લાભ પાંચમના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચે તેવી સંભાવના છે. આવી સ્થિતિમાં વડાપ્રધાનની મુલાકાતને કારણે સુરક્ષા વ્યવસ્થા અને સામાન્ય દર્શન વ્યવસ્થામાં વિક્ષેપ ન પડે તે માટે અંબાજી પ્રવાસ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે.

હર્ષ સંઘવીએ કરી હતી તૈયારીઓની સમીક્ષા

વડાપ્રધાનની અંબાજી મુલાકાતને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુરુવારે સાંજે અંબાજી મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે મંદિર પરિસરમાં ચાલી રહેલી તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. જોકે તેમની મુલાકાતના થોડા કલાકો બાદ જ વડાપ્રધાનના અંબાજી પ્રવાસના કાર્યક્રમમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ગુજરાત પ્રવાસના અન્ય કાર્યક્રમ યથાવત્

અંબાજી મંદિરની મુલાકાત મોકૂફ રાખવામાં આવી છે, પરંતુ વડાપ્રધાનના ગુજરાત પ્રવાસના અન્ય કાર્યક્રમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. PM મોદી આજે અમદાવાદ આવી ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે. એટલે કે બે દિવસીય પ્રવાસમાં હાલ માત્ર અંબાજી દર્શનનો કાર્યક્રમ જ મોકૂફ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ઓડિશામાં બનશે ભારતનું સૌથી મોટું ઓઈલ રિઝર્વ, સરકારે જણાવી 8,571 કરોડની યોજના
Back to top button