અમદાવાદમાં 11 વર્ષ બાદ પાર્કિંગ મોંઘું થશે! ટુ-વ્હીલરથી કાર સુધીના નવા દર નક્કી, જાણો કેટલો થશે ચાર્જ

Ahmedabad Parking Charges: અમદાવાદમાં વાહન પાર્ક કરવું હવે મોંઘું થવાની તૈયારી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2015 બાદ પ્રથમ વખત પાર્કિંગના દરોમાં વધારો કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. ટાઉન પ્લાનિંગ કમિટી બાદ સ્ટેન્ડિંગ કમિટીએ પણ નવા દરોને મંજૂરી આપી દીધી છે. હવે સામાન્ય સભાની અંતિમ મંજૂરી મળ્યા બાદ ડિસેમ્બર 2026થી નવા દર અમલી બને તેવી શક્યતા છે.
નવી દરખાસ્તમાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે પાર્કિંગના સમય પ્રમાણે અલગ-અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત થ્રી-વ્હીલર અને લાઇટ કોમર્શિયલ વાહનોનો પણ પ્રથમ વખત પાર્કિંગ નીતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
એક કલાકના પાર્કિંગ માટે કેટલો ચાર્જ?
પ્રસ્તાવિત નવા દરો પ્રમાણે ટુ-વ્હીલર માટે પ્રથમ એક કલાકનો ચાર્જ રૂ. 10 અને ફોર-વ્હીલર માટે રૂ. 20 રહેશે. હાલ ટુ-વ્હીલર માટે પ્રથમ કલાકનો દર રૂ. 5 અને ફોર-વ્હીલર માટે રૂ. 15 છે. એટલે કે બંને પ્રકારનાં વાહનોના પ્રથમ કલાકના પાર્કિંગ ચાર્જમાં વધારો થશે.
નવા પ્રસ્તાવિત પાર્કિંગ દરો
| પાર્કિંગનો સમય | ટુ-વ્હીલર | ફોર-વ્હીલર |
| પ્રથમ એક કલાક | રૂ. 10 | રૂ. 20 |
| 1થી 3 કલાક | રૂ. 15 | રૂ. 40 |
| 3થી 6 કલાક | રૂ. 25 | રૂ. 80 |
| 6થી 12 કલાક | રૂ. 40 | રૂ. 120 |
| 12થી 24 કલાક | રૂ. 55 | રૂ. 170 |
લાંબા સમયના પાર્કિંગ માટે ટુ-વ્હીલરના સૂચિત ઊંચા દરોમાં કમિટી દ્વારા ઘટાડો કરીને રાહત આપવામાં આવી છે.
જૂના કોન્ટ્રાક્ટર્સને પણ નવા દર લાગુ કરવાની કવાયત
હાલ શહેરમાં કેટલીક પાર્કિંગ જગ્યાઓ જૂના દરે ચાલી રહી છે, જ્યારે નવી જગ્યાઓના કોન્ટ્રાક્ટમાં સુધારેલા દર લાગુ કરવામાં આવ્યા છે. પરિણામે એક જ વિસ્તારની નજીક આવેલી બે પાર્કિંગ જગ્યાઓમાં અલગ-અલગ ચાર્જ વસૂલવામાં આવે છે.
આ તફાવત દૂર કરવા AMC જૂના કોન્ટ્રાક્ટર્સ સાથે બેઠક યોજશે અને તેમને પણ નવા દર લાગુ કરવા સમજાવશે. વાહનદીઠ પાર્કિંગ ચાર્જમાં વધારો થશે તો AMCને ચૂકવાતી લાઇસન્સ ફીમાં પણ તે પ્રમાણે ફેરફાર કરવામાં આવશે. ઉદાહરણ તરીકે પાર્કિંગ ચાર્જ રૂ. 10થી વધારી રૂ. 15 કરવામાં આવે તો લાઇસન્સ ફી પણ તે મુજબ સુધારવામાં આવશે. જે કોન્ટ્રાક્ટની મુદત પૂર્ણ થવામાં થોડા મહિના બાકી હશે, તેમાં બાકી રહેલી મુદતના આધારે પ્રોરેટા પદ્ધતિથી નવી લાઇસન્સ ફી નક્કી કરવામાં આવશે.
નવી પાર્કિંગ નીતિમાં આ ફેરફારો થશે
- નવી વાહન કેટેગરી: થ્રી-વ્હીલર અને લાઇટ કોમર્શિયલ વાહનોનો સમાવેશ થશે.
- કોમર્શિયલ વાહનો: મીડિયમ અને હેવી કોમર્શિયલ વાહનોના દરોમાં પણ સુધારો કરાશે.
- દર ત્રણ વર્ષે સમીક્ષા: પાર્કિંગના દરોની દર ત્રણ વર્ષે પુનઃસમીક્ષા કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
- જૂના કોન્ટ્રાક્ટ: જૂના કોન્ટ્રાક્ટર્સ સાથે ચર્ચા કરીને નવા દરો લાગુ કરવાની કવાયત હાથ ધરાશે.
- લાઇસન્સ ફી: વાહનદીઠ વસૂલાતા ચાર્જમાં વધારા પ્રમાણે AMCની લાઇસન્સ ફી સુધારાશે.
શહેરનાં કયા વિસ્તારોમાં લાગુ થશે નવી નીતિ?
નવી પાર્કિંગ નીતિ AMC સંચાલિત ઓન-સ્ટ્રીટ અને ઓફ-સ્ટ્રીટ પાર્કિંગ સ્થળો માટે લાગુ કરવાની દરખાસ્ત છે. તેમાં મુખ્ય રસ્તાઓની બાજુમાં આવેલા પે એન્ડ પાર્ક સ્લોટ, AMCના ખાલી પ્લોટ, બ્રિજ નીચેની જગ્યાઓ અને મલ્ટિલેવલ પાર્કિંગનો સમાવેશ થાય છે. સીજી રોડ, એસજી હાઇવે, આશ્રમ રોડ, મણિનગર, કાંકરિયા, વસ્ત્રાપુર અને સિંધુ ભવન રોડ જેવા વાણિજ્યિક તથા ગીચ વિસ્તારોમાં પણ આ નીતિ મહત્ત્વપૂર્ણ બની શકે છે.
ખાનગી વાહનો ઘટાડવા જાહેર પરિવહન પર ભાર
AMCનું આયોજન માત્ર પાર્કિંગની આવક વધારવા પૂરતું નથી. શહેરમાં ખાનગી વાહનોનો ઉપયોગ અને રસ્તાઓ પર પાર્કિંગનું ભારણ ઘટાડવા નાગરિકો AMTS અને BRTS જેવી જાહેર પરિવહન સેવાઓનો વધુ ઉપયોગ કરે તે દિશામાં પણ પ્રયાસો થઈ રહ્યા છે. બસોની સંખ્યા વધારવા અને બસ સ્ટોપથી અંતિમ સ્થળ સુધી પહોંચવા માટે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. હાલ નવા પાર્કિંગ દરોને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળી છે. સામાન્ય સભાની અંતિમ મંજૂરી બાદ જ તેનો અમલ થશે. દરખાસ્તને મંજૂરી મળે તો ડિસેમ્બર 2026થી અમદાવાદીઓએ પાર્કિંગ માટે વધુ ખર્ચ કરવો પડી શકે છે.











