Surat: સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડેલા 22 વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત

Surat News: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઓલપાડના તળાદ ગામની સીમમાં આવેલા એક જાણીતા રિસોર્ટમાં રજા માણવા ગયેલા પાંડેસરા વિસ્તારના ૨૨ વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો રિસોર્ટના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા અરેરાટી વ્યાપી ગઈ છે.
મિત્રો સાથે રજા માણવા ગયેલા યુવક સાથે બની દુર્ઘટના
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પાંડેસરામાં રહેતો પુરુષોત્તમ ચૌધરી (ઉં.વ. ૨૨) ગત ૨૩ માર્ચના રોજ ઓલપાડ તાલુકાના તળાદ ગામની સીમમાં આવેલા ‘અક્ષય રિસોર્ટ’ ખાતે ગરમીથી રાહત મેળવવા અને રજાનો આનંદ માણવા ગયો હતો. રિસોર્ટમાં પહોંચ્યા બાદ પુરુષોત્તમ સ્વિમિંગ પૂલમાં ન્હાવા માટે પડ્યો હતો. જોકે, ન્હાતી વખતે અચાનક તે ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે યુવક પાણીમાં બચવા માટે ભારે સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ કમનસીબે તેને સમયસર પૂરતી મદદ મળી શકી ન હતી.
તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો
ઘટનાની જાણ થતા જ રિસોર્ટના સ્ટાફ અને ત્યાં હાજર અન્ય લોકો દ્વારા યુવકને તાત્કાલિક પાણીની બહાર કાઢવામાં આવ્યો હતો. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક સારવાર માટે ઓલપાડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ યુવકને મૃત જાહેર કર્યો હતો. ૨૨ વર્ષના જુવાનજોધ દીકરાના અકાળે અવસાનથી તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
રિસોર્ટમાં સુરક્ષા સામે ગંભીર સવાલો
આ ઘટનાએ રિસોર્ટમાં આવતા પ્રવાસીઓની સુરક્ષા અને લાઈફગાર્ડની ફરજિયાત હાજરી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને ઉનાળાની શરૂઆતમાં જ્યારે રિસોર્ટ અને સ્વિમિંગ પૂલમાં ભીડ વધતી હોય છે, ત્યારે રિસોર્ટ સંચાલકો દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવે છે કે કેમ તે તપાસનો વિષય છે. હાલમાં સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી અકસ્માતે મોતના ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને રિસોર્ટમાં સુરક્ષાના સાધનોની પણ તપાસ કરવામાં આવશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પણ વાંચો: ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપની રણનીતિ પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને સોંપાઈ પ્રભારી તરીકેની કમાન












