ગુજરાત

Porbandar: રાણા રોજીવડા ગામે નેસડા તળાવમાં ડૂબી જવાથી બે કિશોરોના કરુણ મોત

Porbandar News: પોરબંદર જિલ્લાના રાણા રોજીવડા ગામે શનિવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. શાળાએથી ઘરે પરત ફરી રહેલા બે માસૂમ કિશોરો ગામના ‘નેસડા તળાવ’માં ન્હાવા પડ્યા હતા, જ્યાં પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા બંનેના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને બે પરિવારો પર અણધારી આફત આવી પડી છે.

શાળાની બેગ કાંઠે રહી ગઈ અને માસૂમો ડૂબ્યા

પ્રાથમિક માહિતી મુજબ, ભાણવડ નજીક આવેલા રાણા રોજીવડા ગામના બે કિશોરો, સુમિત જગદીશભાઈ સોલંકી (ઉં.વ. 12) અને નિખિલ હાજાભાઈ ટોરીયા (ઉં.વ. 11), શનિવારે બપોરે શાળાએથી છૂટીને ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં આવતા ‘નેસડા તળાવ’માં ન્હાવા માટે બંને કિશોરો લલચાયા હતા. તળાવના કાંઠે પોતાની સ્કૂલ બેગ અને ચંપલ ઉતારીને તેઓ પાણીમાં ઉતર્યા હતા. જોકે, તળાવમાં પાણીની ઊંડાઈ વધુ હોવાથી બંને કિશોરો ગફલત ખાઈ ગયા હતા અને જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વેરાન જગ્યા હોવાથી કોઈ તાત્કાલિક મદદ મળી શકી ન હતી.

પરિવાર પર આભ તૂટી પડ્યું

કિશોરો લાંબા સમય સુધી ઘરે ન પહોંચતા ચિંતિત વાલીઓ અને ગ્રામજનોએ શોધખોળ શરૂ કરી હતી. તળાવના કાંઠે બિનવારસી હાલતમાં પડેલી શાળાની બેગ જોઈને ગ્રામજનોને ફાળ પડી હતી. તળાવમાં તપાસ કરતા બંને કિશોરોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતક સુમિત સોલંકી તેની પાંચ બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો. પોતાના એકમાત્ર લાડકવાયા ભાઈનો મૃતદેહ જોઈ પરિવારજનોએ જે કરુણ આક્રંદ કર્યું, તેનાથી આખું ગામ હિબકે ચડ્યું હતું. ગણતરીની મિનિટોમાં જ ગામનો માહોલ ગમગીનીમાં ફેરવાઈ ગયો હતો.

પોલીસ તપાસ અને વાલીઓ માટે લાલબત્તી

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને કિશોરોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભાણવડ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ પણ વાંચો: Surendranagar: કાર્બોસેલના ગેરકાયદે ખનનનો પર્દાફાશ; 20 ટ્રેક્ટરો સહિતની મશીનરી જપ્ત

Back to top button