ગુજરાત

બોટાદમાં માનવતા લજાઈ: ગઢડામાં 15 વર્ષની સગીરા પર નરાધમનું દુષ્કર્મ, ગર્ભવતી બનતા થયો પર્દાફાશ

બોટાદ 5 માર્ચ 2026: બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી એક કાળજું ધ્રુજાવી દે તેવી ઘટના સામે આવી છે. એક 15 વર્ષની સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી પંથકના જ એક નરાધમે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની વિગતો બહાર આવી છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સગીરા ગર્ભવતી હોવાનો તબીબી ખુલાસો થયો. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ભારે રોષ અને ચકચાર મચી ગઈ છે.

તબીબી તપાસમાં થયો ભાંડો ફોડ

મળતી માહિતી મુજબ, સગીરાને છેલ્લા કેટલાક દિવસોથી પેટમાં અસહ્ય દુખાવો થતો હતો. પરિવારજનો તેને સામાન્ય બીમારી માની સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, ત્યાં તબીબોએ સગીરાની તપાસ કર્યા બાદ જે અહેવાલ આપ્યો તે સાંભળી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તબીબી તપાસમાં બહાર આવ્યું હતું કે સગીરા ગર્ભવતી છે.

ધમકીના જોરે આચર્યું દુષ્કર્મ

આઘાતમાં સરેલા પરિવારે જ્યારે સગીરાને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરી, ત્યારે તેણે હિંમત ભેગી કરી નરાધમ બેચર ધનજીભાઈ જાડાની કરતૂતો વિશે જણાવ્યું હતું. સગીરાએ રડતા રડતા આપવીતી સંભળાવી કે, બેચર તેને જાનથી મારી નાખવાની ધમકી આપી મોઢું બંધ રાખવા મજબૂર કરતો હતો અને લાંબા સમયથી તેના પર બળાત્કાર ગુજારતો હતો.

પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો

પરિવારની ફરિયાદના આધારે ગઢડા પોલીસે આરોપી બેચર ધનજીભાઈ જાડા વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ અને દુષ્કર્મની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવી પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા તેજ કરી છે. હાલમાં પોલીસની અલગ-અલગ ટીમો ફરાર આરોપીને ઝડપી પાડવા તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: નારોલમાં જર્મન શેફર્ડ શ્વાને કોર્ટ સુપ્રિટેન્ડેન્ટ પર કર્યો હુમલો, માલિકે પાડોશીને માર મારતા વિવાદ

Back to top button