નારોલમાં જર્મન શેફર્ડ શ્વાને કોર્ટ સુપ્રિટેન્ડેન્ટ પર કર્યો હુમલો, માલિકે પાડોશીને માર મારતા વિવાદ

અમદાવાદ 5 માર્ચ 2026: અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં પાડોશી ધર્મને લજવતી અને કાયદો-વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદ ગ્રામ્ય ડિસ્ટ્રિક્ટ કોર્ટના સુપ્રિટેન્ડેન્ટ પર તેમના જ પાડોશીના પાળતુ જર્મન શેફર્ડ શ્વાને હુમલો કર્યો હતો. આટલું ઓછું હોય તેમ, શ્વાનના માલિકે પણ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે સરકારી અધિકારીને માર મારી ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
અચાનક હુમલો અને માલિકની ઉદ્ધતાઈ
મળતી માહિતી મુજબ, નારોલ વિસ્તારમાં રહેતા અને કોર્ટમાં સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા અધિકારી પર પાડોશીના ખૂંખાર જર્મન શેફર્ડ શ્વાને અચાનક હુમલો કરી દીધો હતો. શ્વાને અધિકારીને બચકા ભરી લોહીલુહાણ કરી દીધા હતા. જ્યારે પીડિત અધિકારીએ આ અંગે શ્વાન માલિક વિજય પારેખને રજૂઆત કરી, ત્યારે મામલો ઉકેલાવાને બદલે વધુ બિચક્યો હતો.
શ્વાન માલિક વિજય પારેખે નમ્રતા દાખવવાને બદલે અધિકારી સાથે ઝઘડો કર્યો હતો અને તેમને ગડદાપાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં, શ્વાન માલિકે અધિકારીને પોલીસ ફરિયાદ ન કરવા માટે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
પોલીસ કાર્યવાહી
આ ઘટના બાદ ભયભીત અને ઇજાગ્રસ્ત થયેલા સુપ્રિટેન્ડેન્ટ દ્વારા નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે ગંભીરતા દાખવી વિજય પારેખ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
શહેરમાં વધી રહેલા શ્વાનના આતંક અને ખાસ કરીને પાળતુ પ્રાણીઓના માલિકોની બેજવાબદારીને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકારી પદ પર બેઠેલા વ્યક્તિ પર પણ જો આ રીતે હુમલો અને દાદાગીરી થતી હોય, તો સામાન્ય નાગરિકની સુરક્ષા કેટલી? તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટર્મ પૂર્ણ થવાના ૩ દિવસ પહેલા ૨૫૦૦ કરોડના કામોને મંજૂરી આપી, વિપક્ષનો હોબાળો











