ગુજરાતટોપ ન્યૂઝ

રાણપુર પોલીસે ઘરફોડ ચોરીના બે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા, ટેકનિકલ સર્વેલન્સથી મળી સફળતા

04/08/2026: બોટાદ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓ સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત રાણપુર પોલીસ સ્ટેશનની ટીમે ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધી ઝડપી પાડવા માટે તમામ પોલીસ સ્ટેશનોને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ અભિયાનમાં બરવાળા વિભાગના વિભાગીય પોલીસ અધિક્ષક ચિંતન પટેલ દ્વારા પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સૂચનાઓના આધારે રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એ. પટેલ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તેમજ ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઘરફોડ ચોરીના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા બે આરોપીઓને શોધી કાઢવામાં સફળતા મળી હતી.

પકડાયેલા આરોપીઓમાં ઇરફાનભાઈ જીકરભાઈ આમદાણી (ઉંમર 40), હાલ રહે ઢસા (જિલ્લો અમરેલી) અને મૂળ બોટાદના રહેવાસી તેમજ માહીર ઉર્ફે બોર્ડર મહેબૂબભાઈ વારૈયા (ઉંમર 22), બોટાદના હરણકૂઈ વિસ્તારના રહેવાસીનો સમાવેશ થાય છે.

પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે ધોરણસરની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ બંને આરોપીઓ અન્ય કોઈ મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

રાણપુર પોલીસની આ કામગીરીને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પ્રશંસનીય ગણાવવામાં આવી છે. પોલીસ દ્વારા ગુનાખોરી પર નિયંત્રણ લાવવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને સતત દેખરેખનો ઉપયોગ કરીને આવા આરોપીઓને ઝડપવાની કામગીરી આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે.

આ પણ વાંચો: જસદણમાં ગેરકાયદે ખનીજ ચોરી મામલે કાર્યવાહી, તાલુકા ભાજપ પ્રમુખનું નામ સામે આવતા રાજકીય ગરમાવો

Back to top button