ગુજરાત

સુરતમાં કૌટુંબિક ઝઘડાનું લોહિયાળ પરિણામ: ઘરકામ અને મોબાઈલ બાબતે બોલાચાલી બાદ 22 વર્ષીય દીકરીએ પિતાની કરી ક્રૂર હત્યા

Surat Kosad Murder Case: સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં એક અત્યંત ચોંકાવનારો અને કાળજું કંપાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય ઘરકામ અને મોબાઈલ ફોન બાબતે પિતા અને પુત્રી વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉશ્કેરાઈ ગયેલી 22 વર્ષીય દીકરીએ પોતાના 55 વર્ષીય પિતા પર કૂકરના ઢાંકણા અને છરી વડે જીવલેણ હુમલો કરીને તેમની હત્યા કરી નાખી હતી. આ ઘટનાને પગલે કોસાડ આવાસ અને સમગ્ર અમરોલી વિસ્તારમાં ભારે સનસનાટી અને ચકચાર મચી ગઈ છે.

મોબાઈલ ફેંકી દેતાં વણસી સ્થિતિ

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કોસાડ આવાસ ખાતે રહેતા મંજુબેન ઉર્ફે ચંપાબેન રાજપૂતે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 31 ઓક્ટોબરની રાત્રે આશરે 10:30 વાગ્યાના સુમારે તેમના 55 વર્ષીય પતિ રમેશસિંહ કૈલાસસિંગ રાજપૂત અને સૌથી નાની દીકરી કાજલ ઘરે હાજર હતા. તે સમયે ઘરકામ બાબતે પિતા-પુત્રી વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી શરૂ થઈ હતી. ઉશ્કેરાટમાં આવીને પિતા રમેશસિંહે કાજલના હાથમાંથી મોબાઈલ છીનવીને જમીન પર પટકી દીધો હતો. પોતાના મોબાઈલનું નુકસાન થતાં કાજલ ઉર્ફે વિક્રમ ગુસ્સામાં અંધ બની ગઈ હતી.

કૂકરનું ઢાંકણું અને છરીના ઘા ઝીંક્યા

મોબાઈલ તૂટી જતાં અત્યંત આવેશમાં આવી ગયેલી કાજલે ઘરમાં પડેલું કૂકરનું ઢાંકણું અને તીક્ષ્ણ છરી ઉઠાવીને પિતા રમેશસિંહ પર હુમલો કરી દીધો હતો. તેણે પિતાના માથામાં કૂકરના ઢાંકણાના સપાટા માર્યા હતા અને ત્યારબાદ પેટના ભાગે છરીનો ઊંડો ઘા ઝીંકી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા અને લોહીલુહાણ થયેલા રમેશસિંહ પોતાનો જીવ બચાવવા ઘરની બહાર ઓટલા પાસે દોડી આવ્યા હતા, પરંતુ અસહ્ય પીડાને કારણે તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

માતાએ જ દીકરી સામે નોંધાવી ફરિયાદ

બનાવ અંગે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જોકે, ઘટનાસ્થળે પહોંચેલા તબીબે તપાસ બાદ રમેશસિંહને મૃત જાહેર કર્યા હતા. આ દુઃખદ ઘટના બાદ મૃતકની પત્ની મંજુબેને પોતાની જ સગી દીકરી કાજલ ઉર્ફે વિક્રમ સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં પિતાની હત્યાની સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી દીકરી કાજલની ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: રાજકોટની હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીમાં મોટો ખુલાસો, ડેકોરા ગ્રુપની બે વોલ્વો કાર કેમેરામાં કેદ

Back to top button