અમદાવાદમાં શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ! ખતરનાક સ્તરે પહોંચ્યું પ્રદુષણ

Air Pollution : અમદાવાદમાં હવા પ્રદૂષણ (Air Pollution)ની સમસ્યા સતત ગંભીર બની રહી છે. શહેરની હવાની સ્થિતિ અંગે સામે આવેલા 2026ના ઓક્ટોબર સુધીના આંકડા ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. કુલ 303 દિવસના સમયગાળામાં એક પણ દિવસ હવા સંપૂર્ણપણે સ્વચ્છ રહી નહોતી. આ દરમિયાન 179 દિવસ હવાની ગુણવત્તા મધ્યમ સ્તરે રહી હતી, જ્યારે 70 દિવસ પ્રદૂષણનું પ્રમાણ આરોગ્ય માટે અત્યંત હાનિકારક (Very Poor) શ્રેણીમાં નોંધાયું હતું.
ઔદ્યોગિક ધુમાડો અને બાંધકામથી વધે છે પ્રદૂષણ
શહેરમાં હવાની ગુણવત્તા બગડવા પાછળ અનેક પરિબળો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલી ફેક્ટરીઓમાંથી નીકળતા ધુમાડા અંગે સ્થાનિક સ્તરે ફરિયાદો થઈ રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે કેટલીક ચીમનીઓમાંથી કાળો ધુમાડો છોડાતો હોવાના આક્ષેપો છે, જેના કારણે હવામાં પ્રદૂષિત કણોનું પ્રમાણ વધવાની ચિંતા છે.
આ ઉપરાંત, ચોમાસામાં ક્ષતિગ્રસ્ત બનેલા રસ્તાઓનું સમારકામ સમયસર ન થતાં વાહનોની અવરજવર દરમિયાન ધૂળ ઊડતી રહે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા બાંધકામ (Construction Work)ને કારણે પણ હવામાં ધૂળ અને રજકણો ભળે છે. આ તમામ પરિબળો મળીને હવાની ગુણવત્તાને અસર કરી રહ્યા છે.
પીરાણા ડમ્પિંગ સાઇટની સમસ્યા પણ યથાવત્
શહેરના પ્રદૂષણના મુદ્દે પીરાણા ડમ્પિંગ સાઇટ (Pirana Dumping Site) પણ મહત્ત્વનો વિષય છે. અહીં એકઠા થયેલા કચરાના વિશાળ ઢગલા અને તેનાથી ફેલાતી દુર્ગંધ તથા પ્રદૂષણને કારણે આસપાસના વિસ્તારોના પર્યાવરણ પર અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવે છે.
પર્યાવરણ સુધારવા માટે વિવિધ યોજનાઓ પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યો હોવા છતાં ઔદ્યોગિક ધુમાડો, રસ્તાઓની ધૂળ, બાંધકામ અને કચરાના નિકાલની સમસ્યાઓનો કાયમી ઉકેલ મળ્યો નથી. આ સ્થિતિમાં પ્રદૂષણ નિયંત્રણ માટેની કામગીરી કેટલી અસરકારક છે તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઓક્ટોબરમાં AQI 150ને પાર
આંકડા મુજબ મે અને જૂન મહિનામાં અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) આશરે 72થી 75ની વચ્ચે હતો. જોકે, ઓક્ટોબરની શરૂઆત સાથે જ આ આંકડો 150ને પાર પહોંચ્યો હતો. ચોમાસા દરમિયાન મળેલી રાહત બાદ હવાની ગુણવત્તા ફરી બગડવા લાગી હોવાનું આ આંકડા દર્શાવે છે.
દિવાળી અને શિયાળાની શરૂઆતને કારણે આગામી સમયમાં પ્રદૂષણનું પ્રમાણ વધવાની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે. હવામાં પ્રદૂષિત રજકણોનું પ્રમાણ વધે ત્યારે શ્વાસ લેવામાં તકલીફ સહિતની આરોગ્ય સમસ્યાઓનું જોખમ વધી શકે છે.
સ્વચ્છ હવા માટે અસરકારક પગલાં લેવાની જરૂર
અમદાવાદમાં પ્રદૂષણ ઘટાડવા માટે માત્ર યોજનાઓ અને જાહેરાતો પૂરતી નથી. ઔદ્યોગિક એકમોમાંથી થતા ઉત્સર્જન પર દેખરેખ, રસ્તાઓની નિયમિત સફાઈ, બાંધકામ સ્થળોએ ધૂળ નિયંત્રણ અને પીરાણા ડમ્પિંગ સાઇટની સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી છે.
303 દિવસના આંકડા શહેરની હવાની સ્થિતિ અંગે ગંભીર સવાલ ઊભા કરે છે. અમદાવાદીઓને સ્વચ્છ હવા મળે તે માટે સંબંધિત તંત્રએ સતત દેખરેખ રાખીને નક્કર પગલાં ભરવાની જરૂર છે.
આ પણ વાંચો : VIDEO: પહેલા વિમાન પર બરફ જામ્યો પછી મિસાઈલની સ્પીડથી નીચે પડ્યું, ટ્રમ્પના રિઝોર્ટ નજીક ભયાનક પ્લેન ક્રેશ












