ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, વસ્ત્રાપુરમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં 1 નવેમ્બરના રોજ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે કોંગ્રેસના કાર્યકરો અને વિવિધ યુવા સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અંધજન મંડળ નજીકથી શરૂ થયેલી વિરોધ માર્ચ દરમિયાન દેખાવકારોએ ‘જ્ઞાનેશ કુમાર રાજીનામું આપો’ના નારા લગાવી સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો લાવી દીધો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી હતી.

અંધજન મંડળથી વસ્ત્રાપુર ચાર રસ્તા સુધી વિરોધ માર્ચ

મળતી માહિતી મુજબ, કોંગ્રેસના કાર્યકરો અને યુવાનો મોટી સંખ્યામાં અંધજન મંડળ પાસે એકઠા થયા હતા. ત્યારબાદ તેઓએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે સૂત્રોચ્ચાર કરતાં વસ્ત્રાપુર ચાર રસ્તા તરફ વિરોધ માર્ચ યોજી હતી. દેખાવકારોના આક્રમક વિરોધને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ દ્વારા સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ, ટીંગાટોળી કરીને અટકાયત

વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી હતી. પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન વિરોધ કરી રહેલા કાર્યકરોને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પોલીસ વાનની છત પર ચડીને પણ નારેબાજી

આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચર્ચાસ્પદ દૃશ્ય ત્યારે સર્જાયું, જ્યારે અટકાયત દરમિયાન બે ઉશ્કેરાયેલા દેખાવકારો પોલીસ વાનની છત પર ચડી ગયા હતા. વાનની છત પર ચડીને પણ તેઓએ મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા. જોકે, સ્થળ પર હાજર પોલીસ જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરી બંનેને નીચે ઉતાર્યા હતા.

ત્યારબાદ પોલીસે તમામ વિરોધકર્તાઓને પોલીસ વાનમાં બેસાડી નજીકના પોલીસ સ્ટેશન ખાતે ખસેડ્યા હતા.

વસ્ત્રાપુરમાં થોડા સમય માટે ટ્રાફિક પ્રભાવિત

આ ઉગ્ર વિરોધ પ્રદર્શન અને પોલીસની કાર્યવાહી દરમિયાન વસ્ત્રાપુર ચાર રસ્તા તથા આસપાસના માર્ગો પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.

ચૂંટણી કમિશનર સામેના આ વિરોધ પ્રદર્શન અને પોલીસની કાર્યવાહીથી અમદાવાદના રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.

આ પણ વાંચો: બંગાળની ખાડીમાં મુરાસુ વાવાઝોડાનો ખતરો, આંધ્ર-ઓડિશામાં એલર્ટ

Back to top button