ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટમાં હાઈપ્રોફાઈલ પાર્ટી પર LCBનો સપાટો! ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલની બર્થડે પાર્ટીમાં દરોડો, હોટલ મેનેજર સહિત 38 સામે ગુનો

રાજકોટમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતી હાઈપ્રોફાઈલ દારૂ અને હુક્કા પાર્ટીનો પર્દાફાશ થયો છે. કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટલના બીજા માળે બેન્કવેટ હોલમાં ડેકોરા ગ્રુપના ચિરાગ અરવિંદ પટેલના જન્મદિવસ નિમિત્તે એડવાન્સમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલ જામતી હોવાની બાતમી મળતાં LCBએ મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન પાર્ટીના આયોજક ચિરાગ પટેલ સહિત 35 નબીરાઓ અને હોટલના ત્રણ કર્મચારીઓ મળી કુલ 38 લોકો સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

કાલાવડ રોડની હોટલમાં મોડી રાત્રે દારૂની મહેફિલ

મળતી માહિતી મુજબ, રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટલના બીજા માળે આવેલા બેન્કવેટ હોલમાં જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં મોટી સંખ્યામાં મહિલા અને પુરુષો હાજર હતા અને દારૂની મહેફિલ ચાલી રહી હતી.

રાત્રે 12 વાગ્યા બાદ LCBને બાતમી મળી હતી કે હોટલમાં અંદાજે 100 જેટલા લોકોની હાજરીમાં દારૂની પાર્ટી ચાલી રહી છે. બાતમીના આધારે LCBના સ્ટાફે તાલુકા પોલીસ મથકેથી વધારાનો પોલીસ સ્ટાફ અને મહિલા પોલીસને બોલાવી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.

ડિમલાઇટ અને મ્યુઝિક વચ્ચે જામેલી હતી મહેફિલ

પોલીસની ટીમ હોટલમાં પહોંચી ત્યારે બેન્કવેટ હોલમાં ડિમલાઇટ અને મ્યુઝિક સાથે પાર્ટી ચાલી રહી હતી. હોલની વચ્ચે U આકારમાં ટેબલો ગોઠવવામાં આવ્યાં હતાં, જ્યાં મહિલા અને પુરુષો બેઠાં હતાં.

પોલીસનો દરોડો પડતાં જ પાર્ટીમાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, પોલીસે તમામને સ્થળ પર જ રોકાવાની સૂચના આપી હતી અને મહિલા તથા પુરુષોને અલગ કરીને તપાસ શરૂ કરી હતી.

આયોજક ચિરાગ પટેલ સહિત 38 સામે કાર્યવાહી

પોલીસે પાર્ટીના આયોજક ચિરાગ અરવિંદ પટેલની તપાસ કરતાં તે પણ નશાની હાલતમાં મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત પાર્ટીમાં સામેલ અન્ય 35 લોકો અને હોટલના મેનેજર સહિત ત્રણ કર્મચારીઓએ પણ દારૂ પીધો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

આમ, કુલ 38 લોકો સામે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

મોટા બિઝનેસ સાથે સંકળાયેલા લોકોની પાર્ટીમાં હાજરી

પકડાયેલા લોકોમાં કન્સ્ટ્રક્શન, ટ્રેડિંગ અને અન્ય મોટા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે રાજકોટના હાઈપ્રોફાઈલ વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.

અત્યાર સુધી ફાર્મહાઉસ અને પાર્ટી પ્લોટમાં ગુપ્ત રીતે યોજાતી આવી પાર્ટીઓ હવે શહેરની હોટલોમાં પણ યોજાતી હોવાની ચર્ચા આ દરોડા બાદ ફરી તેજ બની છે.

તમામ 38 આરોપીઓને જામીન પર મુક્ત કરાયા

મોડી રાત્રે દરોડા બાદ પોલીસે તમામ 38 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, મળતી માહિતી મુજબ તાલુકા પોલીસે બીજા દિવસે બપોરે તમામ આરોપીઓને જામીન પર મુક્ત કર્યા હતા.

રાજકોટમાં હોટલના બેન્કવેટ હોલમાં યોજાયેલી આ હાઈપ્રોફાઈલ પાર્ટી પર LCBના દરોડાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. દારૂબંધી ધરાવતા ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલ યોજાતી હોવાની આ ઘટનાએ ફરી એકવાર કાયદાના અમલ અને હોટલોમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો: સાણંદમાં પિતાએ 10 વર્ષના માસૂમ પુત્રની કરી નિર્મમ હત્યા! માતાજીની દેરી આગળ માથું પછાડ્યું, હત્યા બાદ લાશની બાજુમાં જ સૂઈ ગયો

Back to top button