કિડાણામાં જૂની અદાવતે લીધો હિંસક વળાંક, પાંચ શખ્સોના હુમલામાં ત્રણ યુવકો ઘાયલ

Weapon Attack : ગાંધીધામ તાલુકાના કિડાણા ગામમાં જૂની અદાવતને પગલે ત્રણ યુવકો પર ઘાતક હથિયારો (Deadly Weapons) વડે હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. કારમાં આવેલા પાંચ શખ્સોએ ઇરફાન, તૌસીફ અને ઓસમાણ નામના યુવકોને નિશાન બનાવી ધારિયા, કુહાડી અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ત્રણેયને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે આદિપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) સામે આવતાં વિસ્તારમાં ચકચાર મચી છે.
કારમાં આવીને યુવકો પર કર્યો હુમલો
મળતી માહિતી મુજબ, મોબાઈલમાં મેસેજ કરવા જેવી સામાન્ય બાબતને લઈને અગાઉ થયેલી તકરારની અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો હતો. સાહિલ અને તેના સાથીઓ સ્વિફ્ટ બલેનો કારમાં કિડાણા ગામ પહોંચ્યા હતા. ત્યારબાદ કારમાંથી ઉતરેલા પાંચેય શખ્સો ધારિયા, કુહાડી અને લાકડાના ધોકા સાથે યુવકો પર તૂટી પડ્યા હતા.
હુમલાખોરોએ યુવકોના માથા સહિત શરીરના જુદા જુદા ભાગોમાં ઘા ઝીંક્યા હતા. પરિણામે ઇરફાન, તૌસીફ અને ઓસમાણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકત્રિત થવા લાગ્યા હતા. આ દરમિયાન હુમલાખોરો કારમાં બેસીને ત્યાંથી નાસી છૂટ્યા હતા. સ્થાનિક લોકોએ ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક આદિપુરની હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડ્યા હતા.
CCTV ફૂટેજના આધારે પોલીસ તપાસ તેજ
હુમલાની સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. ફૂટેજમાં કારમાંથી ઉતરીને હુમલાખોરો યુવકો પર હથિયારોથી હુમલો કરતા જોવા મળ્યા હોવાનું જણાવાયું છે.ઈજાગ્રસ્ત ઇરફાનની ફરિયાદના આધારે પોલીસે સાહિલ, કાસમ, હુસેન અને ઇશાક સહિત એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ ઘાતક હથિયારોથી હુમલો, રાયોટિંગ (Rioting) અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને કારના નંબરના આધારે આરોપીઓને શોધવા તપાસ શરૂ કરી છે. ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : NIPER અમદાવાદે નવી પદ્ધતિ વિકસાવી, મેલેરિયાની દવાની આડઅસરોની તપાસ હવે બનશે વધુ સચોટ.












