ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનમાં વીજ કરંટથી 5 મજૂરોના મોત, 11 હજાર વોલ્ટની હાઈટેન્શન લાઈનને અડક્યું રોડ બનાવવાનું મશીન

Rajasthan Accident: રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લામાં સોમવારે (2 નવેમ્બર) એક કરુણ અકસ્માત સર્જાયો છે. જિલ્લાના છાપોલી વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી દરમિયાન એક મશીન 11 હજાર વોલ્ટની હાઈટેન્શન વીજલાઈનના સંપર્કમાં આવી ગયું હતું. જેના કારણે મશીનમાં વીજ કરંટ પ્રસરી જતાં ત્યાં કામ કરી રહેલા પાંચ મજૂરોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ત્રણ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

રોડ બનાવવાની કામગીરી દરમિયાન સર્જાયો અકસ્માત

પ્રાપ્ત માહિતી અનુસાર, ઝુંઝુનૂ જિલ્લાના છાપોલી ગામમાં કદમ કુંડ તરફ જતા રસ્તાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. આ દરમિયાન રોડ બનાવવા માટે કપચી અને રોડાં મિક્સ કરવાના મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. મજૂરો પોતાની કામગીરીમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક મશીન ઉપરથી પસાર થતી 11 હજાર વોલ્ટની હાઈટેન્શન વીજલાઈનના સંપર્કમાં આવી ગઈ હતી.

મશીનમાં કરંટ પ્રસરી જતાં 5 મજૂરોનાં મોત

મશીન વીજલાઈનને અડકતાં જ તેમાં વીજ કરંટ પ્રસરી ગયો હતો. મશીનની આસપાસ કામ કરી રહેલા મજૂરો કરંટની ચપેટમાં આવી ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે પાંચ મજૂરોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય ત્રણ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અચાનક બનેલી ઘટનાથી કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી.

અકસ્માત બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા

વીજ કરંટ લાગવાની ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણ મજૂરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બાંધકામ સ્થળે સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ

આ ઘટનાએ રોડ નિર્માણ અને બાંધકામ દરમિયાન મજૂરોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને હાઈટેન્શન વીજલાઈનની નજીક ભારે મશીનરીનો ઉપયોગ કરતી વખતે પૂરતી સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. મશીન વીજલાઈનના સંપર્કમાં કેવી રીતે આવી અને કામગીરી દરમિયાન જરૂરી સુરક્ષા વ્યવસ્થાનું પાલન થયું હતું કે નહીં તે બાબતો તપાસનો વિષય બની શકે છે. હાલ પ્રાથમિક અહેવાલોમાં પાંચ મજૂરોનાં મોત અને ત્રણ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. મૃતકોની ઓળખ અને અકસ્માત અંગેની વધુ સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.

સીએમ ભજનલાલે દુઃખ વ્યક્ત કર્યું

ઉદયપુરવાટી એસએચઓ રામપાલે જણાવ્યું કે- કાંકરી મિક્સ કરવાના કામમાં ઉપયોગમાં લેવાતું એક મશીન ઉપરથી પસાર થઈ રહેલી હાઈટેન્શન વીજ લાઈનના સંપર્કમાં આવી ગયું. તેના કારણે તેમાં કરંટ દોડી ગયો. ત્યાં કામ કરી રહેલા મજૂરો કરંટની ઝપેટમાં આવી ગયા. મજૂરોના મોત મામલે CM ભજનલાલે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. ઘટના બાદ ગ્રામજનોએ ધરણાં શરૂ કરી દીધાં છે.

આ પણ વાંચોઃ ફ્લાઇટ ટિકિટના ભાવ પર સરકારની નજર: નવા નિયમો હેઠળ મનમાની નહીં ચાલે, મુસાફરોને રાહત
Back to top button