સાણંદમાં પિતાએ 10 વર્ષના માસૂમ પુત્રની કરી નિર્મમ હત્યા! માતાજીની દેરી આગળ માથું પછાડ્યું, હત્યા બાદ લાશની બાજુમાં જ સૂઈ ગયો

Sanand Vinchiya Village Crime: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિંછીયા ગામમાં માનવતાને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. એક પિતાએ પોતાના જ 10 વર્ષના માસૂમ પુત્ર કરણની હત્યા કરી નાખી હોવાનો આરોપ છે. આરોપી પિતાએ માતાજીની દેરી આગળ પુત્રને પગથી પકડી બે-ત્રણ વખત જમીન પર પછાડ્યો હતો અને ત્યારબાદ માથામાં લાકડી મારી હતી. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પુત્રની હત્યા કર્યા બાદ પિતા તેની લાશને ખાટલામાં મૂકીને બાજુના ખાટલામાં જ સૂઈ ગયો હતો. સમગ્ર મામલે મૃતકની માતાએ સાણંદ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે.
માતા પતિ સાથેના ઝઘડા બાદ પિયર જતી રહી હતી
મળતી માહિતી મુજબ, 37 વર્ષીય ભારતીબેન પટેલ તેમના પતિ નરેશ પટેલ અને એકના એક પુત્ર કરણ સાથે સાણંદના વિંછીયા ગામમાં રહેતા હતા. આશરે 10 દિવસ અગાઉ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન નરેશે ભારતીબેનને માર માર્યો હોવાનો આક્ષેપ છે. જેથી કંટાળીને ભારતીબેન પોતાના પિયર જતાં રહ્યાં હતાં.
જોકે, પુત્ર કરણની પરીક્ષા નજીક હોવાથી તેનો અભ્યાસ બગડે નહીં તે માટે તેઓ કરણને પિતા નરેશ પાસે જ મૂકીને ગયાં હતાં.
પાડોશીનો ફોન આવતાં માતા પરિવાર સાથે ગામે દોડી
1 નવેમ્બરની સાંજે ભારતીબેનને પાડોશીનો ફોન આવ્યો હતો. પાડોશીએ જાણ કરી હતી કે તેમના પતિ નરેશે પુત્ર કરણને લાકડી વડે માર માર્યો છે. આ સમાચાર મળતાં જ ભારતીબેન ચિંતામાં મુકાઈ ગયાં હતાં અને તાત્કાલિક વિંછીયા ગામ જવા રવાના થયાં હતાં.
ભારતીબેન સાથે તેમનાં માતા-પિતા, ભાઈ અને ભાભી પણ ગામે પહોંચ્યાં હતાં. રાત્રે આશરે 9 વાગ્યે તેઓ ઘરે પહોંચ્યાં ત્યારે ઘરની નજીક આવેલી જોગણી માતાજીની દેરી પાસે ભયાનક દૃશ્ય જોવા મળ્યું હતું.
પુત્રની લાશ ખાટલા પર, પિતા બાજુના ખાટલામાં સૂતો હતો
ભારતીબેન જ્યારે દેરી પાસે પહોંચ્યાં ત્યારે તેમનો પુત્ર કરણ લોહીલુહાણ હાલતમાં ખાટલા પર પડ્યો હતો. તપાસ કરતાં કરણનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. જ્યારે બીજા ખાટલા પર તેના પિતા નરેશ સૂઈ રહ્યો હતો. નરેશનાં કપડાં પર પણ લોહીના ડાઘ જોવા મળ્યા હતા.
ભારતીબેને પતિને પુત્રના મોત અંગે પૂછતાં નરેશે ચોંકાવનારો જવાબ આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
‘મારા પછી ઘરમાં કોઈ ભૂવો ન થાય’ કહી પુત્રની હત્યા કર્યાની કબૂલાતનો આક્ષેપ
ફરિયાદ મુજબ, નરેશે જણાવ્યું હતું કે તેના પિતા માતાજીના ભૂવા હતા અને તેમના મૃત્યુ બાદ તે પોતે માતાજીનો ભૂવો બન્યો હતો. હવે તેના પછી પરિવારમાં કોઈ ભૂવો ન બને તે માટે તેણે પોતાના પુત્ર કરણને માતાજીની દેરી આગળ બંને પગથી પકડી બે-ત્રણ વખત પછાડ્યો હતો અને ત્યારબાદ તેના માથામાં લાકડી મારી હતી.
પતિની આ વાત સાંભળીને ભારતીબેન અને તેમની સાથે આવેલા પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. ત્યારબાદ ભારતીબેને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
સાણંદ પોલીસ અને FSLની ટીમે હાથ ધરી તપાસ
ઘટનાની જાણ થતાં જ સાણંદ પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. સાથે જ FSLની ટીમે પણ ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કર્યા હતા.
કરણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ, ભારતીબેને પોતાના પતિ નરેશ પટેલ વિરુદ્ધ સાણંદ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
એકના એક 10 વર્ષના પુત્રની આ રીતે કરાયેલી હત્યાની ઘટનાએ સમગ્ર વિંછીયા ગામમાં શોક અને આઘાતની લાગણી ફેલાવી દીધી છે. જે પિતાની પાસે બાળક સુરક્ષિત હોવું જોઈએ, તેના જ વિરુદ્ધ હત્યાના ગંભીર આક્ષેપો સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચો: પ્રેમનો પ્રસ્તાવ ઠુકરાવતા ધોરણ 10ની વિદ્યાર્થિની પર આરીથી હુમલો કરનાર આરોપીનું એન્કાઉન્ટર!











