NIPER અમદાવાદે નવી પદ્ધતિ વિકસાવી, મેલેરિયાની દવાની આડઅસરોની તપાસ હવે બનશે વધુ સચોટ.

Malaria Research : અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPER)ના વૈજ્ઞાનિકોએ દવાના સંશોધન ક્ષેત્રે નવી પદ્ધતિ વિકસાવી છે. આ પદ્ધતિથી મેલેરિયાની સારવારમાં વપરાતી ટેફેનોક્વિન (Tafenoquine) દવા લોહીના અલગ-અલગ ઘટકોમાં કેટલી માત્રામાં પહોંચે છે તે જાણી શકાશે. ખાસ કરીને પ્લાઝમા (Plasma) અને લાલ રક્તકણો (Red Blood Cells)માં દવાની હાજરીનું ચોક્કસ માપન કરી શકાશે. તેનાથી દવાની અસર અને તેના સંભવિત જોખમો સમજવામાં સંશોધકોને મદદ મળશે.
કેટલાક દર્દીઓમાં રક્તકણોને નુકસાન થવાની શક્યતા
ટેફેનોક્વિનનો ઉપયોગ મેલેરિયાની સારવાર માટે થાય છે. જોકે, ચોક્કસ ઉત્સેચકની ઊણપ ધરાવતા દર્દીઓમાં આ દવા લાલ રક્તકણો (RBCs)ને નુકસાન પહોંચાડી શકે છે. રક્તકણોનો નાશ થવાથી હિમોગ્લોબિન ઘટવા અને એનિમિયા (Anemia) જેવી સ્થિતિ સર્જાવાનું જોખમ રહે છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને NIPERના સંશોધકોએ ઉંદરના લોહીના નમૂનાઓનો ઉપયોગ કરીને દવાનું પ્રમાણ માપવાની પ્રક્રિયા તૈયાર કરી છે. તેના દ્વારા લોહીના પ્રવાહી ભાગ અને રક્તકણોમાં દવાની કેટલી માત્રા છે તે અલગથી જાણી શકાય છે. આ માહિતીના આધારે દવાના શરીરમાં વિતરણ અને તેની સંભવિત આડઅસરો વચ્ચેના સંબંધનો અભ્યાસ સરળ બની શકે છે.
માત્ર 0.5 નેનોગ્રામ દવા પણ શોધી શકાશે
સંશોધન દરમિયાન સૌપ્રથમ લોહીના નમૂનામાંથી પ્લાઝમા અને લાલ રક્તકણોને અલગ કરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા દ્વારા 99 ટકા શુદ્ધતાવાળા રક્તકણો મેળવવામાં સફળતા મળી હતી. ત્યારબાદ આધુનિક વિશ્લેષણાત્મક સાધનોની મદદથી બંને ઘટકોમાં ટેફેનોક્વિનનું પ્રમાણ માપવામાં આવ્યું હતું. આ પદ્ધતિની સંવેદનશીલતા એટલી વધારે છે કે એક મિલિલીટર નમૂનામાં દવાની માત્ર 0.5 નેનોગ્રામ જેટલી ઓછી હાજરી પણ ઓળખી શકાય છે. માપનનાં પરિણામો કેટલાં વિશ્વસનીય છે તે તપાસવા માટે જુદા જુદા સમયગાળામાં પણ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યાં હતાં.
ICH M10ના માપદંડો પર ખરી ઉતરી પદ્ધતિ
સંશોધનથી તૈયાર થયેલી પદ્ધતિની ચોકસાઈ અને વિશ્વસનીયતા આંતરરાષ્ટ્રીય ICH M10 માર્ગદર્શિકા (Guidelines) પ્રમાણે ચકાસવામાં આવી છે. મુખ્ય સંશોધક ડૉ. આકાશ રાજપૂતે જણાવ્યું હતું કે, નવી પદ્ધતિમાં દવાનું પ્રમાણ 0.5થી 800 નેનોગ્રામ પ્રતિ મિલિલીટરની શ્રેણીમાં માપી શકાય છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
તેમણે વધુમાં જણાવ્યું કે, આ પદ્ધતિથી પ્લાઝમા અને લાલ રક્તકણોમાં દવાનું પ્રમાણ એકસાથે, પરંતુ અલગ-અલગ જાણી શકાય છે. આ સંશોધન ભવિષ્યમાં દવાની સલામતી (Drug Safety), અસરકારકતા અને આડઅસરો અંગે વધુ વિગતવાર અભ્યાસ માટે ઉપયોગી બની શકે છે.
આ પણ વાંચો : હરિદ્વારની ત્રણ ટ્રેનોને મંજૂરી મળી, ત્રણ મહિના બાદ પણ શરૂ થવાની રાહ












