ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ફ્લાઇટ ટિકિટના ભાવ પર સરકારની નજર: નવા નિયમો હેઠળ મનમાની નહીં ચાલે, મુસાફરોને રાહત

Flight Ticket Rules 2026: હવાઈ મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ફ્લાઇટ ટિકિટના વધતા ભાવ અને એરલાઇન્સ દ્વારા વસૂલવામાં આવતા વિવિધ ચાર્જને લઈને કેન્દ્ર સરકારે મહત્વનું પગલું ભર્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભારતીય વાયુયાન નિયમ, 2026 જાહેર કર્યા છે. નવા નિયમો હેઠળ અસાધારણ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર મુસાફરોના હિતમાં એરલાઇન્સના ભાડાં અંગે સીધી દખલ કરી શકશે. આ ઉપરાંત ટિકિટ બુકિંગ દરમિયાન તમામ ચાર્જની સ્પષ્ટ માહિતી આપવી ફરજિયાત બનશે. આ નિયમો 1 જાન્યુઆરી, 2027થી અમલમાં આવશે.

અસાધારણ પરિસ્થિતિમાં સરકાર કરી શકશે હસ્તક્ષેપ

નવા નિયમોના નિયમ 192 મુજબ દેશમાં કોઈ અસાધારણ પરિસ્થિતિ ઊભી થાય અને જાહેર હિતમાં હવાઈ ભાડાં અંગે પગલાં લેવાની જરૂર જણાય તો કેન્દ્ર સરકાર એરલાઇન્સને લેખિત આદેશ આપી શકશે. જોકે આવા આદેશ પરિસ્થિતિને અનુરૂપ હોવા જોઈએ અને માત્ર નિર્ધારિત સમયગાળા સુધી જ અમલમાં રહેશે. જોકે નવા નિયમો હેઠળ દરેક ફ્લાઇટ ટિકિટ માટે કોઈ કાયમી મહત્તમ ભાડું નક્કી કરવામાં આવ્યું નથી.

ટિકિટ બુકિંગ વખતે તમામ ચાર્જ બતાવવા પડશે

નવા નિયમો મુસાફરો માટે ભાડાંની પારદર્શિતા વધારશે. એરલાઇન્સે પોતાની વેબસાઇટ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર ટિકિટના ભાડાની માહિતી જાહેર કરવી પડશે. ટિકિટ બુકિંગ વખતે કુલ ચૂકવવાની રકમની સાથે મૂળ ભાડું, ટેક્સ, સર્વિસ ફી, કેન્સલેશન ચાર્જ, રિફંડની શરતો અને અન્ય લાગુ પડતા ચાર્જની અલગ-અલગ વિગતો દર્શાવવી પડશે. આ માહિતી બુક થયેલી ટિકિટ પર પણ ઉપલબ્ધ કરાવવાની રહેશે. પરિણામે મુસાફરોને ટિકિટની વાસ્તવિક કિંમત સમજવામાં સરળતા રહેશે.

DGCA રાખશે એરલાઇન્સના ભાડાં પર નજર

નવા નિયમો અનુસાર નિર્ધારિત એરલાઇન્સે સંચાલન ખર્ચ સહિતના વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખીને ટિકિટના ભાડાં નક્કી કરવા પડશે. એરલાઇન્સે નક્કી કરેલા ભાડાંની વિગતો નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ને આપવી પડશે. DGCA દ્વારા આ ભાડાંનું મોનિટરિંગ કરવામાં આવશે. તેનાથી હવાઈ ભાડાં અંગેની દેખરેખ વધુ વ્યવસ્થિત બનવાની અપેક્ષા છે.

ફ્લાઇટ ટિકિટના ભાવ કેમ વધે છે?

હાલમાં એરલાઇન્સ કંપનીઓ મુસાફરોની માંગ, બુકિંગનો સમય, ઉપલબ્ધ બેઠકો, તહેવારોની સિઝન અને વિમાનના ઇંધણ સહિતના સંચાલન ખર્ચને ધ્યાનમાં રાખીને ભાડાં નક્કી કરે છે. ખાસ કરીને તહેવારો અને રજાઓ દરમિયાન મુસાફરોની માંગ વધતાં ટિકિટના ભાવમાં મોટો વધારો જોવા મળે છે. નવા નિયમો હેઠળ સામાન્ય પરિસ્થિતિમાં એરલાઇન્સને ભાડાં નક્કી કરવાની છૂટ યથાવત્ રહેશે, પરંતુ અસાધારણ સંજોગોમાં સરકાર જરૂરી નિર્દેશ આપી શકશે.

સામાન્ય મુસાફરોને શું ફાયદો થશે?

નવા નિયમો લાગુ થયા બાદ મુસાફરોને ફ્લાઇટ ટિકિટ ખરીદતી વખતે કુલ ભાડું અને તેમાં સમાવિષ્ટ તમામ ચાર્જની સ્પષ્ટ માહિતી મળશે. ટિકિટ કેન્સલ કરાવવા પર લાગતા ચાર્જ અને રિફંડની શરતો પણ અગાઉથી જાણી શકાશે. આ ઉપરાંત અસાધારણ પરિસ્થિતિમાં હવાઈ ભાડાં અંગે સરકાર હસ્તક્ષેપ કરી શકશે. જોકે નવા નિયમોથી દરેક રૂટ પર ટિકિટ સસ્તી થશે કે નહીં તે નક્કી નથી. તેમ છતાં મુસાફરોના હિતોના રક્ષણ માટે આ પગલું મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ દિલ્હીમાં પ્રદૂષણનો ખતરનાક પ્રહાર: રાષ્ટ્રપતિ ભવન પણ ધુમ્મસમાં ઢંકાયું; 18 રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ
Back to top button