ગુજરાત

ગાંધીનગરમાં ઇન્સ્ટાગ્રામ પરથી બુક કરેલી સર્વિસ મોંઘી પડી: હોમ ક્લીનિંગના બહાને હેડ ક્લાર્કના ઘરમાંથી ₹6.16 લાખના દાગીના ચોરનાર રાજસ્થાનની ગેંગ ઝડપાઈ

Gandhinagar Theft: ગાંધીનગર શહેરના સેક્ટર 3-ડી વિસ્તારમાં દિવાળીના તહેવારો અગાઉ ઘરની સફાઈ કરાવવાનું એક સરકારી કર્મચારીના પરિવારને ભારે મોંઘું સાબિત થયું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈને હોમ ક્લીનિંગ સર્વિસ બુક કરનાર હેડ ક્લાર્કના ઘરમાંથી સાફ-સફાઈ કરવા આવેલા કારીગરો જ ₹6,16,000 ની કિંમતના સોનાના દાગીના ચોરીને પલાયન થઈ ગયા હતા. આ ઘટના અંગે સેક્ટર-7 પોલીસે ત્વરિત એક્શન પ્લાન બનાવી ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી દઈને રાજસ્થાનની કુખ્યાત ગેંગના ચાર શખસોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈને ફસાયા

ગાંધીનગર સેક્ટર 3-ડી ખાતે પરિવાર સાથે રહેતા અને કૃષિ ભવનમાં હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કવનકુમાર યોગેશચંદ્ર પંડ્યા દિવાળી નિમિત્તે ઘરની સફાઈ કરાવવા માંગતા હતા. તેમણે મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ પર ‘GJ Home Clinic Service’ ની એક રીલ જોઈ તેમાં દર્શાવેલા નંબર પર સંપર્ક કર્યો હતો. વીડિયો મોકલી કોટેશન માંગતા પ્રથમ ₹6,500 નું કોટેશન મળ્યા બાદ પ્રથમ માળની સફાઈ સહિત સમગ્ર ઘરના કામ માટે ₹9,500 માં સોદો નક્કી કરવામાં આવ્યો હતો.

ચા બનાવવાની લાલચ આપી કબાટમાંથી પાઉચ તફડાવ્યું

ગત 29 ઓક્ટોબરના રોજ બપોરે કંપનીના પાંચ માણસો સાધનો સાથે કવનકુમારના ઘરે આવ્યા હતા. પરિવારે પ્રથમ માળે આવેલા બેડરૂમના કબાટમાં કિંમતી દાગીના હોવાથી તે રૂમ સાફ ન કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી. દરમિયાન બેડરૂમમાં કામ કરી રહેલા બે માણસોએ ચા માંગતા કવનકુમારના માતા ચા બનાવવા નીચે ગયા હતા અને કવનકુમાર પણ નોકરી જવા નીકળી ગયા હતા. આ તકનો લાભ લઈને તસ્કરોએ કબાટમાંથી દાગીના ભરેલું પાઉચ તફડાવી લીધું હતું. સાંજે કામ પૂરું થતાં કવનકુમારે ગૂગલ પે મારફતે ₹9,500 ચૂકવી આપ્યા હતા. જોકે, બીજા દિવસે 30 ઓક્ટોબરના રોજ છાયાબેને કબાટ તપાસતા ₹6.16 લાખના સોનાના દાગીના ગાયબ માલૂમ પડ્યા હતા, જેથી સેક્ટર-7 પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસે પેસેન્જર વાહન ઘેરીને તસ્કરોને દબોચી લીધા

બનાવની ગંભીરતાને ધ્યાને લઈને સેક્ટર-7 પોલીસ સ્ટેશનના પીઆઈ એ.જી. સોલંકી અને પીએસઆઈ જે.એચ. મકવાણા સહિત સર્વેલન્સ સ્કોડની ટીમે તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે તપાસ ચલાવતા ચોક્કસ બાતમી મળી હતી કે આરોપીઓ વીસનગરથી ગાંધીનગર થઈને અમદાવાદ તરફ જઈ રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ઘ-4 અંડરબ્રિજ પાસેથી પેસેન્જર વાહનને ઘેરીને ગણતરીની મિનિટોમાં તસ્કરોને ઝડપી લીધા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રાજસ્થાનની શાતિર ગેંગના 4 આરોપીઓ પકડાયા

પોલીસ પકડમાં આવેલા આરોપીઓની ઓળખ પ્રકાશ ઉર્ફે શંકર મેઘાજી ધુલાજી કીર, માંગીલાલ કાળુજી મોડાજી કીર, દિનેશકુમાર કાનાજી મોડાજી કીર અને પ્રભુલાલ રૂપાજી લાલુજી કીર તરીકે થઈ છે. આ તમામ આરોપીઓ મૂળ રાજસ્થાનના વતની છે અને હાલ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહીને સફાઈના બહાને ચોરીના બનાવોને અંજામ આપતા હતા. પોલીસે તેમની પાસેથી ચોરાયેલા સોનાના દાગીના અને 4 મોબાઈલ ફોન સહિત કુલ ₹6.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: સુરતમાં કૌટુંબિક ઝઘડાનું લોહિયાળ પરિણામ: ઘરકામ અને મોબાઈલ બાબતે બોલાચાલી બાદ 22 વર્ષીય દીકરીએ પિતાની કરી ક્રૂર હત્યા

Back to top button