ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય

Gujarat : પરીક્ષાઓની તીવ્ર સ્પર્ધા, કૌટુંબિક અપેક્ષાઓ અને સોશિયલ મીડિયાના દબાણ વચ્ચે વિદ્યાર્થીઓમાં વધતા જતા માનસિક તણાવ તેમજ આત્મહત્યાના બનાવો અટકાવવા માટે ગુજરાત સરકારે ક્રાંતિકારી અને સંવેદનશીલ નીતિગત નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શિક્ષણ વિભાગે ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો, 1974’માં ઐતિહાસિક સુધારો કરીને નવો ‘વિનિયમ-16(અ)’ તથા ‘પરિશિષ્ટ-8’ ઉમેર્યો છે. આ નવા કાયદાકીય માળખા હેઠળ હવે રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (ધોરણ 9 થી 12)માં વિદ્યાર્થીઓના ભાવનાત્મક સંરક્ષણ અને સુખાકારી માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવી વૈધાનિક રીતે ફરજિયાત બનશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અને NCERTના ‘UMMEED’ મોડેલ પર આધારિત નિર્ણય

સુપ્રીમ કોર્ટે દેશભરની શૈક્ષણિક સંસ્થાઓ માટે નિર્ધારિત કરેલી 15 બંધનકર્તા ગાઇડલાઇન્સ અને 4 મુખ્ય નિર્દેશોના અનુસંધાને કેન્દ્ર સરકારના કાયદા મંત્રાલયની સૂચના મુજબ આ પગલું ભરાયું છે. આ ઉપરાંત, એનસીઇઆરટી (NCERT) દ્વારા વિકસિત ‘UMMEED’ (અંડરસ્ટેન્ડ, મોટિવેટ, મેનેજ, એમ્પથાઇઝ, એમ્પાવર, ડેવલપ) માર્ગદર્શિકાને સમગ્ર માળખાનો મુખ્ય આધાર બનાવવામાં આવી છે, જેથી માનસિક હતાશા કે નકારાત્મક વલણ ધરાવતા વિદ્યાર્થીઓની સમયસર ઓળખ કરી તાત્કાલિક સંસ્થાકીય સહાય પૂરી પાડી શકાય.

દરેક શાળામાં રચાશે ‘સ્કૂલ વેલનેસ ટીમ’, વિદ્યાર્થીઓ માટે બનશે ‘મનો-મિત્ર’

બોર્ડ સંલગ્ન પ્રત્યેક શાળામાં દર શૈક્ષણિક સત્રના પ્રારંભે ફરજિયાતપણે ‘સ્કૂલ વેલનેસ ટીમ’ (SWT)ની રચના કરવાની રહેશે.
  • ટીમનું માળખું: આચાર્ય ટીમ લીડર રહેશે, જ્યારે શાળા કાઉન્સેલર અથવા નિયુક્ત શિક્ષક કો-ઓર્ડિનેટર બનશે. આ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના બે શિક્ષકો, SMCના એક પ્રતિનિધિ, એક બિન-શૈક્ષણિક કર્મચારી અને વિદ્યાર્થીઓમાંથી જ પસંદ કરાયેલા પીઅર લીડર એટલે કે ‘મનો-મિત્ર’નો સમાવેશ થશે.

 

  • મનો-મિત્રની ભૂમિકા: સહપાઠીઓ વચ્ચે માનસિક મૂંઝવણ કે હતાશાના પ્રારંભિક સંકેતો પારખીને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને હૂંફ આપવા તેમજ યોગ્ય માર્ગદર્શન તરફ દોરી જવાનું કાર્ય કરશે.

100થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં ક્વોલિફાઇડ કાઉન્સેલર અનિવાર્ય

નવા નિયમો મુજબ 100 કે તેથી વધુ છાત્રો ધરાવતી તમામ શાળાઓએ બાળ અને કિશોરાવસ્થાના માનસિક સ્વાસ્થ્યમાં વિશેષ તાલીમબદ્ધ પૂર્ણકાલીન કાઉન્સેલર, મનોવૈજ્ઞાનિક કે સોશિયલ વર્કરની નિમણૂક કરવી પડશે. જ્યારે 100થી ઓછી સંખ્યા ધરાવતી શાળાઓએ સ્થાનિક પીએચસી (PHC), સીએચસી (CHC), જિલ્લા માનસિક આરોગ્ય કેન્દ્ર અને કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય હેલ્પલાઇન ‘ટેલી-માનસ’ (Tele-MANAS) સાથે સત્તાવાર ટાઇ-અપ રાખવું પડશે. ખાસ કરીને ધોરણ 8માંથી 9માં અને ધોરણ 10માંથી 11માં સંક્રમણ તેમજ બોર્ડ પરિણામો વખતે કાઉન્સેલિંગ સેશન ફરજિયાત રહેશે.

માર્ક્સ કે પરિણામના આધારે વર્ગમાં સેગ્રીગેશન પર સંપૂર્ણ પ્રતિબંધ

શાળાઓમાં સકારાત્મક અને સુરક્ષિત વાતાવરણ જાળવવા માટે સરકારે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. કોઈપણ શાળા વિદ્યાર્થીના ઓછા ગુણ કે શૈક્ષણિક પ્રદર્શનના આધારે વર્ગખંડની અંદર કે બહાર કોઈપણ પ્રકારનું વિભાજન (સેગ્રીગેશન) કરી શકશે નહીં. જાહેરમાં વિદ્યાર્થીનું અપમાન કરવા, અન્ય સાથે તુલના કરી કલંકિત કરવા કે તેનામાં લઘુતાગ્રંથિ જન્માવતી કોઈપણ પ્રથા પર સંપૂર્ણ રોક લગાવી દેવાઈ છે. તેના બદલે વિદ્યાર્થીઓમાં તણાવમુક્તિ માટે યોગ, ધ્યાન, રમતગમત, સપ્તધારા, એનસીસી, એનએસએસ જેવી પ્રવૃત્તિઓ વધારવી પડશે.

આ પણ વાંચો: ન્યૂઝીલેન્ડમાં ભારતની જીતની હેટ્રિક, ફરી રચ્યો ઐતિહાસિક રેકોર્ડ

લાપરવાહી દાખવનાર શાળા સામે ‘સંસ્થાકીય દોષ’ હેઠળ કડક ફોજદારી કાર્યવાહી

કોઈ વિદ્યાર્થી દ્વારા સેલ્ફ-હાર્મ કે હતાશાના સંકેત દર્શાવવામાં આવે તો તેને એકલો છોડી શકાશે નહીં અને ત્વરિત ઈમરજન્સી પ્રતિસાદ આપવો પડશે. જો શાળા પ્રશાસનને જોખમી સંજોગોની જાણ હોવા છતાં બેદરકારી દાખવવામાં આવશે અને તેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના કે આત્મહત્યા બનશે, તો તેને કાયદાકીય રીતે ‘સંસ્થાકીય દોષ’ (Institutional Fault) ગણી સંચાલકો કે જવાબદારો સામે કડક ફોજદારી અને શિક્ષાત્મક કાયદેસર પગલાં લેવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીની અંગત માહિતીની ગોપનીયતા જાળવવી અનિવાર્ય રહેશે.
Back to top button