વડોદરાવાસીઓ પર મોંઘવારીનો વધુ એક પ્રહાર: વડોદરા ગેસ લિમિટેડ દ્વારા CNG અને ઘરેલુ PNG ના ભાવમાં ઝીંકાયો વધારો

Vadodara Gas Limited CNG PNG Price Hike: વડોદરા શહેર અને સમગ્ર જિલ્લાના નાગરિકો માટે મોંઘવારીના મોરચે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકા (VMC) અને ગેલ ગેસ લિમિટેડ (GAIL) ના સંયુક્ત સાહસ એવી ‘વડોદરા ગેસ લિમિટેડ’ (VGL) દ્વારા વાહનોમાં વપરાતા સીએનજી (CNG) તેમજ ઘરોમાં સપ્લાય થતાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ના છૂટક દરોમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. આ નવો ભાવવધારો તાત્કાલિક અસરથી અમલમાં આવી ચૂક્યો છે, જેના પગલે વાહનચાલકો અને સામાન્ય ગૃહિણીઓના માસિક બજેટ પર સીધો આર્થિક બોજ વધશે.
વાહનચાલકો અને રિક્ષાચાલકોના ખિસ્સા પર વધારાનો ભાર
કંપની દ્વારા જારી કરાયેલા નવા દર અનુસાર, વડોદરા જિલ્લામાં અત્યાર સુધી પ્રતિ કિલો ₹89 ના ભાવે મળતા CNG માં પ્રતિ કિલો ₹1.50 નો સીધો વધારો ઝીંકવામાં આવ્યો છે. હવે ગ્રાહકોએ પ્રતિ કિલો CNG માટે ₹90.50 ચૂકવવા પડશે. સીએનજીનો ભાવ ₹90 ની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી જતાં દૈનિક મુસાફરી કરતા વાહનમાલિકો, ટેક્સીચાલકો અને ઓટો રિક્ષાચાલકોના દૈનિક કમાણીના આંકડા પર માસિક મોટો ફટકો પડશે.
રાંધણગેસ પણ થયો મોંઘો
વાહનોના ઇંધણ ઉપરાંત ઘરેલુ રાંધણગેસ તરીકે વપરાતા PNG ના ભાવમાં પણ કંપનીએ વધારો ઝીંક્યો છે. વેટ (VAT) સિવાયના દર મુજબ અગાઉ ઘરેલુ PNG નો ભાવ ₹55.74 પ્રતિ એસસીએમ (SCM) હતો, જે હવે વધીને ₹56.24 પ્રતિ એસસીએમ થઈ ગયો છે. માસિક બિલિંગમાં આ ભાવવધારો ઉમેરાતાં સામાન્ય પરિવારના રસોડાનું બજેટ ડામાડોળ થાય તેવી પૂરી શક્યતાઓ ઊભી થઈ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કંપનીએ સ્પષ્ટતા કરી
ભાવવધારા અંગે ખુલાસો કરતાં વડોદરા ગેસ લિમિટેડે જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજાર અને વિદેશી હૂંડિયામણના દરને કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. સપ્ટેમ્બર 2025 થી સપ્ટેમ્બર 2026 ના સમયગાળા દરમિયાન RLNG ની કિંમતમાં આશરે 26 ટકા અને ઘરેલુ કુદરતી ગેસમાં 19 ટકાનો ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત, ડોલર સામે ભારતીય રૂપિયો અંદાજે 8 ટકા જેટલો નબળો પડતાં ગેસની આયાત નોંધપાત્ર મોંઘી બની છે, જેના કારણે સ્થાનિક ગ્રાહકો પર આ દરોનું ભારણ વહેંચવાની ફરજ પડી છે.
આ પણ વાંચો: વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય












