જ્ઞાનેશ કુમારના વિરોધમાં અમદાવાદમાં હંગામો, પોલીસ સાથે ઘર્ષણ બાદ અનેકની અટકાયત
Ahmedabad: શહેરના પોશ ગણાતા વસ્ત્રાપુર અને અંધજન મંડળ વિસ્તારમાં મોટો પોલિટિકલ હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના ગુજરાત પ્રવાસ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો તેમજ વિવિધ યુવા સંગઠનોના હોદ્દેદારોએ રસ્તા પર ઉતરી આવી જોરદાર સૂત્રોચ્ચાર સાથે આક્રમક દેખાવો કર્યા હતા. પ્રદર્શનકારીઓએ “જ્ઞાનેશ કુમાર રાજીનામું આપો”ના પ્રચંડ નારા લગાવતાં સમગ્ર પંથકમાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ પેદા થઈ ગઈ હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અંધજન મંડળથી વસ્ત્રાપુર સુધી વિરોધ રેલી, પોલીસે ઘેરાબંધી કરી
કોંગ્રેસ અને યુવા સંગઠનોના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અંધજન મંડળ પાસે એકત્રિત થયા હતા અને ત્યાંથી વસ્ત્રાપુર ચાર રસ્તા તરફ વિરોધ માર્ચ સ્વરૂપે આગળ વધ્યા હતા. ચૂંટણી કમિશનર સામેના આક્રોશને પગલે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સ્થાનિક પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે તૈનાત કરી દેવાયો હતો. પોલીસે બેરિકેડિંગ કરીને વિરોધ માર્ચને અટકાવી દેખાવકારોની ઘેરાબંધી કરી લીધી હતી.
પોલીસ વાન પર ચડીને નારેબાજી: ટીંગાટોળી વચ્ચે ઘર્ષણના દ્રશ્યો
વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ સર્જાયું હતું. પરિસ્થિતિ બેકાબૂ બનતી જોઈ પોલીસે બળપ્રયોગ કરીને કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન માહોલ ત્યારે વધુ ગરમાયો જ્યારે બે ઉશ્કેરાયેલા દેખાવકારો સીધા પોલીસ વાનની છત પર ચડી ગયા હતા અને ત્યાં ઊભા રહીને ચૂંટણી પંચ વિરોધી સૂત્રોચ્ચાર પોકારવા લાગ્યા હતા.
આ પણ વાંચો: ન્યૂઝીલેન્ડમાં ભારતની જીતની હેટ્રિક, ફરી રચ્યો ઐતિહાસિક રેકોર્ડ
પોલીસે તમામને કસ્ટડીમાં લઈ માર્ગ ખુલ્લો કરાવ્યો
વાન પર ચડેલા બંને આંદોલનકારીઓને પોલીસે સમયસૂચકતા વાપરીને સાવચેતીપૂર્વક નીચે ઉતાર્યા હતા. ત્યારબાદ તમામ વિરોધકર્તાઓની અટકાયત કરી નજીકના પોલીસ સ્ટેશને મોકલી આપવામાં આવ્યા હતા. આ ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ચક્કાજામને પગલે વસ્ત્રાપુર ચાર રસ્તા તેમજ આસપાસના માર્ગો પર પીક-અવર્સ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી, જેને પોલીસે થોડા સમય બાદ રાબેતા મુજબ કરાવી હતી.












