₹30 હજારની લેતીદેતીમાં મિત્રએ જ કરી મિત્રની ઘાતકી હત્યા: ઘરમાં હાથ-પગ બાંધીને મટન કાપવાના કોયતાથી ગળું કાપી નાખ્યું!

Surat Katargam Cemetery Headless Body Case: દિવાળીના પવિત્ર તહેવારોની ખુશીઓ વચ્ચે ગુજરાતના સુરત શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી, ડરામણી અને કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ગોટાલા વાડી ચાર રસ્તા પાસેના ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી એક અજાણ્યા પુરુષનું માથા વગરનું નગ્ન ધડ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ હતી. મૃતકની ઓળખ છુપાવવા અને પુરાવાનો નાશ કરવા માટે ક્રૂરતાપૂર્વક માથું ધડથી અલગ કરીને આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાની આશંકા વચ્ચે કતારગામ પોલીસ સ્ટેશન અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્વરિત ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ગણતરીના કલાકમાં જ આઘાતજનક ગુનાનો ભેદ ઉકેલીને આરોપીની ધરપકડ કરી લીધી છે.
ધડ અને માથા વચ્ચે હતું 3 કિલોમીટરનું અંતર
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ 30 વર્ષીય સંજય તરીકે થઈ છે, જે મૂળ ઓડિશાનો વતની હતો અને શહેરના અમરોલી વિસ્તારમાં રહેતો હતો. પોલીસે જ્યારે આ સનસનાટીભર્યા કેસમાં તપાસનો ધમધમાટ તેજ કર્યો ત્યારે ખબર પડી કે મૃતકનું કપાયેલું માથું ઘટનાસ્થળથી આશરે 3 કિલોમીટર દૂર આવેલા અલકાપુરી રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યું છે. આ નિર્દય હત્યાના કેસમાં પકડાયેલા મુખ્ય આરોપીનું નામ સચિત્રકુમાર નરેન્દ્ર બાલ છે, જે કતારગામની રેલ રાહત કોલોનીમાં રહે છે અને તે પણ મૂળ ઓડિશાનો જ વતની છે.
₹30 હજારની લેતીદેતી બની હત્યાનું કારણ
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, મૃતક સંજય અને આરોપી સચિત્રકુમાર બંને કતારગામ GIDC માં આવેલા એક લૂમ્સના કારખાનામાં સાથે જ નોકરી કરતા હતા અને બંને વચ્ચે સારી મિત્રતા પણ હતી. પરંતુ ₹30 હજારની નાણાકીય લેતીદેતી અને આર્થિક વિવાદના કારણે બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મનદુઃખ ચાલી રહ્યું હતું. આ જ અદાવત અને ગુસ્સામાં આવીને આરોપીએ પોતાના જ મિત્રની ઘાતકી હત્યા કરવાનું ખતરનાક કાવતરું ઘડી કાઢ્યું હતું. હાલ કતારગામ પોલીસે આરોપી સચિત્રકુમાર બાલની સત્તાવાર ધરપકડ કરીને તેની પાસેથી વધુ પૂછપરછ હાથ ધરી છે.
આરોપીના ઘરે બોલાવીને હાથ-પગ બાંધી આચરવામાં આવ્યું પાપ
પોલીસની સઘન પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે તેને સંજય પાસેથી ₹30 હજાર લેવાના નીકળતા હતા. આ રકમ બાબતે ચાલી રહેલા વિવાદને કારણે ગત રવિવારે તેણે સંજયને પોતાના ઘરે બોલાવ્યો હતો. ઘરે આવ્યા બાદ આરોપીએ દિવસ દરમિયાન સંજયના બંને હાથ અને પગ દોરડાથી બાંધી દીધા હતા અને ત્યારબાદ ઘરમાં રહેલા મટન કાપવાના લોખંડના ધારદાર કોયતાથી તેની નિર્દયતાપૂર્વક ગળું કાપીને હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં, રાક્ષસી વૃત્તિની હદ વટાવીને તેણે મડદાનું માથું ધડથી સંપૂર્ણપણે અલગ કરી દીધું હતું જેથી કોઈ ઓળખી ન શકે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
માથા વગરનું નગ્ન ધડ કબ્રસ્તાનમાં ફેંક્યું
ક્રૂરતાપૂર્વક હત્યા કર્યા બાદ મોડી રાત્રે આરોપીએ લાશને ઠેકાણે પાડવાનું નક્કી કર્યું હતું. તેણે માથા વગરનું નગ્ન ધડ પોતાના ઘરથી માત્ર 150 મીટરના અંતરે આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનની દિવાલ પરથી અંદર ફેંકી દીધું હતું. જ્યારે લોહીથી લથપથ કપાયેલું માથું અલકાપુરી બ્રિજ નીચે આવેલ રેલવે ટ્રેકની ઝાડી-ઝાંખરામાં ફેંકી દીધું હતું. કબ્રસ્તાનમાં 4 થી 5 ફૂટ જેટલું ઊંચું ઘાસ ઉગી નીકળ્યું હોવાના કારણે અને રાત્રે સિક્યુરિટી ગાર્ડ સૂતો હોવાથી મૃતદેહ કોઈની નજરે પડ્યો નહોતો. પોલીસને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે તપાસ કરતા આ ભયાનક રહસ્ય બહાર આવ્યું હતું અને પોલીસે બંને સ્થળેથી ધડ તથા માથું કબજે કરીને પીએમ અર્થે સ્મિમેર હોસ્પિટલ મોકલી આપ્યા છે.
આ પણ વાંચો: નિકોલ હિટ એન્ડ રન કેસમાં ખુલાસો, વિરલ સાથે કારમાં મિત્ર સાગર પણ હતો હાજર












