ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાહુલ ગાંધીની રેલીમાં ન જવું ભારે પડ્યું, ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારો સસ્પેન્ડ

Gujarat Youth Congress 49 Leaders Suspended: ગુજરાત યુથ કોંગ્રેસમાં મોટી સંગઠનાત્મક કાર્યવાહી સામે આવી છે. દિલ્હીમાં પહેલી નવેમ્બરે રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાયેલી ‘વોટ ચોરી‘ વિરોધી રેલીમાં ગેરહાજર રહેલા ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. જેમાં પ્રદેશ સેક્રેટરી સહિત 24 જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખોનો સમાવેશ થાય છે. ઈન્ડિયન યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વની સૂચના છતાં રેલીમાં હાજર ન રહેલા અને ગેરહાજરી અંગે અગાઉથી જાણ ન કરનારા હોદ્દેદારો સામે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

દિલ્હીની રેલીમાં ફરજિયાત હાજર રહેવા અપાઈ હતી સૂચના

1 નવેમ્બર 2026ના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ દ્વારા વોટ બચાવો, દેશ બચાવો રેલી યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓએ કથિત મતચોરી અને મતદાર યાદીમાં ગેરરીતિના આક્ષેપો ઉઠાવ્યા હતા. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની પણ માગ કરવામાં આવી હતી. આ રેલીમાં ગુજરાત કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ અને NSUIના હોદ્દેદારો તથા કાર્યકરોને હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. ગુજરાતમાંથી કાર્યકરોને દિલ્હી લઈ જવા અને પરત લાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

અગાઉથી જાણ કર્યા વિના 49 હોદ્દેદારો ગેરહાજર રહ્યા

મળતી માહિતી પ્રમાણે ઈન્ડિયન યુથ કોંગ્રેસે રેલી પહેલાં બેઠક યોજીને તમામ હોદ્દેદારોને કાર્યક્રમમાં ફરજિયાત હાજર રહેવા જણાવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ અને યુથ કોંગ્રેસના કાર્યકરો રેલીમાં જોડાયા હતા. જોકે ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારો ગેરહાજર રહ્યા હતા. રેલીમાં ન આવવા અંગે અગાઉથી કોઈ જાણ કરવામાં આવી ન હોવાના કારણે રાષ્ટ્રીય નેતૃત્વે તેમની ગેરહાજરીને સંગઠનાત્મક શિસ્તના ભંગ તરીકે લીધી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

ગુજરાતના 24 જિલ્લા પ્રમુખો પર પણ સસ્પેન્શનની કાર્યવાહી

અહેવાલ મુજબ રાષ્ટ્રીય નેતૃત્વે ગુજરાત યુથ કોંગ્રેસ પાસેથી ગેરહાજર હોદ્દેદારોની યાદી મંગાવી હતી. ત્યારબાદ 49 હોદ્દેદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો. તેમાં અમદાવાદ ગ્રામ્ય, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર શહેર, ગાંધીનગર ગ્રામ્ય, ગીર સોમનાથ, જૂનાગઢ શહેર, જૂનાગઢ ગ્રામ્ય, મહીસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ શહેર, સાબરકાંઠા, વડોદરા શહેર, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આગામી સૂચના સુધી હોદ્દેદારો સસ્પેન્ડ

અહેવાલ પ્રમાણે ઈન્ડિયન યુથ કોંગ્રેસે સસ્પેન્ડ કરાયેલા હોદ્દેદારોને આગામી આદેશ સુધી પદની જવાબદારીઓમાંથી દૂર કર્યા છે. સસ્પેન્શન કેટલા સમય સુધી યથાવત્ રહેશે અને સંબંધિત હોદ્દેદારોને ખુલાસો કરવાની તક આપવામાં આવશે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા નથી. યુથ કોંગ્રેસના સસ્પેન્ડ થયેલા હોદ્દેદારોમાં ગૌરાંગ મકવાણા, યશરાજ ગોહેલ, મો.ઇકબાલ શેખ, જય પટેલ, અહનાન તુરાક, જયસિંહ રાઠોડ, આકાશ પરમાર, રિયાઝ શેખ, વિવેકકુમાર પાવડી, શૂરવીરસિંહ રાઠોડ, ચિરાગ દરજી, ગૌરાંગ રાઠોડ, મનસુખભાઈ કોઠારિયા, પ્રકાશ દેસાઈ, જયેશ કમાલ, ભૈરવ બારૈયા, પૃથ્વીરાજસિંહ વલવી, માઝ ખાન તાલુકદાર, આદિત્યસિંહ ગોહિલ, યશપાલસિંહ પરમાર, ચિરાગલ જોષી, બંસીકુમાર સાવલિયા, શક્તિપાલસિંહ ગુરુઆમા, અબ્બુ પટેલ, સુરેશકુમાર સોલંકી, હાર્દિકસિંહ ઘાયમા, હિતેશ સોલંકી, રવિ બ્રહ્મભટ્ટ, આશુતોષ રાઠોડ, રતનસિંહ પારગી, વિપુલ વસાવા, તુષાર કામડી, યુવરાજસિંહ વાઘેર, શિવનાથસિંહ રાઠોડ, નવઘણભાઈ ડામી, આદિલભાઈ દમીઆની, મોહસીન શામા, મિહિર મહેતા, સાહિલ પરમાર, મોસમ તંત્રીલ સૈયદ, શિવકુમાર પટેલ, પુરવ તલાવિયા, માઈકલ જોસેફ, કિરણ પરમાર, અજય મોઢ, ભાગ્યરાજસિંહ વાલા, કલ્પેશકુમાર નગોરા, બાબુભાઈ પરમાર, પવન ગુપ્તાનો સમાવેશ થાય છે.

ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ કાર્યવાહી

દિલ્હીની રેલીમાં ગેરહાજર રહેલા હોદ્દેદારો સામે કાર્યવાહી માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત નથી. મધ્યપ્રદેશમાં 60 હોદ્દેદારો, હરિયાણામાં 10 અને હિમાચલ પ્રદેશમાં 13 હોદ્દેદારોને સસ્પેન્ડ કરાયા હોવાની પુષ્ટિ અલગ-અલગ અહેવાલોમાં થઈ છે. આ રાજ્યોમાં પણ રાષ્ટ્રીય નેતૃત્વની સૂચનાનું પાલન ન કરવા બદલ સંગઠનાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે ઈન્ડિયન યુથ કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોમાં સંગઠનાત્મક હાજરી અને જવાબદારીને મહત્ત્વ આપી રહ્યું છે. ગુજરાતમાં સસ્પેન્ડ કરાયેલા હોદ્દેદારોની જગ્યાએ નવી નિમણૂક થશે કે પછી તેમની સામેની કાર્યવાહી પાછી ખેંચવામાં આવશે તે હવે આગામી નિર્ણય પર નિર્ભર રહેશે.

આ પણ વાંચોઃ આધાર કાર્ડ બંધ થઈ જશે? સરકારી યોજનાઓના પૈસા હવે વોટર IDથી મળશે! કેન્દ્રીય મંત્રીની મોટી જાહેરાત
Back to top button