અમરેલીમાં બે મજૂરોના રહસ્યમય મોત! સળગેલી ગાડીમાંથી મળ્યા અડધા બળેલા મૃતદેહ

Double Murder : અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં બે મજૂરોના મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વાડીમાં પાર્ક કરેલી તુફાન પેસેન્જર ગાડીમાં આગ લાગતાં અંદર સૂઈ રહેલા બે મજૂરોના મોત થયા હતા. બંનેના મૃતદેહ અડધા બળેલી હાલતમાં મળી આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ, અજાણ્યા શખસોએ ગાડીને આગ લગાવી હોવાની આશંકા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મળતી માહિતી મુજબ, સુરેશ બચુભાઈ શિંગાળાની વાડીમાં તુફાન પેસેન્જર ગાડી પાર્ક કરવામાં આવી હતી. આ ગાડીમાં બે મજૂરો રાત્રે સૂતા હતા. સવારે ગાડી સંપૂર્ણપણે બળેલી હાલતમાં જોવા મળી હતી. નજીક જઈ તપાસ કરતાં અંદરથી બંને મજૂરોના અડધા સળગેલા મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં.
બંને મૃતકો મધ્યપ્રદેશના વતની
ઘટનાની જાણ થતાં લીલીયા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સાથે જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમે પણ તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન બંને મૃતકોની ઓળખ કરવામાં આવી છે.
મૃતકોનાં નામ આ પ્રમાણે છે:
-
રવિ કમલેશભાઈ બધેલ (ઉંમર 16 વર્ષ)
-
નીતિન રામસિંગ પચાયા (ઉંમર 21 વર્ષ)
બંને મધ્યપ્રદેશના વતની હોવાનું સામે આવ્યું છે.
પોલીસ દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. ડી.વાય.એસ.પી. વિસ્મય માનસેતાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ છે. પોલીસે કેટલાક શંકાસ્પદ લોકોને રાઉન્ડઅપ કરીને પૂછપરછ શરૂ કરી છે. આ મામલે લીલીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. ગાડીને આગ કોણે અને કયા કારણોસર લગાવી તે જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે. ફરાર શંકાસ્પદોને શોધવા માટે પણ પ્રયાસો ચાલુ છે. હાલમાં આ બનાવ પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. પોલીસની તપાસ બાદ જ બંને મજૂરોના મોત પાછળનું સાચું કારણ સામે આવશે.
આ પણ વાંચો : મિડલ ઈસ્ટમાં ફરી ભડકી યુદ્ધની આગ! અમેરિકાનો ઈરાન પર મોટો હુમલો, હોર્મુઝની ખાડીમાં આવેલા કેશમ ટાપુ પર અનેક ધડાકા












