નિકોલ હિટ એન્ડ રન કેસમાં ખુલાસો, વિરલ સાથે કારમાં મિત્ર સાગર પણ હતો હાજર

Hit And Run Case : અમદાવાદના નિકોલ વિસ્તારમાં માતા-પુત્રને ફૂટપાથ પર કારથી કચડી નાખવાના હિટ એન્ડ રન (Hit and Run) કેસમાં રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અકસ્માત સમયે કારચાલક વિરલ ચૌધરી એકલો નહોતો. તેની સાથે તેનો મિત્ર સાગર પણ કારમાં હાજર હતો. બંનેએ અકસ્માત પહેલાં સાગરના ઘરે બેસીને બિયર પીધી હતી અને ત્યારબાદ જમવા માટે કાર લઈને નીકળ્યા હતા.
તપાસમાં એવી પણ વિગતો સામે આવી છે કે, કાર ચલાવતી વખતે વિરલ એક હાથથી સ્ટિયરિંગ સંભાળતો હતો અને બીજા હાથથી બિયરનું કેન ખોલીને પી રહ્યો હતો. આ દરમિયાન કાર પરથી કાબૂ ગુમાવતાં ફૂટપાથ પર ચાલતા માતા-પુત્રને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ ભીડ એકઠી થતાં સાગર તેનો લાભ લઈને કારમાંથી ઉતરી ફરાર થઈ ગયો હતો. જ્યારે સ્થાનિક લોકોએ વિરલને પકડીને પોલીસને સોંપ્યો હતો.
પોલીસ પૂછપરછમાં મિત્રની ભૂમિકા સામે આવી
પોલીસની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, વિરલ અકસ્માત પહેલાં તેના મિત્ર સાગરના ઘરે ગયો હતો. ત્યાં બંનેએ સાથે બિયર પીધી હતી. ત્યારબાદ બંને ફોર્ચ્યુનર કાર લઈને જમવા માટે નીકળ્યા હતા. રસ્તામાં પણ વિરલે ચાલુ કારમાં બિયર પીવાનું ચાલુ રાખ્યું હતું.
નશાની હાલતમાં કાર ચલાવતી વખતે વિરલ વાહન પરનો કાબૂ ગુમાવી બેઠો હતો અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સાગરની હાજરી સામે આવતાં પોલીસ તપાસનો વ્યાપ વધ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સાગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી થશે
પોલીસ તપાસમાં સાગરની સંડોવણી સામે આવ્યા બાદ હવે તેની સામે પણ કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે. વિરલ સાથે બિયર પીધી હોવા ઉપરાંત કારમાં દારૂનો જથ્થો હોવાની જાણ હોવા છતાં તેને રોક્યો ન હોવાના મુદ્દે નિકોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ (Prohibition Act) હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ, અકસ્માત સમયે સાગર કારમાં જ હાજર હોવાથી આઇ-ડિવિઝન ટ્રાફિક પોલીસ તેને પ્રત્યક્ષદર્શી સાક્ષી (Eyewitness) તરીકે પણ તપાસમાં સામેલ કરશે. તેનું નિવેદન નોંધવામાં આવશે. સાગરની જુબાનીથી અકસ્માત સમયે કાર કોણ ચલાવી રહ્યું હતું અને વિરલ ચાલુ વાહને નશો કરી રહ્યો હતો કે નહીં તે અંગેની વિગતો મેળવવામાં પોલીસને મદદ મળી શકે છે.












