ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ખેડૂતો માટે પાણી અને પશુપાલકો માટે વીમાની ભેટ, સરકારની નવી તૈયારી

Gujarat : રાજ્ય મંત્રીમંડળની મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં કૃષિ, પશુપાલન અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રે અનેક કલ્યાણકારી નિર્ણયો લેવામાં આવ્યા છે. આગામી શિયાળુ મોસમને ધ્યાનમાં રાખીને સરકારે જળ વ્યવસ્થાપન પર વિશેષ ભાર મૂક્યો છે. પીવાના પાણીનો પૂરતો જથ્થો અનામત રાખ્યા બાદ ઉપલબ્ધ વધારાનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે પૂરું પાડવા સઘન આયોજન હાથ ધરાશે. આ ઉપરાંત, પશુપાલકોની આર્થિક સુરક્ષા માટે નજીવા પ્રીમિયમે પશુ વીમા યોજના તેમજ સાગરખેડૂતો માટે શિયાળ બેટ ખાતે નવું મત્સ્ય ઉતરાણ કેન્દ્ર સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રવિ સિઝન માટે સૌની અને સુજલામ સુફલામ યોજના દ્વારા પાણીનું વિતરણ

મુખ્યમંત્રીના વડપણ હેઠળ સિંચાઈ વ્યવસ્થાપન અંગે ખાસ સમીક્ષા બેઠક યોજવામાં આવશે. સૌરાષ્ટ્ર પંથકમાં ‘સૌની યોજના’ અંતર્ગત ડેમો અને જળાશયોની સ્થિતિ ચકાસવામાં આવશે, જ્યારે ઉત્તર ગુજરાતમાં ‘સુજલામ સુફલામ કાંસ’ દ્વારા ખેડૂતોને કમાન્ડ વિસ્તાર મુજબ સિંચાઈનું પાણી ફાળવવામાં આવશે. રાજ્ય સરકાર ઉપલબ્ધ જળરાશિનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે ખેડૂતોને ઓછા પાણીએ પાકતા પાકો તરફ વળવા પ્રેરિત કરશે. આ સાથે રવિ સિઝન દરમિયાન સિંચાઈની ઘટ ન સર્જાય તે માટે પડોશી રાજ્યો સાથે સંકલન સાધી વધારાનું પાણી મેળવવાના રાજદ્વારી પ્રયાસો પણ ચાલુ છે.

માત્ર ₹250ના વાર્ષિક પ્રીમિયમ સામે પશુ દીઠ ₹40,000નું વીમા સુરક્ષા કવચ

પશુપાલકોને અણધારી આફત કે પશુઓના આકસ્મિક મૃત્યુ સામે રક્ષણ આપવા રાજ્ય સરકારે ક્રાંતિકારી વીમા યોજના અમલી બનાવી છે. આ યોજના હેઠળ પશુપાલકે માત્ર ₹250નું નજીવું પ્રીમિયમ ભરવાનું રહેશે, જેની સામે પશુ દીઠ ₹40,000નું વીમા કવરેજ મળશે. પ્રથમ તબક્કે રાજ્યભરમાં એક લાખ પશુઓને આવરી લેવાનું લક્ષ્યાંક નક્કી કરાયું છે, જે પૈકી અત્યાર સુધીમાં 27,000થી વધુ પશુપાલકોએ યોજનાનો લાભ લેવા નોંધણી કરાવી લીધી છે.

શિયાળ બેટ ખાતે ફિશ લેન્ડિંગ સેન્ટર 

દરિયાકાંઠાના માછીમાર સમુદાયના ઉત્કર્ષ માટે અમરેલી જિલ્લાના જાફરાબાદ સ્થિત ઐતિહાસિક શિયાળ બેટ ટાપુ પર અદ્યતન ‘મત્સ્ય ઉતરાણ કેન્દ્ર’ (Fish Landing Centre) ઊભું કરવાની દરખાસ્તને કેબિનેટે મંજૂરી આપી છે. આ કેન્દ્ર શરૂ થવાથી મધદરિયેથી પરત ફરતી બોટો માટે જેટી, જેટી પર માછલીઓનું અનલોડિંગ, સ્ટોરેજ અને સીધા વેચાણ માટે વ્યવસ્થિત માળખું મળશે, જેથી સ્થાનિક મત્સ્ય ઉદ્યોગને નવું બળ મળશે.

Back to top button