અમદાવાદમાં AMCનો ફરસાણની દુકાનો પર સપાટો! ઉજાલા અને માધુપુરામાં બે દુકાનો સીલ

અમદાવાદ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના વેપારીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરતી દુકાનો પર તંત્ર દ્વારા અચાનક તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને ફરસાણ અને નાસ્તાની દુકાનોમાં દરોડા પાડવામાં આવતાં વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી.
ઉજાલા અને માધુપુરામાં બે દુકાનો સીલ
AMCના આરોગ્ય વિભાગની કાર્યવાહી દરમિયાન ઉજાલા સર્કલ પાસે આવેલી ‘સૌરાષ્ટ્ર ભજીયા-ગાંઠિયા’ નામની દુકાનને સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત માધુપુરા વિસ્તારમાં આવેલી ‘ગાયત્રી ચવાણા સેન્ટર’ નામની દુકાન સામે પણ કાર્યવાહી કરીને તેને સીલ કરી દેવામાં આવી હતી.
આ દુકાનોમાં ખાદ્ય સામગ્રી બનાવતી વખતે સ્વચ્છતાના નિયમોનું યોગ્ય પાલન થતું ન હોવાની પ્રાથમિક શંકા વ્યક્ત કરવામાં આવી છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને તેમાં વપરાતી સામગ્રી અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
ચવાણા અને ભજીયાના શંકાસ્પદ નમૂના જપ્ત
દુકાનો સીલ કરવાની સાથે આરોગ્ય વિભાગની ટીમે ત્યાં વેચાણ માટે રાખવામાં આવેલા ચવાણા, ભજીયા અને અન્ય ફરસાણના નમૂનાઓ એકત્ર કર્યા હતા. આ નમૂનાઓને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે સ્પષ્ટતા થશે. જો નિયમોનો ભંગ અથવા ખાદ્ય પદાર્થોમાં ગેરરીતિ સામે આવશે તો સંબંધિત વેપારીઓ સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જનઆરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કાર્યવાહી ચાલુ રહેશે
AMCના સત્તાધીશોએ સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતી કોઈપણ પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં. શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું પાલન કરાવવા માટે આગામી દિવસોમાં પણ તપાસ અને દરોડાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.
આ કાર્યવાહીથી શહેરના ખાદ્ય પદાર્થોના વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે. સાથે જ નાગરિકોમાં પણ આશા જાગી છે કે ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા તંત્રની તપાસ વધુ અસરકારક બનશે.
આ પણ વાંચો: અમેરિકામાં ટ્રમ્પને મિડટર્મ ચૂંટણીમાં મોટો ઝટકો! એકદમ નજીકના ખાસ 3 ઉમેદવારોની હાર












