ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરતમાં કાળજું કંપાવતી હત્યા! કબ્રસ્તાનમાંથી માથા વગરનું નગ્ન ધડ મળ્યું, 3 કિમી દૂર રેલવે ટ્રેક પરથી માથું મળી આવ્યું

દિવાળીના તહેવારોની ઉજવણી વચ્ચે સુરતમાં એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. કતારગામના ગોટાલાવાડી ચાર રસ્તા પાસે આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી અજાણ્યા યુવકનું માથા વગરનું નગ્ન ધડ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા કર્યા બાદ તેની ઓળખ છુપાવવાના હેતુથી માથું અલગ કરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસ તપાસ દરમિયાન મૃતકનું માથું અલકાપુરી રેલવે ટ્રેક પરથી મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે. ધડ અને માથું મળેલાં સ્થળો વચ્ચે આશરે ત્રણ કિલોમીટરનું અંતર હોવાનું જાણવા મળ્યું છે. મૃતકની ઉંમર અંદાજે 30થી 35 વર્ષ હોવાની શક્યતા છે.

પોલીસને કંટ્રોલ મેસેજ મળતાં દોડધામ

મળતી માહિતી મુજબ, 3 નવેમ્બરની રાત્રે કતારગામ પોલીસને કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે ગોટાલાવાડી ચાર રસ્તા પાસે આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાં એક વ્યક્તિનો મૃતદેહ પડ્યો છે. માહિતી મળતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

સ્થળ પર તપાસ કરતાં પોલીસને માથા વગરનું નગ્ન ધડ મળી આવ્યું હતું. મૃતદેહ પર એક પણ કપડું નહોતું. આ દૃશ્યને પગલે પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા.

ઓળખ છુપાવવા માથું અલગ કરાયાની આશંકા

પ્રાથમિક દૃષ્ટિએ આ મામલો હત્યાનો હોવાનું જણાઈ રહ્યું છે. અજાણ્યા શખ્સોએ યુવકની હત્યા કર્યા બાદ તેની ઓળખ છુપાવવા અથવા પુરાવાનો નાશ કરવાના ઇરાદે માથું ધડથી અલગ કર્યું હોવાની આશંકા છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ, એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. ટીમોએ ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

બે દિવસ પહેલાં હત્યા થઈ હોવાની પોલીસની આશંકા

પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ યુવકની હત્યા આશરે બે દિવસ પહેલાં થઈ હોઈ શકે છે. પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરી ધડને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યું હતું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ યુવકનું મોત કયા સંજોગોમાં થયું, હત્યાનો ચોક્કસ સમય કેટલો હતો અને શરીર પર અન્ય ઈજાઓ હતી કે કેમ તે અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.

મૃતકની ઓળખ મેળવવા પોલીસની તપાસ તેજ

હાલ કતારગામ પોલીસ સામે સૌથી મોટો પડકાર મૃતકની ઓળખ મેળવવાનો છે. આ માટે આસપાસના વિસ્તારોમાંથી છેલ્લા બે-ત્રણ દિવસ દરમિયાન ગુમ થયેલા લોકોની વિગતો મંગાવી તપાસ શરૂ કરવામાં આવી છે.

બીજી તરફ, કબ્રસ્તાન અને આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાનાં ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. મૃતકનું માથું અલકાપુરી રેલવે ટ્રેક પરથી મળતાં પોલીસ બંને સ્થળો વચ્ચેની કડી જોડવાનો પ્રયાસ કરી રહી છે.

હાલ પોલીસે અજાણ્યા મૃતકની ઓળખ, હત્યાનું કારણ અને આ કૃત્યમાં સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: સોનાના ભાવમાં મોટો કડાકો! 10 ગ્રામ સોનું રૂ.15,000થી વધુ સસ્તું થઈ શકે, નોમુરાની આગાહી

Back to top button