અમદાવાદમાં વાયરલ થયો આ એક મેસેજ અને પોલીસ થઈ દોડતી, જાણો શું થયું પછી ?
હાલ બાળકોના અપહરણ કરતી ગેંગ મોટા પ્રમાણમાં સક્રિય થઇ હોવાના ખોટા મેસેજ સોશિયલ મિડીયામાં સતત ચાલી રહ્યા છે. ત્યારે સોલા સાયન્સ સીટી વિસ્તારમાં રહેતા એક યુવકે સાયન્સ સીટી નજીકની બે સોસાયટીમાંથી બે બાળકોના અપહરણ થયાનો મેસેજ ટ્વીટર પરથી વાયરલ કરતા અમદાવાદ પોલીસ દોડતી થઇ હતી. જો કે કલાકોની તપાસ બાદમાં આ મેસેજ અંગે ખરાઇ થઇ નહોતી. આ અંગે સોલા પોલીસે સોશિયલ મિડીયામાં ખોટી માહિતી ફેલાવવા બદલ એક યુવક વિરૂદ્વ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે આખી ઘટના ?
મળતી માહિતી મુજબ, બે દિવસ પહેલા સોલા સાયન્સ સીટી વિસ્તારમાં રહેતા બિમલ પટેલ નામના યુવકે તેના ટ્વીટર એકાઉન્ટથી કેટલાંક મેસેજ વાયરલ કર્યા હતા. જેમાં બાળકોના અપહરણ કરતી ગેંગ સક્રિય થઇ હોવાની સાથે સાયન્સ સીટી વિસ્તારમાંથી બે બાળકોનું અપહરણ થયું છે અને સોલા, બોપલમાં પણ આ ગેંગ સક્રિય છે. જેની મારી મારી પાસે ચોક્કસ માહિતી છે. એટલું જ નહી તેણે અમદાવાદ પોલીસની કામગીરી પર બાળકોના અપહરણના મામલે સવાલ ઉભા કર્યા હતા. સાથે સાથે એમ ટ્વીટ કર્યું હતું કે વાલીઓ બાળકોને શાળામાં મોકલતા ડરી રહ્યા છે.
ટ્વિટમાં સીએમ, ગૃહમંત્રી સહિતનાને કર્યા હતા ટેગ
આ ટ્વિટ સાથે તેણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, અમદાવાદ પોલીસ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીને પણ ટેગ કર્યા હતા. જેથી આ મેસેજ ગણતરીની મિનિટોમાં જ સોશિયલ મિડીયામાં મોટા પ્રમાણમાં વાયરલ થતા પોલીસ દોડતી થઇ હતી અને સોલા તેમજ સાયન્સ સીટીની આસપાસ બાળકોના અપહરણ અંગે તપાસ કરાવી હતી. જો કે બિમલ પટેલે ખોટી માહિતી મુકી હતી. જેના આધારે પોલીસે સાયન્સ સીટી વિસ્તારમાંથી તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર જે બી અગ્રાવતે જણાવ્યું હતું કે સમગ્ર શહેરમાં બાળકોમા અપહરણના ખોટા સમાચાર સોશિયલ મિડીયામાં વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ સર્જાય છે. હકીકતમાં બાળકોના અપહરણનો એકપણ બનાવ બન્યો નથી. જેથી કોઇ આ પ્રકારના મેસેજ ફેલાવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી અને કોઇપણ બાબતની પહેલા ખરાઇ કરવી. આગામી દિવસોમાં પોલીસ વધુ આકરા પગલા ભરીને કાર્યવાહી કરશે.












