ખીચોખીચ ટ્રેનમાં તસ્કરોનો ખેલ, પળવારમાં લાખોના સામાનની ચોરી, મુસાફરો સાવધાન

Ahmedabad Railway Theft: દિવાળીના તહેવારોમાં વતન જવા અને ફરવા નીકળેલા મુસાફરોની ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. જોકે આ ભીડનો લાભ ઉઠાવીને તસ્કરો પણ સક્રિય થયા છે. મુસાફરના સ્વાંગમાં ટ્રેનમાં મુસાફરી કરતી ચોર ટોળકીઓ પહેલાં કીમતી સામાન ધરાવતા મુસાફરોની રેકી કરે છે અને તક મળતાં જ પર્સ, મોબાઈલ કે બેગની ચોરી કરીને ફરાર થઈ જાય છે. ચોરી કર્યા બાદ કીમતી વસ્તુઓ કાઢીને ખાલી પર્સ કે બેગ ટ્રેનના બાથરૂમમાં ફેંકી દેવાની તરકીબ પણ સામે આવી છે. રેલવેમાં ચોરીની ઘટનાઓ વધતાં પોલીસ એલર્ટ મોડમાં આવી છે.
₹3.20 લાખના દાગીના અને મોબાઈલની ચોરી
ટ્રેનમાં સક્રિય તસ્કરોની ચાલાકીનો એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના કપડાંના વેપારી રમેશ મોહતાના સંબંધી અનુરાગ તેમની પત્ની સાથે મુંબઈથી ભગત કી કોઠી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન અનુરાગની સીટ પરથી પત્નીનું પર્સ ચોરાઈ ગયું હતું. પર્સમાં ત્રણ મોબાઈલ ફોન, સોનાનું મંગળસૂત્ર અને સોનાની વીંટીઓ સહિતની કીમતી વસ્તુઓ હતી. ચોરે માત્ર પર્સની ચોરી જ નહોતી કરી, પરંતુ તેમાંથી કીમતી સામાન કાઢીને ખાલી પર્સ ટ્રેનના બાથરૂમમાં મૂકી દીધું હતું. જેથી પર્સ મળ્યું તે દરમિયાન કીમતી વસ્તુઓ ચોરના હાથમાં પહોંચી ચૂકી હતી. આ ઘટનામાં અંદાજે ₹3.20 લાખના દાગીના અને મોબાઈલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે રમેશ મોહતાએ અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
તહેવારોમાં ચોરી રોકવા રેલવે પોલીસ એલર્ટ
દિવાળીની રજાઓમાં મુસાફરોની વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી છે. કાલુપુર અને સાબરમતી રેલવે સ્ટેશન પર 200થી વધુ પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન પર 150 અને સાબરમતી રેલવે સ્ટેશન પર 60 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રનાં ઓછા મુસાફરોની અવરજવર ધરાવતા રેલવે સ્ટેશનો પરથી પણ પોલીસ કર્મચારીઓને દિવાળીના બંદોબસ્ત માટે બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બંને સ્ટેશન પર એસઆરપીની ટુકડીઓ પણ તહેનાત કરવામાં આવી છે.
પશ્ચિમ રેલવેના ડીવાયએસપી આઈ.એમ. કોંઢિયાના જણાવ્યા અનુસાર, દિવાળીના તહેવાર દરમિયાન મુસાફરોની સુરક્ષા માટે વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાલુપુર અને સાબરમતી સ્ટેશન પર પોલીસ કર્મચારીઓ ઉપરાંત એસઆરપીની ટુકડી પણ તહેનાત કરવામાં આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આ ચાર ભૂલો ટાળજો
- ઊંઘમાં બેદરકારી ભારે પડી શકે છે: લાંબી મુસાફરી દરમિયાન મુસાફર ગાઢ નિદ્રામાં હોય ત્યારે સીટની નીચે કે ઉપર રાખેલી બેગ તસ્કરોનું નિશાન બની શકે છે. તેથી ઊંઘતી વખતે બેગને પોતાની સાથે સુરક્ષિત રીતે બાંધીને રાખવી જરૂરી છે.
- ભીડમાં ધક્કામુક્કીથી સાવધાન: ટ્રેનમાં ચઢતી અને ઊતરતી વખતે થતી ભીડમાં ગઠિયાઓ મુસાફરોના ખિસ્સામાંથી મોબાઈલ કે પર્સ કાઢી શકે છે. આવી સ્થિતિમાં કીમતી સામાન પર ખાસ નજર રાખવી.
- બારી પાસે મોબાઈલનો ઉપયોગ કરતી વખતે સાવચેતી: બારી પાસે બેસીને મોબાઈલનો ઉપયોગ કરતા મુસાફરો પાસેથી બહારથી કોઈ શખ્સ મોબાઈલ ઝૂંટવી શકે છે. તેથી બારી પાસે મોબાઈલ હાથમાં રાખીને ઉપયોગ કરવાનું ટાળવું.
- અજાણ્યા સહપ્રવાસીઓથી સાવધાન: ઓળખાણ કેળવીને ખાવા-પીવાની વસ્તુ આપતા અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો. નશાયુક્ત ખોરાક આપીને મુસાફરને બેભાન કરી સામાન ચોરી લેવાનું જોખમ પણ રહે છે.
મુસાફરોએ આટલી તકેદારી રાખવી જરૂરી
- મુસાફરી દરમિયાન મોબાઈલ અને પર્સ ખુલ્લાં કે બેદરકારીથી ન રાખવાં.
- અજાણી વ્યક્તિ પાસેથી ખાવા-પીવાની વસ્તુ લેવાનું ટાળવું.
- રાત્રે ઊંઘતી વખતે બેગ અને કીમતી સામાન સુરક્ષિત રાખવો.
- ટ્રેનમાં ચઢતી વખતે અને ઊતરતી વખતે સામાન પર નજર રાખવી.
- કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે ચોરીની ઘટના જણાય તો તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરવી.
તહેવારોની ભીડમાં મુસાફરીનો આનંદ ચોરીની ઘટનામાં ન ફેરવાય તે માટે મુસાફરોએ પોતાની સુરક્ષાની જવાબદારી પણ સમજવી જરૂરી છે. થોડી બેદરકારી લાખો રૂપિયાનું નુકસાન કરાવી શકે છે.











