
Gujarat RTO Appointment Glitch: દિવાળીના પર્વ નિમિત્તે સરકાર દ્વારા પડતર દિવસે પણ જાહેર રજા જાહેર કરવામાં આવી હતી, પરંતુ વહીવટી તંત્રની બેદરકારીના કારણે સામાન્ય નાગરિકો અને અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આરટીઓ (RTO) કચેરી દ્વારા વાહન ટ્રાન્સફર અને રી-પાસિંગ જેવી મહત્વની કામગીરી માટે અગાઉથી ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવામાં આવી હતી. જો કે, રજાના દિવસે પણ આરટીઓની ઓનલાઈન સિસ્ટમ દ્વારા અરજદારોને એપોઇન્ટમેન્ટ ફાળવી દેવામાં આવતા અસંખ્ય લોકો કચેરીએ દોડી ગયા હતા, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તેમને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું, જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
રજાના દિવસે એપોઇન્ટમેન્ટ મળતા અરજદારો પહોંચ્યા આરટીઓ
તહેવારોના પવિત્ર દિવસોમાં અનેક લોકોએ પોતાના નોકરી-ધંધામાંથી ખાસ સમય કાઢીને કે રજા રાખીને આરટીઓ કચેરીના નિયત સમયે હાજરી આપી હતી. વાહન ટ્રાન્સફર અને રી પાસિંગ જેવા જરૂરી કામો પતાવવા માટે આવેલા અરજદારો જ્યારે કચેરીના ગેટ પર પહોંચ્યા, ત્યારે ત્યાં તૈનાત સિક્યુરિટી ગાર્ડ દ્વારા આજે જાહેર રજા હોવાનું જણાવીને તેમને પ્રવેશ આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો અને પરત મોકલી દેવાયા હતા. આરટીઓની ઓનલાઈન સિસ્ટમના આ ટેકનિકલ છબરડા અને અણઘડ વહીવટને કારણે અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને ધરમનો ધક્કો થયો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
એપોઇન્ટમેન્ટ રિશેડ્યુલ કરવાની વાતો વચ્ચે અરજદારોની ફરિયાદ
આ સમગ્ર મામલે અમદાવાદ આરટીઓ અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આજે રજા હોવા અંગે અગાઉથી જાણ કરવામાં આવી હતી અને જે અરજદારો કચેરીએ પહોંચ્યા છે તેમની એપોઇન્ટમેન્ટને નિયમ અનુસાર રિશેડ્યુલ કરી આપવામાં આવી છે. જો કે, આ બાબતે વિરોધ વ્યક્ત કરતા એક અરજદારે જણાવ્યું હતું કે જ્યારે અમે આરટીઓ કચેરીએ પહોંચ્યા ત્યારે જ અમને રિશેડ્યુલ અંગેનો એસએમએસ (SMS) મળ્યો હતો. એટલે કે મેસેજ મોડા મળવાના કારણે અરજદારો સમયસર સાચી સ્થિતિ જાણી શક્યા નહોતા અને અટવાયા હતા. તંત્રની આ લાપરવાહી સામે નાગરિકોમાં વહીવટી વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચો: RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે હવે લાંબી રાહ નહીં, રોજના 4,600થી વધુ સ્લોટ, વેઈટિંગ પિરિયડ ઘટ્યો












