સુરતમાં સરકારી નોકરીના નામે મસમોટી ઠગાઈ: પોલીસ કોન્સ્ટેબલ બનાવવાની લાલચ આપી શિક્ષિકા પાસેથી રૂ. 5.99 લાખ પડાવ્યા

Surat Police Constable Job Scam: સુરત શહેરમાં સરકારી નોકરી અપાવવાના બહાને ભોળા નાગરિકોને પોતાની જાળમાં ફસાવીને લાખો રૂપિયા પડાવતી ઠગ ટોળકીઓ સક્રિય થઈ હોવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી આશાદીપ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી એક મહિલાને મોટા મંત્રીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સારા સંબંધો હોવાનું જણાવીને પોલીસ કોન્સ્ટેબલની નોકરીનો સીધો ઓર્ડર કરાવી આપવાની લાલચ આપી હતી. આ ઠગે શિક્ષિકા પાસેથી કુલ રૂ. 5.99 લાખ પડાવી લીધા હતા. આ ગંભીર મામલે ઉત્રાણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને નવસારીના રહેવાસી આરોપી સાવન મોવાલિયાની ધરપકડ કરી કાયદેસરના ચક્રો ગતિમાન કર્યા છે.
પાડોશીના ભત્રીજાએ હાથ ઉછીના નાણાં મેળવી રચી જાળ
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના વેલંજા રોડ પર આવેલા સૌરાષ્ટ્ર ગ્રીન સિટીમાં પરિવાર સાથે રહેતી અને શિક્ષિકા તરીકે નોકરી કરતી 33 વર્ષીય દેવિકાબેન વાળાના સામેના મકાનમાં ગોકળભાઈ મોવલીયા ભાડે રહેતા હોવાથી તેમની સાથે સારા પારિવારિક સંબંધો હતા. ગોકળભાઈએ પોતાના ભાઈના દીકરા સાવન હરેશભાઈ મોવલીયા (રહે. જલાલપોર, નવસારી; મૂળ રહે. ગીર સોમનાથ) સાથે દેવિકાબેનની ઓળખાણ કરાવી હતી. સાવનને તાત્કાલિક નાણાંની જરૂર હોવાનું જણાવી ગોકળભાઈએ ભલામણ કરતાં, દેવિકાબેને ગત 16 ડિસેમ્બર, 2025 ના રોજ રૂ. 4,99,999 આરટીજીએસ (RTGS) મારફતે સાવનના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. સુરક્ષા અને ભરોસા માટે સાવને તેમને એક ચેક પણ લખી આપ્યો હતો.
મોટા અધિકારીઓ સાથેના ફોટા બતાવી આપ્યો વિશ્વાસ
નાણાં મેળવ્યા બાદ ચાલાક સાવને સરકારી નોકરી અપાવવાનું મોટું પ્રલોભન આપીને ઠગાઈનું અસલી કાવતરું રચ્યું હતું. તેણે દેવિકાબેનને જણાવ્યું કે, જો તમારે સરકારી નોકરી મેળવવી હોય તો મારી રાજ્યના મોટા મંત્રીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સીધી ઓળખાણ છે, હું પોલીસ કોન્સ્ટેબલમાં તમારો સીધો ઓર્ડર કરાવી આપીશ. આ વાતનો વિશ્વાસ બેસાડવા માટે તેણે ડિસેમ્બર, 2025 માં ચીખલી ટોલનાકા પાસે આવેલી મહાદેવ હોટેલ પર દેવિકાબેન, તેમના પતિ અને અન્ય મિત્રોને ખાસ બોલાવ્યા હતા. ત્યાં તેણે કેટલાક મોટા અધિકારીઓ સાથેના પોતાના ખોટા ફોટા બતાવીને તેમને પૂરેપૂરા ભ્રમમાં નાખી દીધા હતા અને “મારું બધું જબરદસ્ત સેટિંગ છે, માત્ર 30 દિવસની અંદર જ નોકરીનો ઓર્ડર હાથમાં આવી જશે” તેમ કહીને 29 ડિસેમ્બરના રોજ વધુ રૂ. 1 લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
નોકરી ન મળતા અને ચેક બાઉન્સ થતાં ભાંડો ફૂટ્યો
રૂપિયા પડાવ્યા બાદ સાવન સતત બહાનાબાજી કરતો રહ્યો અને “તમારી ફાઈલ સાહેબના ટેબલ પર છે, ટૂંક સમયમાં કામ થઈ જશે” તેમ કહીને લાંબા સમય સુધી સમય પસાર કરતો રહ્યો હતો. જોકે, લાંબો સમય વીતવા છતાં પણ કોઈ ઓર્ડર ન આવતા દેવિકાબેનને શંકા ગઈ અને તેમણે પોતાના નાણાં પરત માંગ્યા હતા. આ મામલે સાવને અગાઉ સિક્યોરિટી પેટે આપેલો ચેક બેંકમાં નાખતા ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાના કારણે તે રિટર્ન (બાઉન્સ) થયો હતો. પોતાની સાથે મસમોટી છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં પીડિત શિક્ષિકા દેવિકાબેને તાત્કાલિક ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં જઈને સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. શિક્ષિકાની આ ફરિયાદના આધારે ઉત્રાણ પોલીસે BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપી સાવન હરેશભાઈ મોવલીયાને ઝડપી પાડ્યો છે અને આ ઠગ ટોળકીએ અન્ય કોઈ વ્યક્તિઓ સાથે પણ આવી છેતરપિંડી આચરી છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ખીચોખીચ ટ્રેનમાં તસ્કરોનો ખેલ, પળવારમાં લાખોના સામાનની ચોરી, મુસાફરો સાવધાન












