અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

દિવાળીની ઉજવણી બાદ અમદાવાદમાં પ્રદૂષણનો કહેર, AQIના આંકડા ચોંકાવનારા

Ahmedabad : દિવાળીની રાત્રે થયેલી ધૂમ આતિશબાજી અને ફટાકડાના ઝેરી ધુમાડાના કારણે સમગ્ર ગુજરાતમાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ ભયજનક સપાટી વટાવી ગયું છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં હવાની ગુણવત્તા (Air Quality Index – AQI) અત્યંત જોખમી કેટેગરીમાં પહોંચી ગઈ છે. અમદાવાદમાં દિવાળીની મધ્યરાત્રિએ પ્રદૂષણનો પારો એટલી હદે ઊંચકાયો હતો કે અનેક પોશ વિસ્તારોમાં AQI 600થી 700ની પાર પહોંચી ગયો હતો. ધુમ્મસ અને ધુમાડાના લીધે શહેરમાં વિઝિબિલિટી નહિવત થઈ ગઈ હતી, જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સોલામાં સૌથી વધુ 735 AQI: થલતેજ, બોપલ અને પ્રહલાદનગરમાં હવા જોખમી બની

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વાયુ પ્રદૂષણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. મોનિટરિંગ સ્ટેશનોના આંકડા મુજબ, સોલા વિસ્તારમાં દિવાળીની રાત્રે AQI 735ના અત્યંત જોખમી સ્તરે પહોંચી ગયો હતો. તહેવાર પછીના દિવસોમાં પણ સરેરાશ સ્થિતિ ચિંતાજનક રહી છે. હાલ સોલામાં 251, થલતેજમાં 248, હેબતપુરમાં 236, શિવાલિક લેકવ્યૂ ખાતે 225 અને શાંતિગ્રામ આસપાસ 202 AQI નોંધાયો છે. સાઉથ બોપલ, પ્રહલાદનગર તેમજ સેટેલાઇટ જેવા વિસ્તારોમાં ઝેરી સ્મોગના કારણે સામાન્ય લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરાની ફરિયાદો ઊઠી છે. અમદાવાદ ગ્રામ્ય અને આસપાસના ઔદ્યોગિક પટ્ટાઓમાં પણ આંકડો 300ને વટાવી ગયો છે.

રાજ્યના અન્ય શહેરોની સ્થિતિ પણ ગંભીર: પેટલાદમાં 583, જસદણમાં 393AQI

પ્રદૂષણનો આ કહેર માત્ર અમદાવાદ પૂરતો સીમિત નથી રહ્યો. આણંદ જિલ્લાના પેટલાદમાં સૌથી વધુ 583 AQI નોંધાતાં હાહાકાર મચી ગયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર પંથકમાં જસદણમાં 393, ખંભાત અને પોરબંદરમાં ૩૫૨, રાજકોટમાં 325 તેમજ જામનગરમાં 314 AQI નોંધાયો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સાણંદ (ગીબપુરા) 277 , આણંદ 271, ધોળકા 227 , ભરૂચ 212 અને ભુજમાં 211 આંકડો રહ્યો છે. જ્યારે સુરતમાં 199 અને વડોદરામાં 177 AQI નોંધાયો છે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં મહિલા ટીવી એન્કરની ગોળી મારી હત્યા, પતિ પર શંકા

શિયાળાની શરૂઆત સાથે ઝેરી હવાનો ત્રેવડો માર: અસ્થમા અને હૃદયરોગના દર્દીઓ સાવચેત રહે

હવામાન નિષ્ણાતો અને તબીબોના મતે, સામાન્ય રીતે શિયાળાના પ્રારંભે ઠંડી હવા જમીનની નજીક રહેતી હોવાથી વાતાવરણમાં પ્રદૂષકો જકડાઈ જાય છે. તેમાં પણ દિવાળીની રાત્રે થયેલી અતિશય આતિશબાજી અને કચરો સળગાવવાની પ્રવૃત્તિઓએ બળતામાં ઘી હોમ્યું છે. AQI 200થી ઉપર જાય ત્યારે સ્વસ્થ વ્યક્તિ માટે પણ હવા જોખમી બની જાય છે. આવી સ્થિતિમાં શ્વાસનળીના દર્દીઓ, અસ્થમાથી પીડિતો, વૃદ્ધો તેમજ નાના બાળકોને ઘરની બહાર ન નીકળવા અને જરૂરી કામ વિના પ્રદૂષિત વાતાવરણમાં ન ફરવા આરોગ્ય નિષ્ણાતોએ સલાહ આપી છે. જો હવાની ગુણવત્તા સુધારવા તાત્કાલિક પગલાં નહીં ભરાય તો ગુજરાતના શહેરો પણ દિલ્હી જેવી ગંભીર સ્થિતિ તરફ ધકેલાઈ શકે છે.

આ પણ વાંચો: BCCIનો મોટો નિર્ણય! ટેસ્ટ, વનડે અને T20 માટે ટીમ ઈન્ડિયાની પસંદગી

Back to top button