અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદમાં દિવાળીની રાત્રે આગની ઘટનાઓથી ફાયર બ્રિગેડ દોડ્યું, 12 કલાકમાં 126 કોલ

diwali-fire-incidents:   અમદાવાદમાં દિવાળીની ઉજવણી દરમિયાન ફટાકડાના કારણે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી હતી. દિવાળીની સાંજે 6 વાગ્યાથી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધીમાં અમદાવાદ ફાયર બ્રિગેડને આગના કુલ 126 કોલ મળ્યા હતા. ખાસ વાત એ છે કે રાત્રે માત્ર બે કલાકમાં જ 70થી વધુ કોલ મળતાં ફાયર બ્રિગેડની ટીમો દોડતી થઈ ગઈ હતી. જોકે, રાહતની વાત એ છે કે આ તમામ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી.

ગોતામાં બિલ્ડિંગ પાસે આગ, ત્રણ લોકોને સુરક્ષિત બહાર કઢાયા

ફાયર બ્રિગેડ પાસેથી મળેલી માહિતી મુજબ, દિવાળીની રાત્રે શહેરના વિવિધ ફાયર સ્ટેશન અને કંટ્રોલ રૂમમાં આગ લાગવાના કોલનો ધસારો રહ્યો હતો. મોટાભાગની ઘટનાઓ ખુલ્લા પ્લોટ અને કચરાના ઢગલામાં આગ લાગવાની હતી. ગોતામાં સિલ્વર ઓક કોલેજ પાસે એક બિલ્ડિંગ નજીક આગ લાગતાં ત્રણ લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જવાનોએ આગને કાબૂમાં લેવાની સાથે ત્રણેય લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ઉપરાંત બોપલ, નવરંગપુરા, નિકોલ, વાસણા, ઘોડાસર, બોડકદેવ અને દાણીલીમડા સહિતના વિસ્તારોમાં પણ આગ લાગવાની ઘટનાઓ બની હતી. ફાયર બ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવી સમયસર આગ પર કાબૂ મેળવ્યો હતો.

રાત્રે 10થી 12 વાગ્યા દરમિયાન સૌથી વધુ કોલ

દિવાળીની રાત્રે અમદાવાદ ફાયર બ્રિગેડનાં તમામ ફાયર સ્ટેશનને એલર્ટ પર રાખવામાં આવ્યાં હતાં. આગની જાણ થતાં જ ફાયર ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. સાંજે 6થી સવારે 6 વાગ્યા સુધીમાં કુલ 126 કોલ મળ્યા હતા. તેમાંથી સૌથી વધુ કોલ રાત્રે 10થી 12 વાગ્યાની વચ્ચે આવ્યા હતા. આ બે કલાકમાં જ 70થી વધુ કોલ મળતાં ફાયર કંટ્રોલ રૂમ સતત વ્યસ્ત રહ્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પ્રાથમિક માહિતી મુજબ, મોટાભાગની આગ ખુલ્લા પ્લોટ અને કચરાના ઢગલામાં લાગી હતી. જ્યારે કેટલીક જગ્યાએ મકાનોમાં આગ લાગતાં ઘરવખરીને નુકસાન થયું હતું. જોકે, ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે આગની મોટી દુર્ઘટના ટળી હતી અને સમગ્ર શહેરમાં ક્યાંય જાનહાનિ નોંધાઈ નહોતી.

Back to top button